Get The App

મતદાનની પૂર્વસંધ્યાએ બાંકડાઓનું ચૂંટણી ચેટિંગ

Updated: Apr 25th, 2026

GS TEAM

Google News
Google News
મતદાનની પૂર્વસંધ્યાએ બાંકડાઓનું ચૂંટણી ચેટિંગ 1 - image

- અગડમ્ બગડમ્-બાબા આદમ

- ભલભલા સામ્રાજ્યોના શીલાલેખો ધ્વસ્ત થઈ ગયા, પણ આમને આશા છે કે એમની તક્તીઓ અમર રહેશે 

મ્યુનિસિપલ ચૂંટણી પૂર્વે શહેરના એક ગાર્ડનમાં આજુબાજુમાં મૂકાયેલા બાંકડાઓએ અંદરોઅંદર ચૂંટણી ચેટિંગ ચાલુ કર્યું. 

બાંકડો ૧ :  શું લાગે છે, આ મારા પર જેના નામની તક્તી છે એ આ વખતે જીતશે કે નહિ? 

બાંકડો ૨:  એને જીતે ન જીતે શું ફરક પડે છે ? આપણા જેવા બાંકડાઓના કોન્ટ્રાક્ટમાં જ બે પેઢીનું ભેગું કરી લીધું છે. 

બાંકડો ૩ : બસ બે જ પેઢીનું ભેગું કર્યું ? તો તો બહુ  પ્રમાણિક હશે. બાકી મેં સાંભળ્યું છે કે આ લોકો કમસેકમ સાતેક પેઢીનું તો ભેગું કરી જ લે છે.

બાંકડો ૨: એલા દોઢ ડાહ્યા, મારી વાત તો સરખી  સાંભળ. મેં કહ્યું કે આપણા જેવા બાંકડાઓના કોન્ટ્રાક્ટમાં જ બે પેઢીનું ભેગું કરી નાખ્યું છે. બાકી ફૂટપાથમાં, લાદી-છીપરમાં, ચોમાસામાં રસ્તા પરના ખાડા  ઢાંકવામાં, ગટરના ઢાંકણામાં એમ બીજાં  કેટલાંય કામોમાં  બાકીની  પેઢીઓનું  પણ પતાવી જ નાખ્યું હશે. 

બાંકડો ૪: એટલો ફરક પડયો છે કે અગાઉ ત્રણેક ટર્મ રહેનારા સાત પેઢીનું ભેગું કરતા હતા. હવે તો પહેલીવાર ચૂંટાનારાને આવતી ટર્મમાં ટિકિટ મળવાની ખાતરી  હોતી નથી. એટલે પહેલી જ ટર્મમાં બધું વાળીઝૂડીને ભેગું કરી લે છે. 

બાંકડો ૨: બસ, આને જ કહેવાય વિકાસ... ભેગું કરી લેવાની ઝડપ અને ક્ષમતાનો વિકાસ.

બાંકડો ૧ : ગમે તે કહો, પણ આજકાલ પબ્લિક વોટ આપતી વખતે એવું બધું  નહિ રીલ જુએ છે ને નાતજાત જુએ છે. બાકી તો ધરમનું કામ કરીએ છીએ એમ માનીને વોટ આપી દેનારા પણ ઓછા નથી. 

બાંકડો ૨: નામ પરથી યાદ આવ્યું કે આ બધા આપણા પર પોતાના નામની તકતીઓ લગાવડાવે છે તે એ  તકતીઓ વાંચીને કોઈ વોટ આપતું હશે  કે નહિ?

બાંકડો ૩:  બોસ, જે પબ્લિકને ખાડા, ચોમાસા વખતે ભરાતાં પાણી, ગંદકી, દબાણો નથી દેખાતાં તેમને આ તકતીઓ ક્યાંથી દેખાય? 

બાંકડો ૧: લ્યા, ભલભલાં સામ્રાજ્યોના શીલાલેખો અને કીર્તિતોરણો ધ્વસ્ત થઈ ગયાં અને આ બધાને એમ છે કે બાંકડાઓ પરની તકતીઓથી  અમે અમર થઈ જઈશું. 

બાંકડો ૪: લ્યા, એ લોકો અમર થાય કે ન થાય, પણ એમના રાજમાં  બનેલા બ્રિજો અને પાણીની ટાંકીઓ મહિનાઓમાં જ ફસકી પડે છે તેનું શું? 

બાંકડો ૧: સાચે યાર, આપણે એટલા નસીબદાર કે આટલું આયખું તો કાઢી  ગયા...

બધા બાંકડાઓએ એકબીજાને લાફ્ટરનાં ઈમોજી પાઠવ્યાં.

આદમનું અડપલું

ધરમના નામે જેને મત આપ્યા હોય એ નેતા કરોડોમાં આળોટતા થઈ જાય એના માટે આપણી ભાષામાં સચોટ કહેવત છે: ધરમ કરતાં ધાડ પડી.