Get The App

ચાઈનીઝ કૂતરાઓને ભૂલો, ઘોડાઓનું વર્ષ મનાવો

Updated: Feb 28th, 2026

GS TEAM

Google News
Google News
ચાઈનીઝ કૂતરાઓને ભૂલો, ઘોડાઓનું વર્ષ મનાવો 1 - image

- અગડમ્ બગડમ્-બાબા આદમ

- આજે પણ ઘોડાઓને કારણે રાજ બદલાય છે, રાજકારણની ભાષામાં એને હોર્સ ટ્રેડિંગ કહે છે

આબુમાં પર્યટકોના અભાવે આરામ ફરમાવતા ઘોડાઓના જૂથ વચ્ચે ચર્ચા શરુ થઈ. 

ઘોડો ૧: શું જમાનો આવ્યો છે? હાથી અને વાઘથી જાણીતા દેશમાં આજકાલ એક કૂતરો ચર્ચામાં છે.

ઘોડો ૨: શું થયું? કૂતરો સ્ટોરીના કેન્દ્રમાં હોય એવી કોઈ ફિલ્મ રીલિઝ થઈ કે  પછી ઓટીટી પર સીરિઝ આવી? 

ઘોડો ૩: ના રે ના. કેટલીક ફિલ્મોમાં કૂતરાઓ એક્ટરો કરતાં વધારે સારી એક્ટિંગ કરતા હોવાનું ચર્ચાયા બાદ બોલિવુડવાળાઓએ કૂતરાને કેન્દ્રમાં રાખીને ફિલ્મો બનાવવાની બંધ કરી દીધી છે. 

ઘોડો ૪: એમ તો બોલિવુડે આપણી સાથે પણ અન્યાય કર્યો છે. જુઓને કોઈ ફિલ્મમાં ઘોડો મેઈન રોલમાં હોય એવી કોઈ ફિલ્મ  બની ખરી. હા, હિરોઈનનો ઘોડો ગાંડો થઈને દોડવા માંડે અને પછી હિરો એને કન્ટ્રોલ કરી લે એવા એકને એક પ્રકારના સીન બહુ  બધી ફિલ્મોમાં આવી ગયા. 

ઘોડો ૫: લ્યા, ચાઈનીઝ કૂતરો ભૂલો અને હવે ચાઈનાથી જ આપણા ઘોડાઓ માટે ખુશખબર આવી છે તે સાંભળો.ચાઈનીઝ કેલેન્ડર પ્રમાણે  આ વર્ષ આપણું ઘોડાઓનું વર્ષ છે. 

ઘોડો ૧ : વાહ, હર કૂત્તે કા એક દિન આતા હૈ કહેવત સાંભળી હતી પણ આપણા ઘોડાઓનું તો આખેઆખું  વર્ષ આવી ગયું. 

ઘોડો ૨: આ દિન પરથી પેલી કહેવત યાદ આવી કે દશેરાના  દિવસે જ ઘોડું ન દોડયું. મારા મતે ઘોડા વર્ષ નિમિત્તે આ કહેવત જ નાબુદ કરાવો. દશેરાના દિવસે આખું ગામ ફાફડા-જલેબી ખાઈને ઘોંટી જાય તેનું કાંઈ નહિ ને આપણે ન દોડીએ તો કહેવતો બનાવી નાખવાની? 

ઘોડો ૩ : એક જમાનામાં આપણે સરખું દોડીએ કે ન દોડીએ તેનાથી રાજાઓનાં રાજ બદલાઈ જતાં હતાં. હવે આપણે કહેવત બદલવા લડવાનું? 

ઘોડો ૪: આપણા કારણે રાજ તો આજે પણ બદલાઈ જાય છે. આ માણસોનાં રાજકારણની ભાષામાં એને હોર્સ ટ્રેડિંગ કહે છે. નેતાઓ અરસપરસ વેચાઈ જાય અને નામ આપણું ઘોડાઓનું બદનામ થાય છે. 

ઘોડો ૨: એવી તો આપણી નાહકની ઘણી બદનામી છે. કાંઈક ભોપાળું  બહાર આવે પછી તંત્ર  પગલાં લેવા દોડે તો પણ લોકો કહે છે કે તંત્ર ઘોડો નાસી ગયા પછી તબેલાને તાળું મારવા  દોડયું. લ્યો, બોલો, એમાં પણ આપણે ઘોડાઓ કારણ વગર ચર્ચાઈ જઈએ છીએ.

ઘોડો ૩: મને તો રાજા પરથી યાદ આવ્યું કે  આ ઘોડાઓના વર્ષમાં સરકાર કમસે કમ એટલું ફરજિયાત કરી દે તો પણ સારું કે વરરાજાઓએ કાર કે બગી નહિ પરંતુ ફરજિયાત ઘોડા પર બેસીને જ વરઘોડો કાઢવાનો રહેશે. બાકી, તો વરઘોડો નામનો જ વર-ઘોડો રહ્યો છે. 

ઘોડો ૪: અલ્યા,મનમાં આ બધા ઘોડા દોડાવવાના રહેવા દો. એક ચાઈનીઝ કૂતરાની નકલ કરી તો ચીને આપણી ઠેકડી ઉડાવી. હવે એમને ત્યાં ઘોડાઓનું વર્ષ છે એમાં આપણે લોકો બેગાની શાદીમે  દિવાના જેમ આ બધી માગણીઓ કરશું તો આપણી મજાક ઉડશે. 

..બધા ઘોડાઓએ સંમતિસૂચક નિસાસો નાખ્યો.

આદમનું અડપલું

ઘોડાઓનાં વર્ષમાં પોની ટેઈલને રાષ્ટ્રીય હેરસ્ટાઈલ જાહેર કરી શકાય?