- અગડમ્ બગડમ્-બાબા આદમ
- ગુજરાતી ભાષામાં નાગરિક અને મતદાર એ સમાનાર્થી શબ્દો નથી
'એય છોકરાઓ, નિશાળની બહાર કેમ રખડો છો ? તમારા સાહેબને જઈને કહો કે ઈન્સ્પેક્શન આવ્યું છે.'
ઈન્સ્પેક્શન ટુકડીએ ગામમાં પહોંચી શાળા બહાર જઈને હાકોટો નાખ્યો. એક છોકરો કહે, ' અમારા એક સાહેબને પશુધન ગણવાની ડયુટી આવી છે એટલે ગામમાં ભાગોળે બેઠા છે અને આવતાં જતાં ડોબાં ગણે છે. બીજા સાહેબને ખેતરમાં પાકનો સર્વે કરવા કહ્યું છે એટલે ખેતરે ગયા છે, અને ત્રીજા સાહેબ નિશાળની ભીત પડું પડુ ંથાય છે તેના જરા સાંધા પૂરે છે.'
પડું પડું ભીતની વાત સાંભળી ટુકડીના સાહેબે પોતાના પગ જરા પાછા ખેંચી લીધા. ત્યાં તો અંદરથી શિક્ષક જ બહાર આવ્યા. 'પધારો સાહેબો, અતિથિ દેવો ભવ... બોલો, આ શાળા બાજુ કેમ ભૂલા પડયા?'
ટૂકડીના વડા જરા કડકાઈથી કહે, 'અમે ઈન્સ્પેક્શન માટે આવ્યા છીએ, શાળામાં તમે કેવું ભણાવો છો તેની પરીક્ષા લેવાની છે. બોલો, આ છોકરાઓને ગણિતમાં શું ભણાવ્યુું?'
શિક્ષક કહે,'એક દાખલો ગણવા આપ્યો છે કે એક બીએલઓ બે કલાકમાં ૪૦ ઘર પતાવી શકે તો ચાર બીએલઓ અડધા કલાકમાં કેટલાં ઘર પતાવી શકે?'
દાખલો સાંભળીને વડાસાહેબ પોતે જરા અસ્વસ્થ થઈ ગયા. પછી બીજો સવાલ કહે, 'ગણિતની વાત જવા દો. આ બાળકોને ભાષામાં શું પાકું કરાવ્યું?'
શિક્ષક વટથી કહે, 'એ જ કે મતદાર અને નાગરિક સમાનાર્થી શબ્દો નથી.'
વડા વધુ ગૂંચવાયા એટલે ટુકડીના બીજા સભ્યએ આગળ ચલાવ્યું, 'બાળકોને કંઈ ભૂગોળ જેવું પણ શીખવાડો છો કે નહીં ?'
શિક્ષક આંખ આડે હથેળી મૂકી દૂર જોતાં કહે,'બાળકોને દિશાજ્ઞાાન આપ્યું જ છે. તેમને ભણાવ્યું છે કે સરકારી રેલી કાઢવી હોય તો સ્કૂલના ગેટથી ગામના ચોક સુધી જવા માટે દક્ષિણ દિશામાં આગળ વધવું કે પૂર્વ દિશામાં? એ પણ શીખવાડયું છે કે સરકારી રેલીમાં વહેલી સવારે સ્કૂલનાં તમામ બાળકોએ જવાનું હોય અને એનો પુરાવો ઉપર મોટી ઓફિસે સેલ્ફી તરીકે મોકલવાનો હોય તો સવારે પોણા આઠે સૂરજથી કઈ દિશામાં ઊભા રહેવાથી સેલ્ફી સારી આવશે?'
ત્રીજા સભ્ય કહે,'માસ્તર, બહુ દોઢડહાપણ ન કરો. સ્કૂલનું રિઝલ્ટ શું આવે છે એ કહો.'
શિક્ષક કહે, 'જેમ દેશમાં અને રાજ્યમાં સરકારો રિપીટ થાય છે એમ અમારી સ્કૂલમાં પણ ૯૦ ટકા વિદ્યાર્થીઓ એક-એક વર્ગમાં બે-બે ત્રણ-ત્રણ વર્ષ તો રિપીટ થાય જ છે. બોલો, ખુશીની વાત છે ને?'
ગામના ખુલ્લા ઠંડા વાતાવરમમાં પણ પરસેવો લૂછતાં ટુકડીના વડા કહે 'બોસ, દયા કરો. એ તો કહો કે તમે આ બધું શિક્ષણજ્ઞાાન કઈ અધ્યાપન સંસ્થામાંથી મેળવીને આવ્યા છો?'
શિક્ષક ઠાવકાઈથી કહે, 'હું બીએલઓ બીએડ છુું, એક જ વીકમાં ૪૨૦ ફોર્મનો મારા નામે રેકોર્ડ બોલે છે. બોલો, બીજું કાંઇ પૂછવું છે?' ત્યાં શાળાની ભીંત અને ટુકડીના વડા બંને નીચે ધડામ દઈને ફસડાઈ પડયાં.
આદમનું અડપલું
આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ બધા જ વિષય ભણાવી દેશે પણ ઘરે ઘરે ફરીને ફોર્મ નહીં ભરાવી શકે!


