નેતાઓની શતરંજ: હાથી બનવાની લાલચે ઊંટનું પક્ષાંતર
- અગડમ્ બગડમ્-બાબા આદમ
ભારતની એક તરુણી દિવ્યા દેશમુખ વીમેન્સ વર્લ્ડ કપમાં ચેમ્પિયન બની તેના કારણે ચેસની રમત ફરી ફોકસમાં આવતાં હરખાયેલા ચેસના કેટલાક ખેલાડીઓએ શહેરમાં પણ મોટાપાયે ચેસની સ્પર્ધા ગોઠવવાનું નક્કી કર્યું. એકાદ ખેલાડીને સૂઝ્યું કે શતરંજની અસલ રમત તો આપણે ત્યાં નેતાઓ જ રમે છે. આથી તેઓ જુદી જુદી પાર્ટીના નેતાઓને પણ તેમની ટીમો ઉતારવા માટે આમંત્રણ આપવા ગયા. તેમાં ચર્ચા જામી.
કાર્યકર ૧: જુઓ, આઠ જ પાયદળ હોય ને બે જ હાથી ને બે જ ઊંટ હોય તેવા નિયમો અમારી પાર્ટીને માન્ય નથી. અમને સામેની પાર્ટીમાંથી સારા લાગે તેવા પાયદળ અને ઊંટ કે હાથીને પક્ષાંતર કરી લાવવાની છૂટ હોવી જોઈએ. જરુર પડે અમે ઊંટને અમારી બાજુએથી હાથીનું પદ આપવાની લાલચ આપીશું. હાથીને કહીશું કે પછીની ગેમમાં તને વજીર બનાવીશું.
કાર્યકર ૨ : અને હા, અમારી પાર્ટીમાં રાજા તો દૈવી અવતાર સમાન છે. તેને કોઈએ ચેકમેટ કરવાનો નહીં. અને રાજા એક જ બોક્સ આમતેમ નહીં ખસે. અમારી પાર્ટીમાં તો રાજા જ બધી ચાલ રમે છે અને બાકીના બધા તેને ફોલો કર્યા કરે છે.
કાર્યકર ૩: અમારી પાર્ટી વજીર નહીં, યુવરાજ સાથે સ્પર્ધામાં ઉતરશે.
કાર્યકર ૪: અમારી પાર્ટીના દરેક કાર્યક્રમમાં ઓડિયન્સમાં કાર્યકરો હોય એના કરતાં સ્ટેજ પર નેતાઓ વધારે હોય છે. એટલે આ ચેસમાં પણ અમારા વતી એકપણ પ્યાદું નહીં રમે, તેને બદલે બધા યોદ્ધાઓ જ મેદાનમાં ઉતરશે.
કાર્યકર ૫: જુઓ, આ બ્લેક એન્ડ વ્હાઈટ ચેસબોર્ડ બહુ બોરિંગ લાગે છે. એને બદલે કેસરી અને ગ્રીન કલરનું ચેસબોર્ડ રાખો. તો જ રંગ જામશે.
કાર્યકર ૬: આ રમતમાં બંને પાર્ટીઓ તરફથી બે-બે ઘોડા મેદાનમાં ઉતરશે, પણ તેમાં ફોડ પાડો કે આ ઘોડા રેસના હશે કે લગ્નના? અમારી પાર્ટીમાં શું છે કે ક્યા ઘોડાને કઈ જવાબદારી સોંપવી તે બાબતે બહુ કન્ફ્યુઝન ચાલે છે.
કાર્યકર ૭: મારો તો આ સમગ્ર આયોજન સામે જ વાંધો છે. જુઓ, આમાં કોઈ મોટું સ્ટેડિયમ રાખવાની જરુર નહીં પડે. મતલબ કે કોઈપણ ઈવેન્ટમાં હજારો લાખો લોકોને એકઠા કરવાની જવાબદારી સરકારી અધિકારીઓને સોંપવાની અમારી સ્કિલનો ઉપયોગ જ નહીં થાય.
કાર્યકર ૮: ચેસની રમત દરમિયાન સ્પર્ધકે મોટાભાગે ચૂપ જ રહેવાનું હોય છે એ પણ ખોટું છે. એક-એક ચાલ પહેલાં એકાદું ભાષણ ફટકારવાની છૂટ આપો. કંઈ નહીં તો એક એક પ્યાદું કે સામેવાળાનો હાથી-ઘોડો કે વજીર મારીએ ત્યારે સૂત્રો પોકારવાની પણ છૂટ હોવી જોઈએ.
કાર્યકર ૯: આ કોમ્પિટિશનમાં અમે હારી જઈએ તે પછી ચેસબોર્ડ જ બરાબર સપાટ ન હતું, બોર્ડનો કલર ઝાંખો હતો, પ્યાંદાં બધાં ખોડંગાતાં હતાં, કોમ્પિટિશન રુમમાં બરાબર લાઈટિંગ ન હતું એવા બધા આક્ષેપો કરવાની છૂટ મળવી જોઈએ. આમાં પણ જો રીકાઉન્ટિંગ જેવી જોગવાઈ રાખો તો અતિ ઉત્તમ...
ચેસ રમનારા ખેલાડીઓ આ અસલી ખેલાડીઓને નમસ્કાર કરી રવાના થયા.
આદમનું અડપલું
ચૂંટણીનાં ચેસબોર્ડમાં પ્રજા જ હંમેશાં મામુલી પ્યાદું હોય છે