- અગડમ્ બગડમ્-બાબા આદમ
- દિલ્હીના ઠગવાળી વાર્તા લોકોને ફરી યાદ આવી ગઈ
દિલ્હીની એઆઈ સમીટમાં ગલગોટિયા યુનિવર્સિટીનો મોટો ગોટાળો બહુ ચગ્યો તે પછી સંશયાત્મા તરત જ પેલા ચાઈનીઝ ઉર્ફે ઈન્ડિયન ચોપગા રોબોટ પાસે તેનો ઈન્ટરવ્યૂ લેવા દોડી ગયો.
'હે ,ગલગોટિયાના ગલુડિયા...તને ખબર છે, તું વર્લ્ડ ફેમસ થઈ ગયો છો?' સંશયાત્માએ જરા હળવેથી પૂછ્યું.
ચોપગો રોબોટ આગલા બે પગ ઊંચા-નીચા કરતાં કહે, 'નોનસેન્સ! આ તે કાંઈ સવાલ છે? હું એકલો નહિ , દિલ્હીનું તો બધું વર્લ્ડ ફેમસ જ છે. દિલ્હીનું પોલ્યુશન વર્લ્ડમાં ટોપ પર છે, દિલ્હીનો ટ્રાફિક પણ દુનિયા આખીમાં જાણીતો છો અને દિલ્હીના ઠગ તો આજથી નહીં સદીઓથી દેશવિદેશમાં પ્રસિદ્ધ છે.'
'ભલા માણસ... સોરી, ભલા રોબોટ... તે બરાબર ઉદાહરણ આપ્યું. તું ચાઈનીઝ હોવા છતાં તેને ઈન્ડિયન તરીકે ખપાવી દેવાયો એમાં દિલ્હીના ઠગવાળી વાર્તા લોકોને ફરી પાછી યાદ આવી ગઈ.'
રોબોટ લુચ્ચું હસીને કહે, 'યાર, આવી બધી લેબલબાજી તો ચાલ્યા કરે . આપણે ત્યાં સ્ટ્રીટ ફૂડ વાળા ચાઈનીઝ આઈટમને નામે શું શું ખવડાવી દે છે તે ક્યારેક ચીનવાળાઓ ચાખે તો છળી મરે. લેબલ પરથી માલની પરખ કરે એ મુર્ખા. જુઓ, દર ચૂંટણી વખતે આ નેતાઓ પોતાની જાતને જનસેવક તરીકે પેશ કરી દે છે અને તમે માની પણ લ્યો છોને. નેતાઓમાં પણ બહારથી એક પાર્ટીમાં દેખાય, પણ અંદરખાને બીજી પાર્ટી માટે કામ કરતા હોય એવું બધું નથી ચાલતું?'
'લ્યા રોબોટ, પોલિટિક્સ તો પાતાળ વગરનું ફિલ્ડ છે, એને તળિયું જ નથી. હા, જોકે, એ ફિલ્ડમાં તળિયા વગરના લોટા બહુ છે એ સાચું. પણ, તું સમજ. વાત એજ્યુકેશન સેક્ટરની છે. દેશની પ્રતિષ્ઠા, દેશનું ભાવિ એના પર નિર્ભર છે. એમાં આવી બધી ગરબડો કેમ ચાલે?'
રોબોટ અદ્દલ કૂતરાની જેમ પોતાના કાન ઊંચા કરતાં કહે, 'જો ભાઈ, ગલગોટિયા તો છિંડે ચઢેલો ચોર છે. બાકી તું કહે, દેશની કેટલીય યુનિવર્સિટીઓના વાઈસ ચાન્સેલરો ખરેખર એ પદ માટે લાયક હોવાને કારણે વાઈસ ચાન્સેલર બન્યા છે? કેટલાં રાજ્યોના શિક્ષણ પ્રધાનોને વાસ્તવમાં શિક્ષણના પ્રશ્નોમાં સમજ પડે છે? કેટલી કોલેજો-યુનિવર્સિટીઓમાં ખરેખર ડીપ રીસર્ચ થાય છે? કેટલા પીએચડી થયેલા વાસ્તવમાં ઊંડું સંશોધન કરનારાઓ હોય છે? કોલેજોના ટોપર્સમાં સાચું જ્ઞાાન ધરાવનારા કેટલા? તમારા સાદા બીએ-બીકોમ થયેલાને મેરેજ બ્યૂરોમાં સરખો બાયોડેટા લખતાં પણ નથી આવડતો. બાકી બધું છોડને, યાર. તમારી કેટલી સરકારી સ્કૂલોમાં ધોરણ આઠમાં ભણનારા બાળકો પણ સરખું લખી શકે છે કે પછી સાદા દાખલા ગણી શકે છે? તમે લોકો ભાર વગરનું ભણતર આપો છો કે ભાન વગરનું ભણતર?'
સંશયાત્મા તો દિગ્મૂઢ થઈ ગયો. પેલો ચોપગો રોબોટ 'ગલગોટિયા તો ઝાંકી હૈ, આગે ઔર બાકી હૈ...' તેમ પોકારતો પોકારતો લહેરથી ચાર પગે કૂદકા મારતો આગળ જતો રહ્યો.
આદમનું અડપલું
એઆઈની નવી ટેકનોલોજીની દિલ્હી સમીટને લાગુ પડતી જૂની કહેવતઃ કરવા ગયા કંસાર ને થઈ ગઈ થૂલી!


