Get The App

જોઈએ તેટલા મળશે, સમારંભોના અનુભવી અતિથિ વિશેષશ્રીઓ

Updated: Nov 27th, 2025

GS TEAM

Google News
Google News
જોઈએ તેટલા મળશે, સમારંભોના અનુભવી અતિથિ વિશેષશ્રીઓ 1 - image

- અગડમ્ બગડમ્-બાબા આદમ

- સમારંભની શોભામાં 100 ટકા અભિવૃદ્ધિ કરી આપવાની મની બેક ગેરન્ટી

એક જાહેરાત ફરતી થઈ: શિયાળે ધાબળા ભલા, ઉનાળે આમરસ, ચોમાસે ભજીયાં ભલાં, સમારંભો બારેમાસ. આપણી સમારંભપ્રિય જાહેર જનતાને જણાવતાં હર્ષ થાય છે કે અમોએ સમારંભોમાં જોઈએ તેવા અને જોઈએ તેટલા અનુભવી અતિથિ વિશેષશ્રીઓ સપ્લાય કરવાનું સ્ટાર્ટઅપ શરૂ કર્યું છે. સમારંભો માટે ખુરશી તકિયાં પૂરા પાડનારા સપ્લાયરો તો બહુ મળશે, પરંતુ અમે તમારા સમારંભોમાં  માટે ખાસ અતિથિ વિશેષશ્રીઓ સપ્લાય કરી આપીશું. તમારા સમારંભની શોભામાં અભિવૃદ્ધિ સો ટકા કરી આપવાની અમારી મની બેક ગેરન્ટી છે. 

આ જાહેરાત બાદ એક-બે ઈવેન્ટવાળા તો સીધા આપેલા સરનામે જ પહોંચી ગયા. ઓફિસમાં એક અતિ સભાન ભાઈ જાણે  સમગ્ર ઓડિયન્સ જનતાની નજર તેમના પર જ કેન્દ્રિત હોય તેવી સંપૂર્ણ મુખમુદ્રા સાથે બેઠા હતા. 

એક્ઝિક્યુટિવે પ્રભાવિત થઈને કહ્યું, 'તો આપ જ સમારંભના અતિથિ વિશેષ તરીકે આવશો.' 

પેલા ભાઈ કહે, 'હું તો ખુદ એક સેમ્પલ છું. બાકી અસલી માલ તો અમારી ે વખારમાં છે.જુઓ  સમારંભના પ્રમુખ, ઉદ્ધધોષક કે આભારવિધિ કરનાર એક-એક હોઈ શકે, પણ  અતિથિવિશેષની સંખ્યા પર કોઈ મર્યાદા નથી. એ તો એકથી માંડી ૨૧ પણ હોઈ શકે છે. આયોજકોને સમારંભને દીપાવવા માટે અતિથિ વિશેષશ્રીઓની ખોટ ન પડે તેવો અમારો હેતુ છે.  જ્ઞાાતિ સમારંભો, સમૂહ લગ્નો, પુસ્તક વિમોચનો, ભૂમિપૂજનો અને લોકાર્પણો, વિદાયમાનો, સત્કાર સમારંભો અને શ્રદ્ધાંજલિઓ એમ બધા જ પ્રકારના સમારંભો માટે અમે અતિથિ વિશેષો મોકલીશું.' 

'હેં? શ્રદ્ધાંજલિ સમારંભો માટે અતિથિ વિશેષશ્રી?'

'હા, અમારા પાકટ અતિથિ વિશેષશ્રીઓ પથ્થર પણ રુદન કરી ઉઠે એવા ભારેખમ ચહેરે શ્રદ્ધાંજલિ સભાઓના સ્ટેજ પર હાજર રહી અત્યંત કરુણ અંજલિ આપી શકે છે.'

'સરસ! બીજી શું ખાસિયતો હશે? '

'જુઓ, મંચ પર ૧૭ -૧૭ મહાનુભાવ  હાજર હોય ત્યારે ચહેરા પર પૂરેપૂરા અહોભાવ સાથે જાણે બ્રહ્માંડનો સૂર્ય પ્રગટાવતા હોઈએ તેવી છટા સાથે તેઓ દીપ પ્રાગટય કરવાની કળામાં અમારા અતિથિ વિશેષશ્રીઓ પાવરધા છે.

'બીજું કે અમારા અતિથિ વિશેષશ્રી ઉત્તમ પ્રકારના મંચસ્થ શ્રોતા પણ હોય છે. અમારા મોકલેલા  અતિથિ વિશેષશ્રી મંચ પર હાજર રહીને મુખ્ય વક્તા જ્યારે બોલતા હોય ત્યારે પ્રસન્નતા, અહોભાવ, સંમતિ, આશ્ચર્ય, ધન્યતા અવી વિવિધ ૧૩૬ પ્રકારની મુખમુદ્રા કરી જાણે છે. 

'અમારા  વિનમ્ર અતિથિ વિશેષશ્રીઓ આમંત્રણ પત્રિકામાં અમારુ નામ છઠ્ઠું કે આઠમું કેમ રાખ્યું તેની કોઈ તકરાર કરતા નથી. ભાષણનો આગ્રહ રાખતા નથી. ઉદ્ધઘોષક બે શબ્દ બોલવાનું કહે તો ફક્ત 'જય હિંદ' કહીને બેસી જનારા વીરલા પણ અમારે ત્યાં મોજૂદ છે.' 

આ વાત સાંભળી પેલો એક્ઝિક્યુટિવ તેમના પગે પડી ગયો.

આદમનું અડપલું

ગમે તે સમારોહ હોય, પણ પોતાને હંમેશાં પહેલી હરોળમાં જ સ્થાન મળવું જોઈએ તેવા કટ્ટર આગ્રહી મૂર્ધન્ય શ્રોતાઓને શ્રોતા વિશેષશ્રી કહી શકાય...