શપથ સમારોહ જેવા પદત્યાગ સમારંભો પણ યોજી કાઢો
- અગડમ્ બગડમ્-બાબા આદમ
ઉપરાષ્ટ્રપતિથી માંડીને એસટી ડ્રાઈવર સહિતના નાની મોટી 'ખુરશી' સંભાળતા દરેક લોકોને આરોગ્યનાં કારણોસર રાજીનામાં આપવાનો મૂળભૂત અધિકાર છે એની ના નહીં. ભલું હશે તો કાલે ઉઠીને કોર્પોરેટ કંપનીઓમાં જેમ જોબ પર પ્રી-જોઈનિંગ મેડિકલ ચેક અપ થાય છે તેમ હેલ્થ ગ્રાઉન્ડ પર રાજીનામાં પછી પ્રી-રિલિવિંગ મેડિકલ ચેપ અપનો ચીલો શરુ થાય તો નવાઈ નહીં નહીં. જોકે, નેતાઓને તો આવો કાયદો લાગુ પડે તો પણ વાંધો નહીં આવે. તેમને તો તેમના આવકના ખોટા પત્રકો જેમ બોગસ મેડિકલ રિપોર્ટ જનરેટ કરતાં પણ ક્યાં વાર લાગવાની છે.
મૂળ મુદ્દો એ છે કે નેતાઓ ભાષણો ભરે બોરિંગ કરે, પરંતુ રાજીનામાં આમ બોરિંગ રીતે આપે તે ન ચાલે. એક સમય હતો કે જ્યારે ગાંધીજી અને સરદાર પટેલ જેવા નેતાઓના પત્રોના સંગ્રહોનાં પુસ્તકો બનતાં હતાં. શું આઝાદ ભારતમાં અત્યાર સુધીમાં નાના મોટા નેતાઓએ આપેલાં રાજીનામાંઓને એકત્ર કરી એક આદર્શ રાજીનામાં સંગ્રહ બનાવી શકાય તેમ છે? ચાલો, નેતાઓની વાત છે એટલે 'આદર્શ' શબ્દ ટાઈટલમાંથી પડતો મૂકીએ તો પણ લોકો વાંચીને રાજી રાજી થઈ જાય તેવાં રાજીનામાંનું કલેક્શન બને તેમ છે?
બહુ ઓછા નેતાઓ રાજીનામાંનો તેમની કોઈ સિદ્ધિની જેમ ઢંઢેરો પીટે છે. ભલા માણસ, વાજતેગાજતે પાંચસોથી માંડીને પાંચ હજાર લોકોની હાજરીમાં ભવ્યાતિભવ્ય શપથ સમારોહ યોજીને જે ગાદી પર બેઠા હો તે છોડતી વખતે એકાદું નાનું સરખું પદત્યાગ ફંકશન તો ગોઠવો.
આવાં એકાદ પદત્યાગ ફંકશનનો સિનારિયો કલ્પવા જેવો છે. નેતાજી માઈક પર આવે. શક્ય તેટલી ગંભીર મુખમુદ્રા ધારણ કરીને ભાષણ કરે કે, 'આજકાલ મારી તબિયત સારી રહેતી નથી, લાંચ ખાઈને પણ ઘચરકા આવે છે અને ગમે તેવો સીધો પગ આગળ વધારું તો પણ તે કુંડાળામાં જ પડી જાય છે અને ઈચ્છા અનીચ્છાએ નાની મોટી જગ્યાએ હાથ મરાઈ જાય છે. ખાયકીના આંકડા જોઈ મને ચક્કર આવી જાય છે અને ડહાપણની વાત કરવાની આવે તો મારું ગળું બેસી જાય છે. આ શારીરિક તકલીફોને લીધે હું મારા હોદ્દા પરથી રાજીનામું આપી રહ્યો છું', તો ખરેખર કેવી તાળીઓ પડે!
એક સિનારિયો એવો પણ કલ્પવા જેવો છે કે જેમ નેતાઓ ચૂંટણીના ફોર્મ ભરવા ટેકેદારોનું સરઘસ લઈને જાય છે તેમ રાજીનામું આપવા માટે પણ સરઘસ કાઢે, તેમની પાછળ તેમના ટેકેદારો 'નેતાજી તુમ ઈસ્તીફા દેને આગે બઢો, હમ તુમ્હારે પીછે હૈં', જેવા સૂત્રોચ્ચાર કરતા હોય. અને નેતાજી રાજીનામું આપીને, ખુરશી છોડીને પાછા ફરે ત્યારે તેમની પાછળ સમખાવા પુરતા એકેય ટેકેદાર ન બચ્યા હોય.
બાકી ક્યારેક કોઈ નેતાના રાજીનામાં પત્રમાં એવું વાંચવા મળે કે , 'હવે મને સત્તાનો મોહ ન રહ્યો હોવાથી હું મારા પદ પરથી રાજીનામું આપું છું ', તો એ નેતાએ માનસિક આરોગ્યના કારણે રાજીનામું આપ્યું છે એમ ખરેખર કહેવાય!
આદમનું અડપલું
નેતા બનવું હોય તો માણસપદેથી રાજીનામું આપવું ફરજિયાત ખરું?