Get The App

પાર્ટી માથે પાણીની ઘાત ચાલે છે, શરમના નામનું નાહી નાખો

Updated: Jan 24th, 2026

GS TEAM

Google News
Google News
પાર્ટી માથે પાણીની ઘાત ચાલે છે, શરમના નામનું નાહી નાખો 1 - image

- અગડમ્ બગડમ્-બાબા આદમ

- ગમે તેવી ઘટનામાં પેટનું પાણી ન હલે એ સાચો નેતા

પાર્ટીમાં નેતાઓને આદેશ મળ્યો. ન્હાયા વિના બધા મીટિંગ માટે ભેગા થાઓ. 

નેતાઓને નવાઈ લાગી. પાર્ટીને જે કોઈ રાજકીય ગંદાગોબરા નિર્ણયો કરવા પડતા હોય છે એ ટોચના લેવલેથી જ થાય છે ને બાકીનાઓને તો જાણ જ કરવાની હોય છે. તો પછી આ મીટિંગમાં  આમ ન્હાવા વિના આવવાનો આદેશ કેમ? 

જોકે, કેટલાક નેતાઓએ મન મનાવ્યું. 'આમેય ગ્રામ પંચાયતની ચૂંટણી જીતીએ કે શહેરના બગીચામાં ગટર પર ઢાંકણું મૂકાય. દર વખતે ફોટા તો બધે ટોચના નેતાઓના જ લાગે છે. આપણે ગમે તેવા  ન્હાઈને રુપાળા લાગીએ તો પણ ક્યારેય જાહેરાત, બેનરો, પોસ્ટરો, હોર્ડિંગોમાં આપણા ફોટા છપાવાના જ નથી. પછી ન ન્હાઈએ તો પણ શું વાંધો છે?'

આખરે મીટિંગ શરુ થઈ. એક ટોચના નેતાએ ભાષણ ચાલુ કર્યું, 'દેવને પણ દુર્લભ એવા મારા સાથીઓ, હમણા પાર્ટી માથે પાણીની ઘાત ચાલે છે.'

'હેં?' એક નેતાએ પૂછી લીધું 'ફરી કોઈ વિદેશી રાષ્ટ્રના વડાએ આપણા નેતાનું પાણી માપી લેવાની ઘૃષ્ટતા કરી કે શું?'

જવાબ આપવાને બદલે પેલા નેતાએ આગળ ચલાવ્યું, 'જુઓ, હમણા ક્યાંક નળમાંથી  ચોખ્ખું પાણી ન આવ્યું એટલે છોકરાં મરી ગયાં, બીજે ક્યાંક નવીનક્કોર બનાવેલી ટાંકી ટ્રાયલ માટે પાણી ભરતાં જ બેસી ગઈ. એક ગામમાં નદી કિનારે ઘાટની  તોડફોડ થઈ એમાં હો-હા થઈ ગઈ... નળ, ટાંકી, નદીને લગતી બધી ઘટનાઓમાં છેલ્લે તો પાર્ટી પર જ માછલાં ધોવાય છે.'

'આપણને દર વખતે ઠંડુ પાણી રેડતાં ક્યાં નથી આવડતું?' એક અનુભવી નેતાએ ખોંખારો ખાધો. 

'સાચું, પણ આ વખતે તો પાર્ટી  આગળ વધવા માગે છે.  તમને બધાને ન્હાયા વગર ભેગા થવાનું  કારણ એ કે  પાર્ટીએ આ વખતે નક્કી કર્યું છે કે આપણે બધાએ સામૂહિક રીતે શરમના નામનું નાહી નાખવાનું છે. એકવાર આવું સામૂહિક નાહી નાખીશું એટલે પછી ગમે તેવી ઘટનામાં આપણા પેટનું પાણીય નહિ હલે.'

'જોરદાર... ગેમ ચેન્જર... માસ્ટરસ્ટ્રોક...' એવા પોકારો વચ્ચે બાકીના નેતાઓએ ટેબલ થપથપાવ્યું. 

ત્યાં એક નેતાએ ચિંતા પ્રગટ કરી, 'શરમથી ડૂબી મરવા  માટે ઢાંકણીમાં પાણી લેવુું પૂરતું હોય છે, પણ આ શરમના નામનું જ ન્હાઈ નાખવું હોય તો કેટલાં 

ટીપાં જોઈશે?' 

આ સવાલ સાંભળી મોટા નેતાએ ગુસ્સેથી ટેબલ  પછાડયું. ટેબલ પર મૂકાયેલી પાણીની બોટલ ઉછળીને નીચે પડી અને તેમાંથી પાણી ઢોળાઈને નેતાજીનાં વસ્ત્રો પર પડયું.જાણે ગરમ પાણીથી દાઝી ગયા હોય તેમ નેતાજી'પાણી..પાણી...'ની ચીસ પાડી બહાર ભાગ્યા. તેમની પાછળ બીજા કોરાકટ નેતાઓ પણ સાચા અનુયાયીઓની જેમ તેમને અનુસરતા 'પાણી... પાણી...'ની બૂમો સાથે બહાર જતા રહ્યા. 

આદમનું અડપલું

નેતાઓને પાણી સાથે બહુ ઝાઝુ ફાવતું નથી, એટલે તો તેઓ મોટાભાગે મગરના આંસુ સારે છે