- અગડમ્ બગડમ્-બાબા આદમ
- બાપુ, અમે લોકો 30મીએ ગોડસેને ટ્રેન્ડ કરીએ છીએ, એ નિમિત્તે તમને યાદ કરી લઈએ છીએ
સંશયાત્માએ છેક ઉપર ગાંધીબાપુને ફોન લગાવ્યો. 'બાપુ, પુણ્યતિથિ નિમિત્તે પ્રણામ.'
ગાંધીજી કહે, 'બેટા, તારી કાંઈક ભૂલ થઈ લાગે છે. મને બીજી ઓક્ટોબરે જન્મદિવસે અને ફક્ત તે જ દિવસે યાદ કરવાનો દેશમાં રિવાજ છે. ૩૦મી જાન્યુઆરીએ ખાસ કોઈ યાદ કરતું નથી.'
સંશયાત્મા લુચ્ચું હસીને કહે, 'બાપુ, તમારે ત્યાં સોશિયલ મીડિયાની એક્સેસ નહીં હોય એટલે તમને ખબર નથી પડતી. અમે લોકો હવે દર ૩૦મીએ ગોડસેેને ટ્રેન્ડ કરીએ છીએ. એ નિમિત્તે ઈચ્છીએ કે ન ઈચ્છીએ તો પણ તમને યાદ કરવા પડે છે.'
બાપુ કૌતુક સાથે કહે, 'આ સોશિયલ મીડિયા વળી કઈ નવી ઉપાધિ છે? અને તેમાં ટ્રેન્ડ થવું એટલે શું?'
સંશયાત્મા નિસાસો નાખતાં કહે, 'બાપુ, આજકાલ એમ માનો કે સરકારી વહીવટથી માંડી સાહિત્યનું સર્જન બધું સોશિયલ મીડિયા પર અને સોશિયલ મીડિયા ખાતર જ ચાલે છે. જાણકારો કહે છે કે જો તમારા જમાનામાં સોશિયલ મીડિયા હોત તો તમે વર્ષના ૩૬૫ દિવસ ચોવીસેય કલાક સતત ટોપ ટ્રેન્ડમાં રહેતા હોત અને તમારા કરોડોના કરોડો ફોલોઅર્સ હોત.'
બાપુ હસતાં હસતાં કહે, 'આ ફોલોઅર્સવાળી વાતથી બહુ પ્રભાવિત થવું નહીં. મારેય જે તે સમયે બહુ ફોલોઅર્સ હતા.પણ જો, એમાંથી સંપૂર્ણ સત્યના માર્ગને કેટલા અનુસર્યા?'
' એક વાત કહું બાપુ, હવે આ સોશિયલ મીડિયાના જમાનામાં તમારી જેમ સત્યનો માર્ગ લેવાનું બધાને ફાવે નહીં. જેને મનમાં જે આવે એ ફેંકમ્ફેંક કરતા હોય. હવે તો એઆઈના કારણે એવી એવી ડીપ ફેક પોસ્ટ ક્રિએટ થાય છે કે બાપુ, તમારી અક્કલ કામ ન કરે.'
બાપુ મજાકના સૂરે કહે,'આમેય ત્યારે મારી અક્કલ કામ કરતી નથી એવું ઘણા લોકો માનતા હતા. ગોડસે પણ તેમાંનો એક હતો. ખેર, તું કહે છે તેમ સોશિયલ મીડિયા બહ પોપ્યુલર હોય ને એના પર બધા ગપગોળા જ ચાલતા હોય તો મારું એક સૂચન છે કે પેલા પદ્મશ્રી અને પદ્મવિભૂષણ જેવા એવોર્ડ અપાય છે તેમ દેશમાં સારામાં સારું અને ઊંચામાં ઊંચું ગપ મારનારાને ગપશ્રી અને ગપવિભૂષણ જેવા એવોર્ડ મળવા જોઈએ.'
'સોરી બાપુ, એવું નહીં બને. આપણે ત્યાં હવે સૌથી વધુ અને ઊંચામાં ઊંચી ગપ હાંકનારાને ચૂંટીને સરકારમાં જ બેસાડી દેવાનો રિવાજ છે. એ બધા એવોર્ડ આપનારાઓની હરોળમાં ગોઠવાઈ જાય છે, લેવામાં નહીં.'
'હે રામ..' કહીને બાપુએ હસતાં હસતાં ફોન મૂકી દીધો.
આદમનું અડપલું
ગોડસે બાપુને ઠાર કરતાં પહેલાં પગે લાગ્યો હતો, નેતાઓ પણ પ્રજાની વલે કરતાં પહેલાં ચૂંટણી વખતે પ્રજાને નમન કરી લેતા હોય છે.


