Get The App

આ યર-એન્ડનું સૂત્રઃ વન નેશન,વન પાર્ટી

Updated: Dec 27th, 2025

GS TEAM

Google News
Google News
આ યર-એન્ડનું સૂત્રઃ વન નેશન,વન પાર્ટી 1 - image

- અગડમ્ બગડમ્-બાબા આદમ

- સૌથી છેવાડાનો માણસ કોઈ મહેનત વગર નવા વર્ષમાં પ્રવેશી જાય છે તે શાસનની  સિદ્ધિ છે 

'આ ચાલુ વર્ષ પૂરું થવા આવ્યું અને નવું વર્ષ શરુ થઈ રહ્યું છે એ નિમિત્તે આપણે કોઈ જાહેરાત કરવાની છે?' એક નેતાએ પૂછ્યું  

વગર હિંચકે ઝોલાં ખાતા બીજા નેતાજી કહે , 'અરે એમાં શું છે? આપણી સરકાર જ્યારથી સત્તા પર આવી છે ત્યારથી દેશની વર્ષોવર્ષ એક વર્ષમાંથી બીજાં વર્ષમાં પ્રગતિ થતી જ રહે છે.  સમગ્ર દેશનો સૌથી છેવાડાનો અદનો આદમી પણ કોઈ મહેનત કે તકલીફ વગર નવા વર્ષમાં પ્રવેશી જાય છે. આ આપણા શાસનની  સિદ્ધિ છે. આ નિમિત્તે જનતાને લાખ લાખ અભિનંદનના મેસેજ વાયરલ કરી દો.'

'નેતાજી, હવે દોઢ લાખ રુપિયે તોલાના સોનાના જમાનામાં જનતા લાખ લાખ અભિનંદનથી નથી માનતી. તેને બદલે અબજ અબજ અભિનંદન રાખીએ,' ત્રીજા નેતાએ સૂચન આપ્યું. 

ચોથા નેતાએ વાંધો લીધો, 'હવેની જનતા તો મેસેજોથી  ક્યાં માને જ છે? એમને તો રીલ બનાવીને સમજાવવું પડે કે   વર્ષ પતી ગયું, પણ તમે હજુ નથી પતી ગયા તે માટે અમારા  સક્ષમ, મજબૂત અને દૂરંદેશીભર્યાં શાસનને ધન્યવાદ આપો.'

પાંચમા નેતા ચિંતામાં ને ચિંતામાં ધુ્રજવા લાગ્યા. 'તમારો કહેવાનો મતલબ એ છે કે આપણે શું હવે જનતાને આ મેસેજ પહોંચાડવા રીલ બનાવવા નાચવું પડશે? ભાઈસાહેબ,  હું તો અમસ્તો સ્ટેજ પર બેઠો હોઉં ત્યારે પણ  ભૂંડો લાગું છું, ત્યાં તમે મને નાચવાને રવાડે ક્યાં ચઢાવો છો?'

આ વાજબી ચિંતાનો પડઘો પાડતાં છઠ્ઠા નેતાજી કહે, 'એકચ્યુલી, આપણું કામ તો  જનતાને આપણી  ધૂન પર નચાવવાનું  છે. મારું તો સજેશન છે  કે ચાલુ વર્ષની પૂર્ણાહુતિ અને નવા વર્ષના પ્રારંભ નિમિત્તે આપણે 'વન નેશન વન પાર્ટી'ની જાહેરાત કરીએ. રાજધાનીમાં એક મુખ્ય પાર્ટી રાખીએ. ત્યાં દેશભરના ટોચના કલાકારોને બોલાવીને નાચગાન ગોઠવીએ. બધી ટીવી ચેનલોએ એનું લાઈવ પ્રસારણ કરવાનું. તમામ ઈન્ફ્લુએન્સરને કહેડાવી દઈશું કે એ લોકો સોશિયલ મીડિયા પર આ પાર્ટીનાં જ રીલ  ચલાવીને 'મનોરંજન કરાવે એ જ શ્રેષ્ઠ શાસન' એવો મેસેજ એ લોકો જ વહેતો કરી દે. પબ્લિક પણ ખુશ ને એટલે આપણેય ખુશ.'

સાતમા નેતાજી કહે, 'વાહ, આ પાર્ટી દ્વારા આપણે  'વન નેશન, વન પાર્ટી'નું  પ્રચાર સૂત્ર વહેતું મૂકી દઈશું.  આપણે પબ્લિકને ચૂંટણી પ્રચારમાં કહી શકીશું કે વિપક્ષોને નેસ્તાનાબુદ કરી દો અને 'વન નેશન, વન પાર્ટી'નું જ સૂત્ર સાચા અર્થમાં સાકાર કરી દો.' 

બધા નેતાઓએ આ આઇડિયા તાળીઓના ગડગડાટથી વધાવી  લીધો, પણ એક નેતાએ  ગંભીર મોઢું કરીને કહે, 'નાચગાનની પાર્ટી સુધી તો બધું ઠીક છે, પણ વિપક્ષને નાબુદ કરવાવાળું રહેવા દો. જો વિપક્ષ નહીં રહે તો આપણે દર ચૂંટણી ટાણે બીજા નેતાઓ ક્યાંથી તોડી લાવીશું? દર ચૂંટણીએ ભરતીમેળા માટે પણ આપણને વિપક્ષની જરુર તો પડવાની જ.'

આ સાંભળી બધા નેતાઓનો પાર્ટી મૂડ ઓફ થઈ ગયો. આદમનું અડપલું

લોકશાહીમાં પાર્ટીઓ જ પાર્ટી કરે છે, જનતાના ભાગે તો લથડિયાં જ ખાવાનાં આવે છે.