કોમન સિવિલ કોડમાં ઉનાળામાં લગ્નો પર પ્રતિબંધ લાવો
- અગડમ્ બગડમ્-બાબા આદમ
- સરકાર કોણે કેમ પરણવું તેની આટલી પંચાત કરે તો સાથે સાથે પાત્ર ગોતી આપવાનું પણ કામ કરી આપે
લગ્નોત્સુક કન્યાઓ અને કુમારો ઓનલાઈન ડેટિંગ એપ અને ઇન્સ્ટાગ્રામ-ફેસબુક પર જ અનુકૂળ પાત્રો શોધી લેવામાં વ્યસ્ત બનતાં નવરા પડી ગયેલા એક મેરેજ બ્યુરોવાળાને શું સૂઝ્યું કે તેમણે કોમન સિવિલ કોડ વિશે સર્વે કરાવવા માંડયો.
૫૦ વર્ષ પૂરાં થવામાં પાંચ મહિના ને પાંચ જ દિવસ બાકી હતાં તેવા એક પ્રોસ્પેક્ટિવ ક્લાયન્ટે પહેલો જ સવાલ એ કર્યો, 'સરકાર નવા કોડમાં મહત્તમ વય એટલે કે વધુમાં વધુ આટલી ઉંમર સુધીમાં તો પરણી જ જવું પડે એવો કોઈ કાયદો તો નહીં લાવે ને? આઈ મીન, મારી તો હજુ બહુ ઉંમર નથી થઈ, પરંતુ મારા એક દૂરના કાકાએ હમણાં ૬૫ વર્ષ પૂરાં કર્યાં ને એ પણ એ કોઈ આદર્શ પાત્ર શોધે છે. ૬૦, ૬૫ પછી કોઈ લગ્ન કરે તો કાયદેસર માન્યતા નહીં મળે તેવી કોઈ જોગવાઈ તો નથી ને?'
એક ફોટોગ્રાફર કહે, 'નવા કાયદામાં એવી જોગવાઈ લાવો કે પ્રિ-વેડિંગ શૂટનાં દ્રશ્યો જે-તે ગામના થિયેટરમાં ફિલ્મ શરુ થતાં પહેલાં અને ઈન્ટરવલમાં પણ સરકારી જાહેરાત જેમ ફરજિયાત બતાવવામાં આવે. મારી ચેલેન્જ છે કે અત્યારનાં હિરો હિરોઈન કરતાં અમારાં ક્લાયન્ટ્સ વધુ સારી રોમાન્ટિક અદાઓ અને એક્સપ્રેશન્સ દેખાડશે એની ગેરન્ટી.'
એક ગોર મહારાજ બોલ્યા,' સરકારને કહો કોમન સિવિલ કોડમાં ઉનાળામાં લગ્નો બંધ કરાવી આપે. વર-કન્યાને તો ઠીક છે કે આખી લાઈફમાં આ એકવાર ચોરીમાં બેસવાનું હોય છે ને કદાચ કોઈ નસીબદારને બીજી-ત્રીજીવાર બેસવાનો મેળ પડી જતો હશે. અમારે તો હવે વીડિયોગ્રાફરો દરેક વિધિના બે-ત્રણ રીટેક કરાવ્યા કરે તેની વચ્ચે જ્યારે જ્યારે પણ સમય મળે ત્યારે બાકીની વિધિ આગળ વધારવાની હોય છે. એમાં અમારો ચોરીમાં બેસી રહેવાનો ટાઈમ લંબાઈ ગયો છે. પહેલી માર્ચથી ૩૦ જૂન સુધી અગનઝાળની ઋતુમાં લગ્નો એટેન્ડ કરવાની અગ્નિ પરીક્ષા ન હોવી જોઈએ. '
એક બેન્ડવાળાએ કહ્યું કે, 'બીજું બધું તો ઠીક છે, પરંતુ દરેક બોલિવુડ ફિલ્મમાં લગ્નનું એક ગીત નાખવાનું ફરજિયાત બનાવો. અમારે ક્યાં સુધી ૩૦-૪૦ વર્ષ પહેલાંનાં ગીતો વગાડયા કરવાનાં?'
કેટરિંગવાળો કહે,'તપાસ કરોને, કોમન સિવિલ કોડમાં લગ્નના એક જમણવારમાં ગ્રાન્ડ ટોટલ કેટલી ડિશ રાખવી એનું કોઈ રિસ્ટ્રિક્શન નથી આવવાનું ને? અત્યારે તો અમે ૪૦-૫૦ ડિશો ખડકી દઈએ અને સરવાળે કોઈ પેટ ભરીને ખાય નહીં એમાં અમારે એક રસોઈમાં ત્રણ-ત્રણ લગ્ન નીકળી જાય છે. જૂના જમાનાનાં લગ્નોની જેમ એક જ મીઠાઈ અને એક જ ફરસાણનો નિયમ આવશે તો ભલા માણસ, પબ્લિકના તો ઠીક અમારા પણ પેટનો સવાલ છે.'
જોકે, મેરેજ બ્યુરોના એક દાયકાઓ જૂના ક્લાયન્ટ તો તાડૂક્યા, 'સરકાર કોણે કેવી રીતે લગ્ન કરવાં એ નક્કી કરવા બેઠી છે તો સારું વ્યવસ્થિત પાત્ર પણ સરકાર જ શોધી આપે. અમારે ક્યાં સુધી તમારી રાહે બેસી રહેવાનું?'
મેરેજ બ્યુરોવાળાએ સર્વે તત્કાળ પડતો મૂક્યો.
આદમનું અડપલું
કોમન સિવિલ કોડમાં લગ્નમાં સર્વસામાન્ય સર્વત્ર કોમન રકમના ચાંલ્લાનું નક્કી થાય તો પણ ભયો ભયોે!