Get The App

25 વર્ષ પછીની અફવા: શુદ્ધ હવાની અછત સર્જાતાં લાઈનો લાગી

Updated: Mar 26th, 2026

GS TEAM

Google News
Google News
25 વર્ષ પછીની અફવા: શુદ્ધ હવાની અછત સર્જાતાં લાઈનો લાગી 1 - image

- અગડમ્ બગડમ્-બાબા આદમ

- સરકાર જાહેરાત કરશે, ગુરુ ગ્રહથી શુદ્ધ હવાનાં ટેન્કર અવકાશયાન આવવા દો, પછી સૌને વધુ સિલિન્ડર મળશે

ઈ.સ. ૨૦૫૧નું એક સંભવિત દ્રશ્ય:

દાદા-પૌત્ર  શુદ્ધ હવાનાં સિલિન્ડર માટે લાઈનમાં ઊભા છે. બંનેએ  હવાની અવરજવર માટે ફિલ્ટર સાથેની ભુંગળીઓ   ધરાવતાં વિશાળ મહોરાં  પહેર્યાં છે.

પૌત્ર: પણ દાદાજી, તમે જરા ઓવર રિએક્ટ કરો છો. આજે તો હવે આપણા સિટીનો એક્યુઆઈ ફક્ત ૨૨૦૦ જ છે. અત્યારે ઘરે  હવાનાં બે સિલિન્ડર છે એ આટલા એક્યુઆઈમાં ચાલી જશે. અને આ વારેવારે એનાઉન્સમેેન્ટ તો આવ્યા જ કરે છે કે શુદ્ધ હવાની કોઈ તંગી નથી. સૌને પૂરતાં સિલિન્ડર મળી રહેશે. તો પણ તમે અફવા સાંભળી લાઈનમાં આવી ગયા.

દાદા : બકા, તું હજુ નાનો છો. તને નહિ સમજાય. એક જમાનામાં  આવી જ જાહેરાતો નોટો માટે થતી હતી અને તો પણ અમારે એટીએમ શોધી શોધીને બે-બે ચાર-ચાર કલાક લાઈનમાં ઊભા રહેવું પડતું અને  તે પછી પણ જરુરી નોટો તો મળતી જ ન હતી. આવી જાહેરાતો ઓક્સિજન માટે થતી હતી, પણ અમારે તેના માટે હોસ્પિટલે-હોસ્પિટલે ભટકવું  પડતું હતું. દેશમાં પૂરતાં ગેસ સિલિન્ડરો છે તેવી જાહેરાતો બાદ અમે કલાકો સુધી એજન્સી  બહાર લાઈનમાં ઊભા રહેતા હતા.  

પૌત્ર: તમારો આ જ ત્રાસ છે. જરા કાંઈ કહું એટલે જૂની વાતો પર ચઢી જાઓ છો. કાલથી હું તમારી સાથે લાઈનમાં નહીં આવું. 

દાદાને નિસાસો નાખવો  હતો, પણ એમ કરવા જતાં શરીરની અંદરની બે મિલીગ્રામ શુદ્ધ હવા પણ ખર્ચાઈ જાય એટલે તેમણે માંડી વાળ્યું. 

 બીજું સંભવિત દ્રશ્ય:

દિલ્હીમાં વિપક્ષે વિશાળ કાળા માસ્ક પહેરી વિરોધ પ્રદર્શન કર્યાં. વિપક્ષી નેતાએ કહ્યું કે દિલ્હીમાં એક્યુઆઈ હાલ ૪૦૦૦થી વધારે છે છતાં સરકાર નિષ્ક્રિય છે તેનો અમે વિરોધ કરીએ છીએ. ત્યાં બીજી બાજુ સંસદમાં સરકારે  જાહેરાત કરી: 'વિપક્ષને વિરોધ કરવા સિવાય કાંઈ સૂઝતું નથી. અમારી સરકારે ગુરુ ગ્રહ પરથી શુદ્ધ હવાનાં ચાર ટેન્કર અવકાશયાન મગાવ્યાં છે. તે આવતા મહિને આવી જશે એટલે દેશભરમાં   શુદ્ધ હવાનો પુરવઠો વધારાશે. દરેક નાગરિકને દર મહિને એક-એક સિલિન્ડર વધારાનું અપાશે.' 

સંસદ ગૃહમાં જાયન્ટ પ્યોરિફાયર્સ લગાડેલાં હોવાથી અહીં મહોરાં વગર બેઠેલા સભ્યોએ તાળીઓના ગડગડાટ સાથે આ જાહેરાતને વધાવી લીધી. 

ત્રીજું દ્રશ્ય: 

એક સમાચાર...એર  સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઈન્ડિયાની ટીમે એક ગોડાઉનમાં દરોડો પાડી શુદ્ધ  હવાના નામે મિલાવટી હવા ભરેલાં સિલિન્ડરોનો મોટો જથ્થો  પકડી પાડયો હતો. જાણવા મળ્યા મુજબ ભેળસેળિયાં તત્ત્વો મંગળ ગ્રહથી મગાવાયેલી હવાનાં સિલિન્ડરોમાં ચેડાં કરી તેમાં પૃથ્વીના જ ઉત્તર ધુ્રવની હલ્કી ગુણવત્તાની  હવા  ભેળવી દઈ કાળા બજારમાં વેચી દેતા હતા. 

આદમનું અડપલું

ડિજિટલ પ્રગતિ: એક જમાનમાં અફવા ફેલાવામાં કલાકો લાગતા, હવે માઈક્રો સેકન્ડ્સ લાગે છે.