- અગડમ્ બગડમ્-બાબા આદમ
- સ્વદેશી અપનાવો, કોણીએ લગાડાતા ગોળને જ નેશનલ ટોફી જાહેર કરવા માંગ
પાર્ટી કાર્યાલય ખાતે જૂના સોનેરી દિવસોની જેમ સેવ મમરાને બદલે હવા જરા સ્ટાઈલીશ ઝાલમૂડી ફાકી રહ્યા હતા ત્યાં અચાનક આવી ચઢેલા મોટા નેતાઓએ તેમને ધમકાવ્યા. 'મુરખાઓ, ક્યાં સુધી આમ ભૂતકાળમાં રાચ્યા કરશો ? મૂકો ઝાલમૂડી બાજુ પર. હવે તો ચોકલેટ ખાવાના 'અચ્છે દિન' આવી ગયા છે.'
એક કાર્યકર ગૂંચવાયો. 'નેતાજી, તમે જ ભૂતકાળમાં રાચ્યા કરવાની ટેવ પાડી છે. આપણે ૬૦ વર્ષ પહેલાં શું ન હતું થયું અને ૬૦૦ વર્ષ પહેલાં શું થયું હતું અને છ હજાર વર્ષ પહેલાં આપણે કેવા મહાન હતા એવી બધી ભૂતકાળની વાતો કરી કરીને તો આટલી મજલ કાપી છે. '
જોકે, આ કાર્યકરને બીજા કાર્યકરે ધમકાવ્યો. 'લ્યા ડફોળ, ઝાલમૂડી હવે આપણો રાષ્ટ્રીય ભૂતકાળ થઈ ગયો, ચોકલેટ એ આપણો ડિપ્લોમેટિક વર્તમાન છે, બાકી સોનેરી ભવિષ્યનું ગાજર તો કાયમ રહેવાનું જ છે.'
આ પરથી એક કાર્યકરને અચાનક લાઈટ થઈ. 'અરે નેતાજી, આપણા દેશ પાસે હજુ સુધી કોઈ રાષ્ટ્રીય ટોફી નથી એ બહુ કહેવાય. આ ચોકલેટ તો ગમે તેમ પણ વિદેશી વસ્તુ થઈ ગઈ. આપણે આપણી રાજકીય સ્ટાઈલ પ્રમાણે લટકતું ગાજર જ રાષ્ટ્રીય ટોફી જાહેર ન કરી શકીએ ? '
બીજો કાર્યકર કહે, ' મારી દ્રષ્ટિએ પક્ષની અને સરકારની પરંપરા જોતાં કોણીએ લગાડાતો ગોળ પણ રાષ્ટ્રીય ટોફી બનવાને પૂરેપૂરો લાયક છે. કોણીએ ગોળ લગાડી લગાડી ને કંઈ કેટલાય લોકોની કેરિયર બની ગઈ. કોણીએ લગાડાતા ગોળની ખાસિયત એ છે કે સરકાર પ્રજાને તો લગાડતાં લગાડે જ છે પરંતુ દરેક ઈલેક્શન વખતે નેતાઓ પણ આપણા જેવા નાના કાર્યકરોને કોણીએ ગોળ લગાડતા જ હોય છે.'
એક કાર્યકર ઉકળી પડતાં કહે, 'આપણે સ્હેજ પણ કૃતધ્ની ન બનવું જોઈએ. વિચારો કે જાતભાતની નાની મોટી કેટલીય રેવડીઓએ આપણને ચૂંટણીઓની ચૂંટણીઓ જીતાડી દીધી છે. એક સમયે આપણે બીજી પાર્ટીઓ દ્વારા અપાતી રેવડીઓની ટીકા કરતા હતા પરંતુ હવે આપણે પણ ઠેર ઠેર રેવડીબાજ સરકારોની રચના કરી દીધી છે. આ સંજોગોમાં રાષ્ટ્રીય ટોફીનું માન રેવડીને મળવું જોઈએ. '
ત્રીજો કાર્યકર કહે,'ભાઈઓ, ક્યાં સુધી ગાજર-ગોળ અને રેવડીમાં અટવાયા કરશો. જરાક તો ફેન્સી થાઓ. આપણે લોલીપોપને જ નેશનલ ટોફી જાહેર કરી દઈએ તો શું વાંધો છે? જૂની પેઢીઓને લટકતું ગાજર દેખાડીને કે કોણીએ ગોળ લગાડીને આપણે જૂની ચૂંટણીઓ જીતી ગયા, અત્યારે રેવડીઓ આપીને ચૂંટણી જીતીએ છીએ પરંતુ હવે ભવિષ્યની ચૂંટણીઓ જીતવા માટે તો લોલીપોપને જ આગળ ધરવી પડશે.'
અત્યાર સુધી ચૂપ રહેલી બચેલી ખૂટેલી ઝાલમૂડીનો બૂકડો મારવામાં જ વ્યસ્ત એક પીઢ કાર્યકર કહે, 'લ્યા ભાઈ, જે નેશનલ ટોફી રાખવી હોય એ રાખોને. એ તો નક્કી જ છે કે ચૂંટાયા પછી આપણે પબ્લિકને ટોફી નહિ પણ કડવી દવાના ઘૂંટડા જ પીવડાવીએ છીએ.'
તમામ કાર્યકરોએ વફાદારીનાં પ્રદર્શન રુપે આ કાર્યકરને ઝૂડી નાખ્યો.
આદમનું અડપલું
સરકારી જાહેરાતો બુઢ્ઢીના બાલ તરીકે ઓળખાતી કોટન કેન્ડી જેવી હોય છે, પ્રજા ગમે તેટલી ચાટી જાય તો પણ પેટ ભરાતું નથી


