જનતાના ખર્ચે અને જોખમે લાડલા મંત્રીપુત્ર યોજના જાહેર કરો
- અગડમ્ બગડમ્-બાબા આદમ
કાગળ પર જ વિકાસકામો કરવા બદલ બે મંત્રીપુત્રોની ધરપકડ બાદ અખિલ ભારતીય મંત્રીપુત્ર ગૂ્રપ એક્ટિવ થયું.
મંત્રીપુત્ર ૧: બહુત નાઈન્સાફી હૈ
યે! પપ્પાઓ પાંચ-દસ હજાર કરોડના સરકારી વહીવટ સંભાળતા હોય તો મંત્રીપુત્ર તરીકે આપણે શું ૨૦૦-૫૦૦ કરોડ આમતેમ ન કરી શકીએ? ખરેખર દેશમાં અસહિષ્ણુતા વધી ગઈ છે. શુંં મંત્રીપુત્રોને આવી થર્ડક્લાસ ટ્રીટમેન્ટ આપીને આપણે વિશ્વની થર્ડ લાર્જેસ્ટ ઈકોનોમી બનીશું?
મંત્રીપુત્ર ૨ : ધિક્કાર છે આ વ્યવસ્થાને જે મંત્રીપુત્રો પર કાગળો ચિતરવાનો માનસિક બોજ લાદે છે. વાસ્તવમાં કાયદો એવો હોવો જોઈએ કે તમામ કોન્ટ્રાક્ટ પહેલાં મંત્રીપુત્રને જ મળે, કોન્ટ્રાક્ટ મળવાની સાથે જ તેના પેમેન્ટનો ચેક મળી જાય. મટિરીયલ લાવવાના , કામ થઈ રહ્યાના, કામ થઈ ગયાના કાગળ બનાવવાના, એનાં પાછાં બિલ મૂકવાનાં?તો બીજા સામાન્ય કોન્ટ્રાક્ટરો અન મંત્રીપુત્રો વચ્ચે ફરક શું રહ્યો?
મંત્રીપુત્ર ૩: મારી તો ડિમાન્ડ છે કે સરકાર એક લાડલા મંત્રીપુત્ર યોજના જાહેર કરે. જાહેર જનતાના ખર્ચે અને જોખમે આખેઆખી સરકાર ચાલે છે તો એ રીતે લાડલામંત્રીપુત્ર યોજના પણ ચાલવી જોઈએ. આપણા પિતાશ્રી બિચારા ૨૪માંથી ૨૩ કલાકને ૫૫ સેકન્ડ સુધી સરકાર કામોની યાદીઓનો સોશિયલ મીડિયા પર જયજયકાર કરવામાં વ્યસ્ત રહેતા હોય, બાઘી જનતાને વિકાસકાર્યોનાં દર્શન થાય તેવી રીલ મૂકતા હોય, જરુર પડે જનતાનું હિત હૈયે છે તે પ્રકારનાં અતિશય કષ્ટદાયક નિવેદનો હૈયા પર પથ્થર મૂકીને આપતા હોય તેમનાં છોકરાં માટે શું એકાદી લાડલા મંત્રીપુત્ર યોજના જાહેર ન થાય?
મંત્રીપુત્ર ૪: યોજનાના ભાગરુપે દરેક મંત્રીપુત્રને દર મહિને સરકારી તિજોરીમાંથી દસ કરોડ રુપિયા હાથ ખર્ચીના મળી જવા જોઈએ. થાઈલેન્ડ જેવા દેશોમાં નાનાંમોટાં કામો માટે આવવા જવા એકાદું પ્રાઈવેટ પ્લેન વસાવી આપવું જોઈએ.
મંત્રીપુત્ર ૫: ભાઈઓ ,હું મંત્રીપુત્ર હોવા સાથે એક મંત્રીનો જમાઈ પણ છું. મારી વાઈફનું સજેશન છે કે ફક્ત લાડકા મંત્રીપુત્રો જ નહીં, પણ લાડકા મંત્રીજમાઈ યોજનાની પણ માંગ કરો.
મંત્રીપુત્ર ૬: તો તો લાડકા મંત્રીભાણિયા, લાડકા મંત્રીભાણેજ, લાડકા મંત્રીસાળા, લાડકા મંત્રીસાઢુભાઈ યોજનાની પણ માગણી થશે.
મંત્રીપુત્ર ૧: ચલો નવી ડિમાન્ડ, લાડલા મંત્રીપરિવાર યોજના શરુ કરો...શરુઆત મંત્રીપુત્રોથી કરો...
તમામ મંત્રીપુત્રોએ અંગૂઠા બતાવી દીધા, જેમ એમના પપ્પાઓ કાયમ જનતાને બતાવે છે તેમ...
આદમનું અડપલું
મંત્રીપુત્રોની ધરપકડનાં કુકર્મનો જવાબ રાષ્ટ્રપ્રેમથી આપો. આવતાં દસ વર્ષમાં આપણા દ્વારા કબજે થનારાં કરાંચી, ઈસ્લામાબાદના ફલાયઓવરનો કોન્ટ્રાક્ટ મંત્રીપુત્રોને આપવાનું જાહેર કરી એનું એડવાન્સ પેમેન્ટ અત્યારે જ કરી દો.