- અગડમ્ બગડમ્-બાબા આદમ
- સેકન્ડ હેન્ડ બૂકે ખરીદનારાઓ મેયર ઓફિસનો સંપર્ક કરે
નવા મેયરો માટે ટ્રેનિંગ શરુ થઈ.
'ચાલો, સૌ પહેલાં તો હસતા મુખે બૂકે હાથમાં લઈ ફોટા પડાવતાં શીખો. હમણા બે-ચાર મહિના તો અભિનંદનો સ્વીકારવા અને સન્માન સમારંભોમાં હાજરી આપવામાં જ નીકળી જવાના છે એટલે આ ટ્રેનિંગ જરુરી છે. જુઓ, બૂકે સ્વીકારતી વખતે ચહેરા પર જરા આત્મગૌરવ અને વિનમ્રતાનું પરફકેટ બેલેન્સ કરવાનું છે. મોઢુું હસતું જ રાખજો પણ કયાંય વિદેશી મહાનુભવોને મળતા હો તેવી હા હા હી હી ન કરશો. એક દિવસમાં ગમે તેટલા બૂકે આવે, ચહેરા પર સ્હેજે કંટાળો ન જોઈએ. મેયર તરીકે તમારે આ જ તો કર્યા કરવાનું છે. સ્વાગત ઝીલવાનું અને કર્યા કરવાનું. આ જ તો મેઈન કામ છે.
મેયર તરીકે તમારે ખાસ વહીવટ કરવાના નહિ આવે. છતાં વહીવટની ખંજવાળ આવતી હોય તો સેકન્ડ હેન્ડ બૂકે ખરીદનારા મેયર ઓફિસનો સંપર્ક કરે એવી સૂચના લાગતા વળગતાઓને આપી દેજો. તમારા સ્ટાફને જે થોડી ઘણી પરચૂરણ આવક થાય એ.'
'હવે બીજું ટાસ્ક છે, શહેરનું નિરીક્ષણ. હા તમે આ જ શહેરની ગલીઓમાં ધૂળ ફાકીને મોટા થયા છો એ બધાને ખબર છે પરંતુ મેયરની આંખે નિરીક્ષણ જરા જુદા પ્રકારનું હોય. દર થોડા-થોડા દિવસે નીકળી જ પડવાનું નિરીક્ષણનું રીલ બનાવવા. આ નિરીક્ષણ માટે કોઈ ખાસ ચશ્માની શોધ નથી થઈ. આમાં શું છે કે અધિકારીઓ તમને સમજાવશે કે મેયર સાહેબ આપણે આ રસ્તો આમ બનાવશું અને આ લાઈટો તેમ નાખશુું, તમારે ડોકું હલાવતા રહેવાનું છે. ખાસ ધ્યાન રાખજો કે ફોટા પડી રહ્યા હોય કે વિડીયો ઉતરી રહ્યો હોય ત્યારે તમારા ચહેરા પર એકદમ અભ્યાસુ અને સચિંત વ્યક્તિ તરીકેના હાવભાવ આવવા જોઈએ. અને હા, અધિકારીઓને બહુ સૂચનો આપવાની ઝંઝટમાં ન પડવું. આમેય કોઈ માનવાનું નથી.'
'હવે સૌ એક સારી નોટબૂક લાવો. ના..ના એમાં કોન્ટ્રાક્ટરો સાથેના હિસાબકિતાબ નથી રાખવાના. એ કામ તો બધુું સ્થાયી અધ્યક્ષ અને પાર્ટી કરી લેશે. તમારે તો અમૂક વાક્યો રોજ એક-એક હજાર વાર લખવાનાં છે અને રટી લેવાનાં છે. પછી ભાવિકો જેમ જાપ જપતા હોય તેમ ગમે ત્યારે ગમે ત્યાં દરેક પ્રસંગે બોલતા રહેવાનું છે. આ વાક્યો છે...શહેરના રસ્તા ટોપ ચકાચક બની જશે. શહેરને ચોખ્ખુંચણાક બનાવી દેવામાં આવશે. શહેરમાં પાણીની કોઈ સમસ્યા નહીં રહે. શહેરમાં રસ્તા પહોળા કરવામાં આવશે. શહેરને સંપૂર્ણ દબાણમુક્ત બનાવી દેવામાં આવશે. શહેરની શોભા વધારવામાં આવશે. આ વરસાદમાં શહેરમાં ક્યાંય પાણી નહીં ભરાવા દઈએ. માય સિટી, ગ્રીન સિટી. આપણે સૌ સાથે મળીને શહેરના વિકાસ માટે વિચારીએ.'
'અને ખાસ ચેતવણી...આ કામ મારા કારણે થયું કે મેં આ મંજૂર કરાવ્યું એટલે થયું એવું ક્યારેય કોઈ દિવસ બોલવાનું નથી. ફૂટપાથ પર એક લાદી પણ બદલાય તો પણ બધી ક્રેડિટ ઉપરવાળાને આપવાની છે. ઉપરવાળા એટલે ઉપરવાળા ભગવાન નહિ.આપણા ભગવાન. સમજ્યા ને ? '
આદમનું અડપલું
જેમ પ્રજા લોકશાહીમાં નામની જ માલિક છે એમ મેયર શહેરના નામના જ શાસક હોય છે


