પુસ્તક મેળામાં પુસ્તકોને પ્રશંસાનો આફરો ચઢ્યો

- અગડમ્ બગડમ્-બાબા આદમ
- કવિતાને ચોરાઈ જવાની બીક, નેતાની જીવનકથાએ રોફ જમાવ્યો
પુસ્તક મેળામાં રાતે પ્રકાશકો, વિતરકો, લેખકો, ખુરશી-મંડપવાળાઓ, ઈન્ફ્લુએન્સરો અને વાચકો પણ વિદાય થઈ ગયા અને સિક્યુરિટીવાળા ઠંડી હવાની લ્હેરખીએ ઝોકે ચઢી ગયા બાદ પુસ્તકો વચ્ચે ઘૂસપૂસ ચાલુ થઈ.
કવિતા: ઓહ, આ સિક્યુરિટી તો ઊંઘે છે. આમાં આપણી સલામતીનું શું?
નવલકથા: એય ચાંપલી, હવે બેસને છાનીમાની. કવિતાની ચોરી ફેસબુકમાં થાય ને સાહિત્યિક મેગેઝિનોમાં થાય. અહીં પુસ્તકમેળામાંથી તને કોઈ નહીં ઉઠાવી જાય.
પ્રવાસવર્ણન : હા, ભાઈ, હા. જેને પસ્તીના પૈસામાં રસ હશે તે તારા જેવી દળદાર નવલકથાનાં થોથાંને જ ઉઠાવી જશે.
ચિંતનાત્મક નિબંધ: બે યાર, કોણ કટકટક કરે છે? અહીં મને આફરો ચઢ્યો છે, ઊંઘવા દો જરીક.
ઇતિહાસ: શેનો આફરો? આટલો આફરો તો તારા વિમોચન વખતે છ-છ કપ આઈસક્રીમ ઝાપટી ગયેલાઓને પણ નહોતો ચઢ્યો.
ચિંતનાત્મક નિબંધ: ડિયર, આ તો મને પ્રશંસાનો આફરો ચઢ્યો છે. જોયું નહીં તે આજે આખો દિવસ? મોટાભાગના ફંકશનોમાં લેખકોએ મારાં જ ઝાઝાં બધાં વખાણ કર્યાં.
ઈતિહાસ: ડફોળ, એ તો આ બધા મોટિવેશનલ ચિંતનાત્મક સાહિત્યકારો તો પોઝિટિવિટીના ઓવરડોઝથી પીડાતા હોય છે. એ લોકો કાયમ એકબીજાની પ્રશંસા કર્યા કરે ને એક રીતે એકમેકના પુસ્તક વેચાણનું પ્રમોશન કર્યા કરે. એમણે સાબિત કર્યું છે કે પ્રશંસા એ જ અસલી મોટિવેશન છે.
નેતાની જીવનકથા: હા... હા...તમને બધાને આમ પ્રશંસા માટે તૂટી મરતા જોઈને મને દયા આવે છે. મારા વિમોચન વખતે જોયું'તુંને, આખું ઓડિટોરિયમ હકડેઠઠ્ઠ હતુ ંને મારાં જે કાંઈ વખાણ થયાં છે! મારો તો વટ પડી ગયો.
નવલકથા : ઓ ભોટ ભાઈ, એ વખાણ એટલે ન હતાં થયાં કે તને બહુ સારી રીતે લખવામાં આવ્યું છે. એ તો જે નેતાની જીવની છે એમની પાર્ટીની મહેરબાની ઈચ્છતા લેખકોએ જરા વધારે પડતી ભાટાઈ કરી નાખી. બાકી જો આ પુસ્તકમેળામાં કોઈ તારી સાથે સેલ્ફી પડાવવા માટે પણ નવરું છે? તું વાંચવા માટે નહીં, પરંતુ પાર્ટીને સારું લગાડવા માટે જેમને ત્યાં પરાણે પધરાવાશે તેમનો શો કેસ સજાવવા માટે જ લખાયું છો.
સંશોધન ગ્રંથ : આ સેલ્ફી પરથી યાદ આવ્યું. ભવિષ્યમાં કદાચ 'પુસ્તક મેળામાં સેલ્ફી પોઈન્ટ એક અધ્યન' કે કયા જોનરના પુસ્તકો સાથે કે પછી કયા ટાઈમે સેલ્ફીઓ મહત્તમ લેવામાં આવે છે તેનાં સંશોધનનાં પણ પુસ્તકો કદાચ મૂકાશે. સેલ્ફી લેવાની કળા, સેલ્ફી પોસ્ટ કરવાની કળા અને આવી સેલ્ફીઓ પર સોશિયલ મીડિયામાં વખાણોની કોમેન્ટ કરવાની કળા વિશેના પુસ્તકો પણ ભવિષ્યમાં આવશે.
હાસ્યલેખ:બસકર પગલે...રુલાયેલા ક્યા...
આ સાંભળીને બધાં પુસ્તકોએ 'શોલે'ની ગબ્બર ટોળી જેવું સામૂહિક અટ્ટહાસ્ય કર્યું.
આદમનું અડપલું
'ડિસ્કાઉન્ટ' શબ્દની શોધ જ પુસ્તકોને પ્રોત્સાહન માટે થઈ છે.

