- અગડમ્ બગડમ્-બાબા આદમ
- ઈન્કમ ગ્રુપ પ્રમાણે કંકોતરી દીઠ લગ્ન હાજરી સહાયનો આઇડિયા
'સીઝન પ્રમાણે એક નવી યોજના જાહેર કરવાની છે,' મંત્રીશ્રીએ ફરમાવ્યું.
'સર, શિયાળો ચાલુ થઈ ગયો છે એટલે શું આપણે નિર્ધન ધાબળા સહાય યોજના ચાલુ કરવી છે?' એક અધિકારીએ પૂછ્યુું.
મંત્રીશ્રી ગુસ્સે થઈને કહે, 'ખબરદાર, આટલાં વર્ષોથી અમારી સરકાર છે એટલે હવે રાજ્યમાં કોઈ નિર્ધન રહ્યું જ નથી. હવે તો ભૂતપૂર્વ ગરીબો ભૂતકાળમાં એમને મળેલા ધાબળા અન્ય દેશોમાં એક્સપોર્ટ કરી દેશના વિશ્વ વેપારમાં પ્રદાન આપી રહ્યા છે.'
બીજા અધિકારીએ કહ્યું, 'સર, મને લાગે છે કે શિયાળો શરુ થયો એટલે આપ રાજ્ય પુષ્ટિવર્ધન યોજના શરુ કરવા માગો છે, જેમાં રાજ્યના દરેક ઘરને બે-બે કિલો વસાણું ફ્રી આપવાની સ્કીમ હશે.'
ફરી મંત્રીશ્રી બગડયા. 'ઊંહું! સમજો. પ્રજા શારીરિક અને માનસિક રીતે નબળી જ સારી. બહુ સતેજ સક્ષમ પ્રજા લોકશાહી માટે ઈચ્છનીય નથી.'
આખરે ત્રીજા અધિકારીએ કહ્યું, 'સર, અમારા બધાની બુદ્ધિ સરહદો જ્યાં ખતમ થાય છે ત્યાંથી જ તમારી શરુ થાય છે. એટલે જ અમે અધિકારી માત્ર છીએ અને તમે મંત્રી છો. કૃપા કરી હવે તમારી નવી સ્કીમ વિશે જણાવો તો અમે તત્કાળ અમલ કરવા માટે પ્રવૃત્ત થઈએ.'
બસ, આ પ્રશંસાની જ રાહ જોતા હોય તેમ હવે મંત્રીશ્રી ખુશ થયા. 'હા તો સુજ્ઞાજનો, મારી નવી સ્કીમ છે, લગ્ન હાજરી સહાય અનુદાયન યોજના. આપણું રાજ્ય ગમે તેટલું સમૃદ્ધ હોય, પરંતુ હજુ આપણા નાગરિકો એટલા બધા સમૃદ્ધ પણ નથી બન્યા કે લગ્નની સીઝનમાં આવતા તમામ લગ્ન સમારોહમાં હાજરી આપવા માટે આવવા જવાનો , નવાં કપડાં અને દરદાગીનાનો, મેક અપનો, ચાંલ્લા કે ગિફ્ટ આપવાનો એ તમામ ખર્ચ વેઠી શકે. આથી સરકાર ઈચ્છે છે કે પાત્રતા ધરાવતા નાગરિકોને કંકોત્રી દીઠ લગ્ન સહાય કરવામાં આવે. તેમાં પણ આપણે આવક મર્યાદા પ્રમાણે સહાય આપીશું. હાઈનેટવર્થવાળાને એક લગ્ન એટેન્ડ કરવા માટે દસ હજાર, મિડલ ઈન્કવાળાને પાંચ હજાર અને લોઅર ઈન્કમવાળાને બે હજારની સહાય આપશું. બોલો, કેવો લાગ્યો આઇડિયા?'
અધિકારીઓ તો ખુરશીમાં ઉછળી પડયા. બે-ત્રણ અધિકારીઓ તો સીધા મંત્રીશ્રીના પગે પડી ગયા. 'બોસ, અદ્ભૂત આઇડિયા છે, એકદમ જોરદાર.'
એક અધિકારી તો નિખાલસ થઈને કહે, 'સર, પગારની અને ઉપરની બધી ઈન્કમ છે તો પણ આજકાલ ખરેખર લગ્નો એટન્ડ કરવા બહુ મોંઘાં પડે છે. લોકો લગ્નોમાં વર-કન્યાને આશીર્વાદ આપે છે, પણ આ સ્કીમથી તો સમગ્ર સાજન-માજન તમને આશીર્વાદ આપશે.'
એક વરિષ્ઠ અધિકારી કોઈ રિસ્પોન્સ ન આપતાં મંત્રીશ્રીએ તેમની તરફ જોઈ મોઢું બગાડીને કહ્યું, 'બોલો, તમને શું વાંધો પડયો?'
પેલા અધિકારી કહે, 'વાંધો તો કાંઈ નથી સર, પણ મને વિચાર આવ્યો કે રાજ્યમાં હજુ પણ એવા લાખો લોકો છે જેમને કોઈ કોઈ મેરેજ સીઝનમાં એક પણ કંકોતરી નથી આવતી. તો એમના માટે કોઈ આશ્વાસન સહાય આપી શકાય?'
મંત્રીશ્રીએ ગુંચવાઈને મીટિંગ બરખાસ્ત કરી દીધી.
આદમનું અડપલું
ઈન્સ્ટાગ્રામ ન હોત તો આપણાં લગ્નોમાંથી ધામધૂમ ક્યારનીય ગાયબ થઈ ગઈ હોત. બોલો, સાચું કે નહીં?


