- અગડમ્ બગડમ્-બાબા આદમ
- ભવિષ્યનાં મ્યુઝિયમોમાં નેતાજી પર ફેંકાયેલાં જૂતાં પણ પ્રદર્શનમાં ગોઠવાઈ શકે
આદર્શ લોકશાહીમાં ફેંકવાનું કામ ફક્ત નેતાઓ પર છોડી દેવાનું હોતું નથી. પ્રજા પણ ક્યારેક ક્યારેક ફેંકી લે છે. જેમ કે, નેતાઓ પર અવારનવાર જૂતાં ફેંકાતાં રહે છે. નેતાજી પર જૂતાં ફેંકવા એ હિંસક બનાવ જરા પણ ગણાવો ન જોઈએ. પ્રજાજનો 'શોલે'ના ઠાકુર જેવાં ખીલાવાળા બૂટ પહેરતા નથી અને એમ તો આજકાલના નેતાઓ ગમે તેવા વિલન હોય તો પણ ગબ્બરની તોલે આવે તેમ નથી. નેતાઓએ સાદર નોંધ લેવી જોઈએ કે હજુ સુધી વિશ્વના ઇતિહાસમાં એક પણ નેતા પ્રજાજન દ્વારા ફેંકાયેલાં જૂતાંને કારણે ઘાયલ થવાથી સ્વર્ગમાં (ભૂલચૂક માફ) પ્રયાણ કરી ગયો હોય તેવો એકેય દાખલો નથી. હા, જૂતાં ફેંકાવાને કારણે પ્રચારલાભ મબલખ મળ્યો હોવાના એક દાખલા છે. આજકાલ ફૂટી નીકળેલા પોલિટિકલ કોમ્યુનિકેશન સ્ટ્રેટેજીસ્ટ્સ ભવિષ્યમાં નેતાઓ માટે સોશિયલ મીડિયા પોલિસી,કોસ્ચ્યુમ ડિઝાઇનિંગ સાથે જૂતાં ફેંકાવાના પ્લાનિંગનો પણ પ્રચાર સ્ટ્રેટેજી તરીકે ઉમેરો કરી શકે.
વિશ્વની ત્રીજી આર્થિક વ્યવસ્થા બનવા તરફ પ્રયાણ કરી રહ્યા હોવા છતાં ફેંકવા માટેનાં જૂતાંની પસંદગીની બાબતમાં હજુ પણ આપણે આપણી જૂની વિકાસશીલ રાષ્ટ્ર તરીકેની માનસિકતામાંથી બહાર નથી આવ્યા. ભલે આજકાલ કોર્પોરેટરની પણ લાયકાત ન ધરાવતા હોય એવા નેતાઓ હાઈકમાન્ડની મહેરબાનીથી રાષ્ટ્રીય નેતા બની ગયા હોય તો પણ કોર્પોરેટર લેવલના અને રાષ્ટ્રીય કક્ષાના નેતાઓ પર લગભગ એકસરખાં જૂતાં ફેંકાય એ ક્યાંનો ન્યાય? નેતાનાં સ્તર (બૌદ્ધિક નહીં, હોદ્દાના સ્તર) પ્રમાણે તેમના પર કેવુું જૂતું ફેંકાય તે નક્કી થવું જોઈએ.
પર્સનાલિટી ગૂ્રમિંગ કરાવતા ટ્રેનરો કહે છે કે લોકોનું ધ્યાન સૌથી પહેલું તમારાં જૂતાં પર જાય છે અને તેના પરથી તમે કેટલા સુઘડ અને સિન્સિયર છો તેની પહેલી છાપ પડે છે. તો આ જ રીતે નેતાઓનું માપ પણ તેમના પર ફેંકાતાં જૂતાંના પ્રકાર, બ્રાન્ડ, કિંમત પરથી નીકળે તો એમાં શું ખોટુ ંછે?
કોઈ નેતા પર પાંચ વર્ષ પહેલાં સાદું સ્લીપર ફેંકાયું હશે, પરંતુ હવે તેના પર એકાદું મોઘું બ્રાન્ડેડ શૂઝ ફેંકાશે તો એ નેતા પોતાની પ્રગતિથી કેવા હરખાશે એનો તો વિચાર કરો. આખી જિંદગી એક પક્ષમાં રહ્યા પછી જતી જિંદગીએ પોતાનાં કૌભાંડોમાં ક્લીનચીટ મેળવવા સત્તા પક્ષમાં નાતરું કરનારા નેતા પર જો થીગડાવાળું જૂતું ફેંકાય તો લેખે લાગે. એ જ રીતે ૬૦ વર્ષ વટાવી ગયેલા નેતા પર સાદું સ્લીપર ફેંકાય તો તેઓશ્રી એ વાતે રાજી થશે કે જનતા હજુ પણ તેમને યુવા નેતા માને છે.
યુનિવર્સિટીઓ ધારે તો એન્ટાયર પોલિટિકલ સાયન્સિસના એમએના વિદ્યાર્થીઓ પાસે ભારતમાં નેતાઓનો રાજકીય-આર્થિક વિકાસ અને તેમના પર ફેંકાતાં ગયેલાં જૂતાઓનું બદલાતું સ્તર એ વિશે કોઈતુલનાત્મક અભ્યાસ તૈયાર કરાવી શકે.
હાલ મ્યુઝિયમોમાં જે-તે સમયના રાજાઓ કે પછી અન્ય મહાપુરુષોના સ્મારકોમાં તેમનાં જૂતાં પ્રદર્શનમાં રખાય છે, આશ્રમોમાં ધર્મગુરુઓની પાદુકાઓ સાચવી રખાય છે. ભવિષ્યનાં મ્યુઝિયમોમાં હાલના નેતાજી પર ફેંકાયેલાં જૂતાં પ્રદર્શનમાં મૂકાશે તો ત્યારની જનતાને પણ કેવી સારી પ્રેરણા મળતી રહેશે અને તે રીતે લોકશાહીની ફેંકશાહી પણ એટલી મજબૂત થતી રહેશે.
આદમનું અડપલું
કેટલાક ચૂંટાયેલા નેતાઓને જોઈને એમ જ લાગે કે પ્રજાએ મત આપ્યો નથી પણ મતનો ઘા કર્યો છે


