- અગડમ્ બગડમ્-બાબા આદમ
- સરકાર પ્રેમલગ્નોના વહીવટમાં પડી ગયા બાદ એક પ્રેમીની અરજીની યાત્રા
સરકાર કોણે કોને ક્યારે કેવી રીતે પૂછીને કેટલો પ્રેમ કરવો તેવું બધું નક્કી કરવા બેઠી છે તેવી ખબર પડયા બાદ એક નવોદિત પ્રેમીએ સરકારમાં અરજી કરીઃ
'મહેરબાન અધિકારી સાહેબશ્રી, જયભારત સાથે જણાવવાનું કે અમોને મહાવિદ્યાલયમાં અમારી સહ વિદ્યાર્થિની માટે પ્રેમનાં અંકુર ફૂટયાં છે તો આ સબબ અમોને અમારી પ્રેમિકાને ફર્સ્ટ ડેટ પર ક્યાં , કેટલા કલાક માટે કોને પૂછીને ફરવા લઈ જવી, અને આ દરમિયાન તેને ખારી સિંગ ખવડાવવી કે પોટેટો ચિપ્સ તે બાબતે યોગ્ય નિયમાનુસાર ઉચિત મંજૂરી આપવા અમારી હૃદયપૂર્વકની વિનંતી છે.'
આ પત્ર સરકારે નવા સવા શરુ કરેલા લગ્ન મંજૂરી ડિપાર્ટમેેન્ટમાં પહોંચ્યો એટલે ત્યાંના અધિકારીએ તેના પર શેરો માર્યો -'આ પત્રમાં હજુ તો પ્રેમની શરુઆત થયાનું જણાય છે, હજુ લગ્ન સુધી વાત પહોંચી નથી. આથી, આ પત્ર પર કાર્યવાહી કરવા અમારું ખાતું બંધાયેલું નથી. પત્રમાં ફરવા જવા બાબતે વાત હોવાથી ટુરિઝમ ડિપાર્ટમેન્ટને આગળ કાર્યવાહી અર્થે સાદર...'
ટૂરિઝમ ડિપાર્ટમેન્ટવાળા પત્ર વાંચીને ભડક્યા. ત્યાંના અધિકારીએ શેરો માર્યો- 'આખો મામલો મહાવિદ્યાલયને લગતો છે, આથી આ પત્ર કાર્યવાહી માટે શિક્ષણ વિભાગને મોકલી આપવામાં આવે છે. '
શિક્ષણ ખાતાંએ શેરો માર્યો - 'રિવાજ મુજબ અમારી પાસે સહઅભ્યાસ પ્રવૃત્તિ માટે કોઈ બજેટ કે વિચારણા કે નીતિ નિયમ નથી. વાત અંકુર ફૂટયાંની છે એટલે ખેતીવાડી ખાતાએ યોગ્ય કાર્યવાહી કરવી. '
ખેતીવાડી ખાતાંમાં ખળભળાટ મચ્યો. ત્યાંથી શેરો વાગ્યો - 'પ્રેમ નામનો કોઈ પાક કે વનસ્પતિ અમારા ખાતાની ડિક્શનરીમાં નથી. આથી અમો આ પત્ર પર કાર્યવાહી માટે સક્ષમ નથી. પત્રમાં ખારી શિંગ અને પોટેટો ચિપ્સનો ઉલ્લેખ છે તે જોતાં નાગરિક પુરવઠાં ખાતાંએ યોગ્ય નિર્ણય લેવાનો રહે છે. '
નાગરિક પુરવઠા ખાતામાંથી શેરો આવ્યો - 'હજુ સુધી સરકારે રાશન પર ખારી શિંગ કે પોટેટો ચિપ્સ આપવાનાં શરુ કર્યાં નથી. આથી, આ પત્ર બાબતે વધારાની જવાબદારી અમારું ખાતું વેઠી શકે નહી, પણ ખારી શિંગ અને પોટેટો ચિપ્સ બંને ગેસ કરે તેવા પદાર્થો હોવાથી આ પત્ર આરોગ્ય વિભાગને મંજૂરી માટે મોકલવાનું કષ્ટ અમે ઉઠાવીએ છીએ.'
આરોગ્ય ખાતાંએ શેરો માર્યો - 'અમારું કામ સરકારી હોસ્પિટલોમાં વીવીઆઈપી વિઝિટ વખતે રંગરોગાન કરાવવાનું છે. અમે લોકોને તમાકુ ખાતાં પણ રોકતા નથી તો પોટેટો ચિપ્સનો તો ક્યાં સવાલ છે. પણ આ કેસમાં કોઈ પ્રેમી તેની પ્રેમિકાને કોઈ સ્થળે લઈ જવાનો ઈરાદો વ્યક્ત કરી રહ્યો છે. આથી, કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ઉદ્ભવી શકે છે. પગલાંની આશાએ આ પત્ર પોલીસને ફોરવર્ડ કરીએ છીએ.'
પોલીસ આપેલા સરનામે પહોંચી અને અત્યારે જનતા સરકારને એકપક્ષી પ્રેમ કર્યા કરે છે તે સિવાય તમામ પ્રકારના પ્રેમ ગેરકાયદે છે તેમ કહી યુુવકને બે દંડા ફટકારી આવી.
આદમનું અડપલું
પ્રેમલગ્ન માટે માતાપિતાની ફરજિયાત મંજૂરી પછીનું પગલું શું? વિધવા વિવાહ પર પ્રતિબંધ કે બાળ લગ્નને મંજૂૂરી?


