Get The App

શાંતિપ્રિય સાહિત્યકારોનું ઠંડા કલેજે યુદ્ધ ચિંતન

Updated: Mar 20th, 2026

GS TEAM

Google News
Google News
શાંતિપ્રિય સાહિત્યકારોનું ઠંડા કલેજે યુદ્ધ ચિંતન 1 - image

- અગડમ્ બગડમ્ - બાબા આદમ

- જેણે અકાદમી-પરિષદનું યુદ્ધ જોઈ લીધું તેને અન્ય કોઈ યુદ્ધની શી વિસાત?

વયોવૃદ્ધ નવોદિત લેખકે શર્ટના છેડાથી ચશ્માનાં કાચ લૂછતાં લૂછતાં કહ્યું, 'સુજ્ઞાજનો, મને સહસા વિદિત થયું છે કે આપણે છેલ્લા કેટલાક દિવસોથી સાંપ્રત વિશ્વની એક મોટી એક ઘટના વિશે ચર્ચા કરવાનું  વિસરી રહ્યા છીએ.'

એક સેલ્ફ સ્ટાઈલ્ડ મૂર્ધન્ય કવિએ આંખો ઝીણી કરી. 'અરે મારા મર્મી મિત્ર, આપણા સાહિત્યકારોની પરંપરા રહી છે. સાહિત્ય હોય કે ચર્ચા સભા, આપણ ેસાંપ્રિત વિષયોને  સ્પર્શતા જ નથી.  આપણે તો ચીરકાલીન હૃદયોર્મિઓને શબ્દોમાં ઝીલ્યા કરીએ ને મોજ કરીએ.' એક નિબંધકાર વિલું મોઢું કરતાં કહે, 'સાચી વાત. સાંપ્રત વિષયો  છંછેડવા જતાં પાછું ક્યાંક કોઈની આંખે  ચઢીએ.'

જૈફ નવોદિત ધૂ્રજતાં ધૂ્રજતાં કહે,'મારા વિદ્વાન સાક્ષરો... હું યુદ્ધની વાત કરી રહ્યો છું, યુદ્ધની.'  નવોદિતે જાણે ડ્રોન છોડયું હોય તેમ બાકીના સાહિત્યકારો ખળભળી ઉઠયા. એક તરુણ વિવેચક તો તરત જ ખિસ્સામાંથી  એસીટીડીની ગોળીનો ફાફડો મારી ગયા. પછી ઠંડા કલેજે કહે,  'વડીલ મિત્ર, અકાદમી અને પરિષદ વચ્ચે હવે પહેલાં જેવું તુમુલ યુદ્ધ ક્યાં થાય જ છે? જેણે એ યુદ્ધ જોઈ લીધું તેને દુનિયાનાં અન્ય કોઈ યુદ્ધની શી વિસાત?'

નવોદિતે નાક મચકોડયું. 'હે મારા પ્રિયજન, હું ઈરાન-ઈઝરાયેલ-અમેરિકા યુદ્ધ વિશે વાત કરવા  ધારું છું. શું વિશ્વની આટલી મોટી ઘટના પરત્વે આપણે સાવ નિર્લેપ રહી શકીએ?' સેલ્ફ સ્ટાઈલ્ડ મૂર્ધન્ય કવિ ખોંખારો ખાઈને કહે, 'મને મૂડ આવવા દો. હું થોડાં વર્ષોમાં અડધો ડઝન યુદ્ધ કાવ્યો રચી નાખીશ.'

એક નવલિકાકાર  નિસાસો નાખીને કહે,'અમેરિકામાં આપણા સાહિત્યિક કાર્યક્રમોને યજમાનો ઘણા મળી રહે છે.' પછી જરા શરમાઈને કહે, 'એ બાજુ મારી ચાહક સ્ત્રીવાચકોની સંખ્યા પણ ખાસ્સી છે, પરંતુ ઈરાન બાજુથી હજુ સુધી કોઈએ મારી એકેય ફેસબુક વાર્તાને કોઈએ લાઈક કરી હોવાનું મારી જાણમાં નથી.'

નિબંધકાર જરા ખચકાતાં ખચકાતાં કહે, 'કોઈ સંસ્થા યુદ્ધ કેટેગરી પર પુરસ્કાર જાહેર કરતી હોય તો હું યુદ્ધ વિશે એક પુસ્તક કરવા ધારું છું.' બીજા નવલકથાકારે જાહેર કર્યું, 'કિટલી પર જ ચા પીતા હોય પણ વાર્તા ફાઈવસ્ટારની કોફી શોપની લખે એ બીજે. હું તો વાસ્તવવાદી  વર્ણનોમાં માનું છું. હું દુબઈની સ્થિતિ પર આગામી નવલકથા લખીશ. બસ ત્યાંના કોઈ  ખમતીધર સાહિત્યપ્રેમી બિઝનેસમેન મારો  પ્રવાસ સ્પોન્સર કરે એટલી  વાર.' અચાનક પેલા વિવેચકના મોબાઈલ પર એક મેસેજ આવ્યો. એમણે ચીસ પાડતા હોય એવા અવાજે કહ્યું, 'લ્યો,  યુદ્ધની માઠી અસરો શરુ. કાલે એક પુસ્તક વિવેચનમાં  કાર્યક્રમ બાદ પ્રીતિ ભોજન નક્કી થયું હતું. હવે પ્રકાશકનો મેસેજ છે કે યુદ્ધના કારણે કેટરિંગવાળા પાસે  ગેસનો બાટલો નહિ હોવાથી જમવાનું કેન્સલ થયું છે અને ફક્ત ચા-બિસ્કિટની જોગવાઈ રહેશે.' 'પ્રીતિ ભોજન રદ? ઓહો...યુદ્ધની આ તે કેવી  દારુણ વીભિષિકા...'  એવા ઉદ્ગાર સાથે પેલા જૈફ નવોદિતે માથે  હાથ મૂકી દીધો. 

સૌ સાહિત્યકારો એકબીજાને આશ્વાસન આપવાના પરોપકારમાં  વ્યસ્ત થઈ ગયા. 

- આદમનું અડપલું : યુદ્ધકાળમાં સાહિત્યજગતની નવી સુક્તિઃ ડ્રોનના ઘા રુઝાય છે પણ ફેસબુક પોસ્ટના ઘા રુઝાતા નથી.