- અગડમ્ બગડમ્-બાબા આદમ
- બંગાળમાં ચૂંટણી જાહેર થતાં ઈરાન સામે તલવાર મ્યાન કરી દેવાની ટ્રમ્પ અને નેતન્યાહુની સંતલસ
બંગાળમાં ચૂંટણી જાહેર થઈ ગયાની જાણ થતાં જ ટ્રમ્પને ફાળ પડી. તેણે તાબડતોબ નેતન્યાહુને ફોન કર્યો. 'ડિઅર દોસ્ત, હવે આપણે ઈરાન સામેનું યુદ્ધ બંધ કરી દેવું પડશે.'
નેતન્યાહુ નારાજ થયા. 'અરે યાર, યે તો અભી ઝાંકી હૈ, આગે લડાઈ બાકી હૈ...'
ટ્રમ્પ ગૂંચવાયા. 'હેં? આ વળી શું છે?'
નેતન્યાહુ ખી-ખી-ખી કરીને હસતાં હસતાં કહે, 'દોસ્ત, તમે મારા ગાઢ ભાઈબંધ ભારતવાળાઓ સાથે જરાક સારી રીતે ભાઈબંધી નિભાવો તો તમને આવાં બધાં બહુ સૂત્રો સાંભળવા અને શીખવા મળશે. એ લોકો આવાં સૂત્રો પર જ ચૂંટણીઓની ચૂંટણીઓ લડી નાખે છે.'
ટ્રમ્પના માથે પરસેવો આવી ગયા. 'હા... ચૂંટણીઓ. મેં ચૂંટણીની વાત કરવા જ ફોન કર્યો હતો.'
ફરી નેતન્યાહુ હસવા લાગ્યા. 'અરે બોસ, તમારી તો આમેય પ્રમુખ તરીકેની આ છેલ્લી ટર્મ છે. પછી તમારે શું મેલાનિયાને ચૂંટણી લડાવવી છે કે ઈવાન્કાને? ચાલો, ભારતવાળાઓ પાસેથી તમે એટલું તો શીખ્યા કે લોકશાહીમાં પણ વંશપરંપરા આગળ વધારવી જોઈએ.'
ટ્રમ્પે દાંત કચકચાવ્યા. 'અરે યાર, અહીં અમેરિકામાં પણ મારી વાત કોઈ શાંતિથી સાંભળતું નથી ને આખી દુનિયામાં પણ મને કોઈ ગંભીરતાથી લેતું નથી. હવે પ્લીઝ, તમે તો મારી આખી વાત નિરાંતે સાંભળો. મેં સાંભળ્યું છે કે બંગાળમાં ચૂંટણી દુનિયાના કોઈપણ યુદ્ધ કરતાં ભીષણ હોય છે. ત્યાં કાર્યકરો સામસામા સૂત્રોચ્ચારો નહિ, પરંતુ બોમ્બમારો કરે છે. એકબીજાના હાથ કાપી નાખવા કે માથું રંગી નાખવું એ તો ત્યાની ચૂંટણીમાં બહુ કોમન છે. મારે એ લોકોને શાંતિની અપીલ કરવી છે કે બહુ હિંસાચાર કર્યા વિના પ્રેમથી ચૂંટણી લડજો.'
નેતન્યાહુ માંડ માંડ હસવાનું રોકીને કહે, 'જોજો, મને કહ્યું એ કહ્યું, બીજા કોઈને કહેતા નહીં. દુનિયાને એમ લાગશે કે ટ્રમ્પ જેવા ટ્રમ્પ હિંસા અને રક્તપાતથી ડરી ગયા.'
ટ્રમ્પ ચિઢાઈને કહે, 'ભલા માણસ, મને હિંસાની બીક નથી લાગતી. બીક ખાલી એટલી જ છે કે હવે બંગાળની ચૂંટણીમાં ધમાચકડી શરુ થશે પછી આપણી લડાઈ લોકો ભૂલી જશે. દુનિયાભરની ટીવી ચેનલો પર મારી ટીઆરપી ડાઉન થઈ જશે. હું દુનિયાના કોઈપણ દેશ વચ્ચે યુદ્ધવિરામની મારી રીતે જાહેરાત કરી શકું છું, પરંતુ આ બંગાળમાં તો મારા કહેવાથી કોઈ યુદ્ધવિરામ પણ કરે તેમ લાગતું નથી.'
નેતન્યાહુ કહે, 'અરે યાર, આપણું યુદ્ધ તો હજુ અડધે પહોંચ્યું છે ને તમે આવી મોળી મોળી વાતો કરવા લાગ્યા. લાવો તમને યુદ્ધનો પાનો ચઢે અને યુદ્ધનો લલકાર કરવાનું ઝનૂન ચઢે તેનું ટયુશન આપવા માટે મમતા બેનરજીને કોન્ફરન્સ કોલમાં લઈ લઉં.'
ટ્રમ્પે ગભરાઈને ફોન મૂકી દીધો.
આદમનું અડપલું
- ચૂંટણી અને યુદ્ધ, બંને પૂર્ણ થાય પછી મોંઘવારી વધે જ છે.


