- અગડમ્ બગડમ્-બાબા આદમ
ઈન્ટરનેશનલ બિનહરીફ વિજેતા ફેડરેશનની પ્રદેશ પાંખના સભ્યો ભેગા થયા.
બિનહરીફ ૧ : પહેલો સવાલ, આ ફેડરેશનના હોદ્દેદારોની ચૂંટણી બિનહરીફ થશે કે પછી બિનહરીફ વરણી થવાની છે?
બિનહરીફ ૨: અલ્યા ભાઈ, મૂંગા મરો.ચૂંટણીઓ લોકશાહી માટે અહિતકર છે એ સિદ્ધાંત પર તો આપણે બધા બિનહરીફ બન્યા છીએ.
બિનહરીફ ૩: હેં? ચૂંટણીઓ લોકશાહી માટે અહિતકર? અત્યાર સુધી તો આપણે સાંભળતા આવ્યા હતા કે ચૂંટણીઓ લોકશાહીનો પ્રાણ છે.
બિનહરીફ ૪: અરે યાર, આ કોણ બુદ્ધુ છે જે પ્રાથમિક શાળાના નાગરિકશાસ્ત્રના ફકરા હજુ રટયા કરે છે. ભઈ, પુસ્તકિયું જ્ઞાાન પડતું મેલો. એમ તો બંધારણ નામના પુસ્તકમાં ચૂંટણી વિશે, ચૂંટણી પંચ વિશે, નેતાઓ વિશે પોલીસ વિશે, સરકારી અધિકારીઓ વિશે જાતભાતનું લખેલું છે એવું કહે છે. આપણે તો એવું કાંઈ જાણતા નથી. આપણા તથા પાર્ટીના હિતમાં આપણે જાણવું પણ નહીં.
બિનહરીફ ૫ : આ બંધારણ પરથી યાદ આવ્યું. બંધારણમાં ક્યાંય ચૂંટણીમાં વિજેતા થઈને ચૂંટાયેલા અને બિનહરીફ ચૂંટાયેલા વચ્ચે કોઈ ફરક રખાયો છે? આઈ મીન, આપણે બિનહરીફ ચૂંટાઈને ચૂંટણીનો ખર્ચો બચાવ્યો, તંત્રની મહેનત બચાવી, નાગરિકોનો મતદાન મથક સુધી ધક્કો બચાવ્યો તેના બદલામાં આપણને કોઈ સ્પેશ્યલ ટ્રીટમેન્ટ મળે ખરી?
બિનહરીફ ૬: વાહ ભાઈ, આ તમે સારો મુદ્દો લાવ્યા. આખરે બિનહરીફ થવાનો ફાયદો શું? એકેય નગરપાલિકામાં ડેપ્યુટી મેયરનું પદ બિનહરીફ ચૂંટાયેલા માટે અનામત રહે તેવી કોઈ જોગવાઈ જ નથી. આને કહેવાય અન્યાય!
બિનહરીફ ૨: ઓય ભોટભાઈ... ડેપ્યુટી મેયરોને તો લાલ રિબનો પર ખાસ કાતરો પણ મારવા નથી મળતી. આપણા માટે અનામત રાખવી હોય તો સ્થાયી સમિતિનું અધ્યક્ષપદ રાખો. ખરો માલમલીદો એમાં છે.
બિનહરીફ ૪: પાલિકાઓ અને પંચાયતોમાં બાંધકામ, રોડ રસ્તા જેવી બે-ચાર સારી કમિટીઓ આપણા બિનહરીફો માટે અનામત રાખે કે પછી કંઈ નહિ તો બીજા સભ્યો કરતાં ચાર કોન્ટ્રાક્ટ આપણને વધારે આપે તો પણ ભયો ભયો...
બિનહરીફ ૩: હું તો કહું છું કે ભવિષ્યમાં બિનહરીફ ચૂંટાનારા ધારાસભ્યોને રાજ્ય મંત્રીમંડળમાં અને બિનહરીફ ચૂંટાનારા સંસદસભ્યોને કેન્દ્રીય મંત્રીમંડળમાં અનામત બેઠકોની પણ માંગ અત્યારથી જ કરી દઈએ.
બિનહરીફ ૪ : એના કરતાં કાયદો બદલાવીને હાલ જેમ મહિલા અનામતનું બિલ આવ્યું એ રીતે દેશની લોકસભા, વિધાનસભાઓ, નગરપાલિકાઓ, પંચાયતોની ૩૦ ટકા બેઠકો બિનહરીફ રીતે જ ભરવી એવો કાયદો બનાવવાની માંગ કરીએ તો.
બિનહરીફ ૨ : ભલા માણસ, બીજું બધું પછી. એ તો કહો કે આપણે બિનહરીફ ફેડરેશનની પ્રદેશ શાખાના જેટલા સભ્યો છે તેમાંથી કેટલા તેમના ગામમાં જેન્યુઈન જાહેર અભિવાદન સમારંભ ગોઠવી શકે તેમ છે?
બધા બિનહરીફોએ એકબીજા સામે જોઈને આંખ મિચકારી.
આદમનું અડપલું
અનેક પંચાયતો સમરસ નહીં, સોમરસથી સર્જાતી હોય છે.


