Get The App

'કોર્પોરેટર બનેગા કરોડપતિ' ગેમના સવાલો

Updated: Apr 30th, 2026

GS TEAM

Google News
Google News
'કોર્પોરેટર બનેગા કરોડપતિ' ગેમના સવાલો 1 - image

- અગડમ્ બગડમ્-બાબા આદમ

- કેટલાક નવા કોર્પોરેટરો માટે અઘરો સવાલ: સામાન્ય સભા શેના માટે હોય છે?

નગરપાલિકા કે મહાપાલિકાઓમાં નવા ચૂંટાયેલા અનેક કોર્પોરેટરો શહેરને સમૃદ્ધ બનાવવા મથશે. સ્વાભાવિક રીતે જ આ દિશામાં શરુઆત તેઓ પોતાના ઘરથી કરશે.  હવે નવેસરથી શરુ થયેલી 'કોર્પોરેટર બનેગા કરોડપતિ' ગેમના કેટલાક સવાલો આ પ્રમાણે છે. 

૧. આજના કોર્પોરેટર એટલે ભવિષ્યના..(એ) બિલ્ડર (બી) મ્યુનિસિપલ કોન્ટ્રાક્ટર (સી) રિસોર્ટ-રેસ્ટોરાં-હોટલ માલિક (ડી)મોટા નેતાઓની સભાઓ માટે ક્રાઉડ મેનેજર.

૨. મેયરને કેટલી સત્તા હોય છે? (એ) મ્યુ. કમિશનરના પી.એ. કરતાં  થોડી ઓછી (બી) પક્ષના શહેર પ્રમુખના પી.એ . કરતાં થોડી વધારે (સી) જેટલી દેખાડી શકે તેટલી (ડી)   દરેક સ્ટેજ પર ખુરશી મેળવવા જેટલી.

૩. પાલિકામાં કોનું રાજ કાયમ હોય છે? (એ) અધિકારીઓનું (બી) કોન્ટ્રાક્ટરોનું (સી) પાર્ટી હાઈ કમાન્ડનું (ડી) આપણને આપણાં પાંચ વર્ષથી જ મતલબ.

૪. દરેક કોન્ટ્રાક્ટમાં પાર્ટી ભંડોળની ટકાવારી કેટલી? (એ) ચાર ટકા (બી) કોણ કોન્ટ્રાક્ટર છે તેના પર આધાર (સી) કેટલો મોટો કોન્ટ્રક્ટ છે તેના પર આધાર (ડી)હવે આ બધું અધિકારીઓ જુએ છે, આપણે નહિ.

૫.  કમાવાનો સારો રસ્તો કયો? (એ) જેના પર ખાડા  પૂરાતા જ ન હોય (બી) જ્યાં ફલાયઓવર બનાવવાનો ચાન્સ હોય (સી) જે રસ્તા પર સૌથી વધુ હોર્ડિંગો લાગતાં હોય (ડી) જે રસ્તા પર ડામર ટકતો જ ન હોય. 

૬. બિલ્ડિંગના નક્શામાં કોને વધારે ખબર પડે? (એ) નક્શા પાસ કરનારા અધિકારીને (બી) બિલ્ડરોને (સી) નક્શા  પાસ કરાવતા દલાલોને (ડી) આપણે મમ-મમથી કામ રાખવું, ટપ-ટપથી નહિ.

૭. તમારા વોર્ડની સૌથી મોટી સમસ્યા કઈ? (એ) વિપક્ષો (બી) પાર્ટીના જ અસંતુષ્ટો (સી) કેટલાક વધુ પડતા જાગૃત નાગરિકો (ડી) પાલિકાનો અમુક પ્રામાણિક સ્ટાફ.

૮. લારી, ગલ્લા, પાથરણાંનાં દબાણોમાં  કેટલો હપ્તો હોય છે? (એ) શેની લારી છે તેના પર આધાર (બી)એરિયા, લોકેશન પ્રમાણે (સી) સીઝન પ્રમાણે (ડી) પાર્ટી નક્કી કરે.

૯. સામાન્ય સભા શા માટે હોય છે? (એ) બૂમબરાડા અને ધમાલ માટે (બી) રાષ્ટ્રીય મુદ્દાઓની ચર્ચા માટે (સી) શાંતિથી ચૂપચાપ બેસવાની જગ્યા (ડી) એ વળી શું હોય?

૧૦.  વિકાસની વ્યાખ્યા શું ?  (એ) ફલાયઓવરો એ જ વિકાસ (બી) મોટી મોટી ઈવેન્ટો થાય એ જ વિકાસ (સી) પાર્ટી હાઈકમાન્ડ કહે એ જ વિકાસ (ડી)  અમારા માટે તો અમારી સાત પેઢી તરી જાય એ જ વિકાસ.

આદમનું અડપલું

નવું વ્યાકરણ: નગર સેવક એટલે નગરના સેવક નહિ, આખું નગર જેમની સેવા માટે છે એવા નવા વીઆઈપીઓ