Get The App

ડોનાલ્ડ ટ્રમ્પનો લેટર, 'થેન્ક યુ અનન્યા....'

Updated: May 28th, 2026

GS TEAM

Google News
Google News
ડોનાલ્ડ ટ્રમ્પનો લેટર, 'થેન્ક યુ અનન્યા....' 1 - image

- અગડમ્ બગડમ્-બાબા આદમ

- સંસ્કૃતિની વાત આવે ત્યારે પ્રજા કોના કારણે ખિસ્સાં ખાલી છે એ ભૂલી જાય છે

પ્રિય અનન્યા, 

આમ તો મને મારા સિવાય કોઈ પ્રિય નથી પરંતુ આ તો શું છે કે કાગળ લખવાની શરુઆતમાં આવું બધું સંબોધન કરવું પડે. આમ તો હું  કોઈ જાતની ઔપચારિકતાઓમાં માનતો જ નથી પણ આદત સે મજબૂર એટલે રુપાળી છોકરીઓની વાત આવે એટલે હું જરા લળી લળીને વાત કરવા માંડું છું. 

હું આજકાલ કોઈ બે દેશો વચ્ચે યુદ્ધવિરામની વાત હોય કે કોઈ દેશ સામે યુદ્ધ છેડવાની જાહેરાત હોય એ બધું સોશિયલ મીડિયા પર જ પતાવી નાખું છું. પણ, આ તો મારે તને અંગત મેસેજ પાઠવવો હતો એટલે ખાસ આ લેટર લખું છું. જોકે, તારા વિશે મેં પણ સાંભળ્યું છે કે તું પણ સોશિયલ મીડિયા પર સતત ચમકતી રહેવામાં માહેર છો. બસ, હું પણ સોશિયલ મીડિયા પર ગતકડાં કર્યા કરવાની ફિરાકમાં  જ હોઉં છું.  એ રીતે આપણે બેયને બને તેવું છે. આપણા બે રીતે એ વાતે પણ સુમેળ છે કે જેમ તારાં મૂળ કામ એક્ટિંગમાં તારી ભલીવાર નથી એમ દેશ ચલાવવાનાં મારાં મૂળ કામમાં પણ જરાય ભલીવાર નથી.

મેં તને આ લેટર ખાસ થેન્ક યુ કહેવા લખ્યો છે. આમ તો મને જાણનારાને ખબર છે કે હું મહાનગુણો અને કૃતધ્ની માણસ છું. મને પોતાને ત્યાં સ્ટેડિયમમાં બોલાવી, દોઢ લાખ માણસોની ભીડ ભેગી કરી આપનારા કે મારે ત્યાં આવી મારા માટે ચૂંટણી પ્રચાર કરી જનારા દોસ્તોની પણ મેં  કદર કરી નથી. પણ, અગાઉ મેં કહ્યું ને કે નાજુક નમણી રમણીઓની બાબતમાં હું મારા બધા નિયમ તડકે મૂકી દઉં છું.

તોે તને ખાસ થેન્ક યુ એટલા માટે કહેવનું કે તે તમારી ત્યાંની કોઈ ફિલ્મમાં કોઈ ક્લાસિકલ ડાન્સ બરાબર નથી કર્યો એમાં તારા દેશના લોકો તારા પર બરાબરના બગડયા છે. એમણે  સંસ્કૃતિ ખતરામાં છે  તેનો એવો ઉપાડો લીધો છે કે એના કારણે મારા કારણે સતત થઈ રહેલા પેટ્રોલ ડીઝલના ભાવવધારાનો મુદ્દો જ બધા ભૂલી ગયા  છે. મેં ઈરાનમાં અડપલું કર્યું તેના કારણે તમારે ત્યાંની પબ્લિક પેટ્રોલ ડીઝલના ભાવવધારા, ગેસની અછત, ખાતરની તંગી  એમ કેટલાય મુદ્દે હેરાન થાય છે. કાયદેસર રીતે તો આ બધા મુદ્દે તમારે ત્યાં મારા  પૂતળાંનું દહન થવુું જોઈએ, મારા વિરોધી મોરચા અને રેલીઓ નીકળવાં જોઈએ, મારી સામે સોશિયલ મીડિયામાં કેમ્પેઈન ચાલવું જોઈએ. પરંતુ, તમારી પબ્લિક એ બધું ભૂલીને અત્યારે ભંગાર ડાન્સ કરવા બદલ તારી ઝાટકણી કાઢી રહી છે. સંસ્કૃતિની રક્ષાની વાત આવે એટલે તેની બૂમરાણમાં પ્રજા કોના કારણે ખિસ્સાં ખાલી છે તે વાત ભૂલી જાય છે, એટલે જો અમારા જેવા દુનિયાભરના શાસકોને ફાવતું મળી જાય છે. 

તારા સહિત તારા દેશમાં રહેલા મારા બધા મિત્રોને કાયમ કહું છું કે આપણે આવી બધી વાતોનું ટેન્શન નહિ લેવાનું. પબ્લિક તો ગમે તે બોલ્યા કરે. આપણે હરવા ફરવાનું, મોજ માણવાની અને ભૂલ્યા વિના ફોટા પડાવવાના. 

લી. ડોનાલ્ડ ટ્રમ્પ.

આદમનું અડપલું

અનન્યાને સરખું નૃત્ય આવડે કે ન આવડે, પબ્લિક નેતાઓની ટયૂન પર નાચ્યા કરે છે એટલે દેશને વાંધો નથી.