Get The App

અધિક માસમાં અધિક નીટ આપવાથી સારી પ્રેક્ટિસની ગેરંટી

Updated: May 21st, 2026

GS TEAM

Google News
Google News
અધિક માસમાં અધિક નીટ આપવાથી સારી પ્રેક્ટિસની ગેરંટી 1 - image

- અગડમ્ બગડમ્-બાબા આદમ

- નીટનું પેપર ફૂટવાથી નારાજ હોય તે મેડિકલ ઈન્ફ્લુએન્સર બની જાય, તેમાં ડોક્ટર જેટલી જ કમાણી છે

'બોસ, નીટનું પેપર ફૂટી જવાથી ૨૨ લાખ વિદ્યાર્થીઓ અને તેમના પરિવારો દુઃખી છે.' એક અધિકારીએ માહિતી આપી. 

બીજા અધિકારી કહે, 'આ માહિતીમાં જરા કરેક્શન છે. મોટાભાગના વિદ્યાર્થી એ વાતે  દુઃખી  છે કે પરીક્ષા રદ થઈ છે અને બીજીવાર આપવી પડશે.  કેટલાક વિદ્યાર્થીઓ તો એ વાતે દુઃખી છે કે તેમની પાસે ફૂટેલું પેપર આવ્યું જ ન હતું. બીજા કેટલાક એ વાતે  દુઃખી છે કે તેમની પાસે ફૂટેલું પેપર આવી ગયું હતું પણ હવે પરીક્ષા રદ કરી દેવામાં આવી છે.'

બોસ ઉદાસ સ્વરે કહે, 'અને હું એ વાતે દુઃખી છું કે આપણે પેપર ફૂટી જવા બાબતે વિદ્યાર્થીઓનાં આ દુઃખ અને નારાજગી કેવી રીતે દૂર કરી શકીએ.'

એક અધિકારી કહે, 'એક આઇડિયા છે સર, આ વખતે નીટનું પેપર એકદમ ઈઝી કાઢીએ. વિદ્યાર્થીઓ એકદમ  ખુશ થઈ જશે . જેમનું ગયું પેપર અઘરું ગયું હતું તેઓ આપણને આશીર્વાદ આપશે.

બીજા અધિકારી કહે, 'આ વખતે પેપર ફૂટી જવાથી નારાજ વિદ્યાર્થીઓને વળતરરૂપે  રશિયા,  યુક્રેન, ચીન કે શ્રીલંકા જઈને મેડિકલ અભ્યાસ કરવા માટે સરકાર   શિષ્યવૃત્તિ આપશે એવી જાહેરાત કરીએ.'

ત્રીજા અધિકારી કહે, 'ના..ના...એવી જાહેરાતો ન કરશો. અહીંની સેલ્ફ ફાઈનાન્સ કોલેજોમાં એડમિશન લેવાને બદલે વિદ્યાર્થીઓ ત્યાં જવા પડાપડી કરશે તો સેલ્ફ ફાઈનાન્સ કોલેજોના સંચાલકો આપણા પર નારાજ થશે.  વિદ્યાર્થીઓ આપણાથી નારાજ થાય એ પોસાય પણ કોલેજ સંચાલકો નારાજ થાય એ નહિ. '

ચોથા અધિકારી કહે, 'જે વિદ્યાર્થીઓ નારાજ હોય તેમને આપણે  સરકારી ખર્ચે મેડિકલ ઈન્ફ્લુએન્સર બનવાની ટ્રેનિંગ આપી દઈએ. આમેય હવે તો બહુ  બધી પબ્લિક સારવાર માટે ડોક્ટરો પાસે દોડી જવાને બદલે ઈન્ફ્લુએન્સરોનાં રીલ જોઈને ઘરમેળે સારવાર કરી લે છે અને બીમારીઓનાં અર્થઘટન કરી લે છે. આપણે વિદ્યાર્થીઓને સમજાવશું કે સરવાળે ડોક્ટર બનવા કરતાં મેડિકલ ઈન્ફ્લેન્સર બનવામાં ઓછી મહેનતે ઝાઝી કમાણી છે.'

પાંચમાં અધિકારી કહે, 'આપણે બે-ચાર સરકારી ધર્મગુરુઓને કામે લગાડીએ. એ લોકો વિદ્યાર્થીઓને સમજાવશે કે  અધિકસ્ય અધિકમ ફલમ.આ તો સરકારે પવિત્ર અધિક માસમાં અધિક નીટ આપવાની વ્યવસ્થા કરી આપી છે. તેનું પુણ્ય એવું મળશે કે અધિક નીટ આપનારા વિદ્યાર્થીઓને ભવિષ્યમાં ડોક્ટર તરીકે પ્રેક્ટીસમાં તડાકો પડશે અને ક્યારેય દર્દીઓની અછત નહીં નડે.'

 અત્યાર સુધી ચૂપ રહેલા એક અધિકારી કહે, 'લ્યા, નવી તારીખ નક્કી કરવામાં સ્હેજ પંચાગ તો ચેક કરવું હતું. આપણે જે નવી તારીખ નક્કી કરી છે એ પહેલાં અધિક માસ તો પૂરો થઈ જવાનો છે. '

આ સાંભળીને તો બોસ રડવા જ લાગ્યા.

આદમનું અડપલું

જૂની કહેવતઃ ઘર ફૂટે ઘર જાય

નવી કહેવતઃ નીટ ફૂટે, પેશન્ટ જાય