Get The App

સાન્તા પાસે ડિમાન્ડ, અમારે ડુંગરમુક્ત ભારત સર્જવું છે

Updated: Dec 25th, 2025

GS TEAM

Google News
Google News
સાન્તા પાસે ડિમાન્ડ, અમારે ડુંગરમુક્ત ભારત સર્જવું છે 1 - image

- અગડમ્ બગડમ્-બાબા આદમ

- અમે માત્ર મત માગીએ, બાકી બધું જાતે ઉસેડી લઈએ 

સાન્તા ક્લોઝ જેવા સાન્તા ક્લોઝથી પણ કયારેક ભૂલ થાય. આ વખતે સાન્તા ક્લોઝ કશું નહીં ને એક નેતાના ઘરે રાતે ભૂલા પડયા. આમ તો સાન્તા ક્લોઝનું પ્લાનિંગ ચૂપચાપ ગિફ્ટ મૂકીને નીકળી જવાનું હતું, પણ નેતાજી જાગી ગયા અને તેમણે સાન્તા ક્લોઝને પકડી લીધા.

'સિક્યોરિટી..સિક્યોરિટી...'

સાન્તા ક્લોઝ કહે, 'શશશસ...ચુપ! હું  કશું લઈ જવા નહીં , કશુંક મૂકવા આવ્યો છું.'

'હેં...કંઈક આપવા આવ્યા હો તો તમે મોસ્ટ વેલકમ!' નેતાજીના મોઢામાંથી લાળ ટપકી, ' પણ તમે કયા કોન્ટ્રાક્ટર કે કંપની તરફથી આવ્યા છો ? જે હો તે મને કહેતા જજો એટલે મને ફાઈલ ક્લિયર કરવામાં સમજ પડે. બાકી તમને મોકલનારની અક્કલને દાદ આપવી પડે. કોઈને શંકા ન જાય એટલે તમને આવો ડ્રેસ પહેરાવીને મોકલ્યા...'

સાન્તા ક્લોઝ કહે, 'માની લ્યો કે ઈશ્વરે મને સર્વત્ર ખુશી વહેંચવાનો કોન્ટ્રાક્ટ આપ્યો છે, પણ જવા દો, તમને આ વાત નહીં સમજાય. આમ તો હું મારી જાતે જ કોઈ ગિફ્ટ મૂકીને જતો હોઉં છું, પણ તમે હવે જાગી જ ગયા છો તો ચાલો, તમારી પસંદગીની કોઈ ચીજ આપીને જાઉં.'

નેતાજી એકદમ ભાષણ મોડમાં આવી ગયા. 'હા, બરાબર... લોકો અમથા બૂમો પાડે છે કે અમારી સરકાર ઊંઘે છે. પણ જુઓ, અમે કેટલા જાગૃત છીએ એ વાતના આજે તમે ખુદ સાક્ષી છો. બાકી, માગવાની વાત આવે તો અમે પાંચ વર્ષે એકવાર મત માગી લઈએ છીએ, એકવાર મતો મળી ગયા પછી બાકી બધું તો અમે જાતે જ ઉસેડી લઈએ છીએ.'

સાન્તા હસતાં હસતાં કહે, 'તો પણ કાંઈક માગી લ્યો. આજનો દિવસ એવું છે કે મારાથી તમને ખાલી હાથે કશું આપ્યા વિના ન જવાય.'

નતાજી કહે, 'આપવું જ હોય તો મને નહીં, પરંતુ પ્રજાને અક્કલ આપતા જાઓ. જુઓ અમારે ડુંગર મુક્ત ભારત  સર્જવું છે. આ અમે અરવલ્લીને સપાટ કરવા  માગીએ છીએ એ કેટલા ફાયદાની વાત છે એ પબ્લિક સમજતી જ નથી ને એને બદલે આંદોલન કરવા બેઠી છે. મારું તો વિઝન છે કે દેશમાં કોઈ ડુંગર જ ન હોવો જોઈએ. પછી તો દેશમાં ૫૦૦ કિમીની સ્પીડે વાહનો દોડે એવા સુપર હાઈવે બનાવવાનું કેવું ઈઝી થઈ જાય. કોઈ ડુંગરનું નડતર જ નહીં, ચારે બાજુ બસ વિકાસ, વિકાસ ને વિકાસ...'

સાન્તા હળવેથી કહે, 'તમારી વાત સાચી છે. પ્રજામાં તસુભાર પણ અક્કલ નથી. પણ તમારી માંગ પ્રમાણે હું પ્રજાને થોડીક અક્કલ આપતો જાઉં તો એ તમને ચૂંટશે જ નહીં. તમારા જેવા નેતાઓની ખુરશી જ જોખમમાં આવી જશે. બોલો, રિસ્ક લેવું છે ?'

ઉશ્કેરાયેલા નેતાજીઓ ફરી 'ચોર... ચોર...'ની બૂમો પાડવા માંડી. સાન્તા ક્લોઝ 'લ્યા, મેં ક્યાં તારી ઓળખ પૂછી છે?' એમ કહી કમસેકમ સ્માઈલ આપીને પણ ચાલતા થયા.  

આદમનું અડપલું

સાન્તા ક્લોઝ હોય કે સરકારો... બધાં માર્કેટિંગ વિશ્વનો હિસ્સો બની ગયાં છે.