Get The App

સરકારમાં આવ્યા નવા લવ મેરેજ મિનિસ્ટર

Updated: Dec 20th, 2025

GS TEAM

Google News
Google News
સરકારમાં આવ્યા નવા લવ મેરેજ મિનિસ્ટર 1 - image

- અગડમ્ બગડમ્-બાબા આદમ  

- સમાચારો આવ્યા, 2026 પ્રેમલગ્નો સરકારી ફાઈલોમાં અટવાયાં: પ્રેમ લગ્નને મંજૂરી માટે લાંચની માગણી 

સરકારે લવ મેરેજને મંજૂરી ફરજિયાત કરતો કાયદો બનાવી દીધો અને તેના જડબેસલાક અમલ માટે એક ખાસ લવ મેરેજ મિનિસ્ટરની નિમણૂક કરી દીધી. નવા મિનિસ્ટર હજુ તો તેમની નવી ખુરશીના પ્રેમમાં પડયા ન પડયા ત્યાં તેમની પાસે અધિકારીઓ  માર્ગ દર્શન માટે આવવા લાગ્યા. 

એક અધિકારી કહે, 'સર, આપણે પ્રેમ લગ્નને મંજૂરી માટે ખરેખર  પ્રેમ છે કે નહીં એ કેવી રીતે નક્કી કરવાનું છે? ગિફ્ટની વેલ્યૂ પરથી કે ગિફ્ટ આર્ટિકલની સંખ્યા પરથી? હોટલના બિલની રકમ પરથી કે પછી લોંગ ડ્રાઈવના કિલોમીટર પરથી? વ્હોટ્સએપ ચેટિંગનાં વોલ્યુમ પરથી કે ઈન્સ્ટા પર એકબીજાંને કેટલાં દિલડાં મોકલ્યાં છે તેના પરથી?' 

મિનિસ્ટર માથું ખંજવાળવા લાગ્યા ત્યાં  બીજા અધિકારી પૂછવા આવ્યા, 'સર, લોહીથી લખાયેલી એક અરજી મળી છે. એમાં લખ્યું છે કે અમારી લવ મેરેજની અરજી ઝટ મંજૂર કરો, નહીં તો આ વસંતપંચમીએ મારાવાળીને એના ઘરવાળા બીજે પરણાવી દેશે તો હું તમારી ઓફિસે આવીને આત્મવિલોપન કરીશ... તો આ અરજીને ટોપ પ્રાયોરિટીમાં નાખી દઈએ?'

આ સવાલનો હજુ તો જવાબ નક્કી થાય તે પહેલાં ત્રીજી પૃચ્છા આવી. 'સર ,આ એક અરજીમાં કન્યાનાં માતા-પિતાનું સંમતિપત્રક બિડયું છે પણ મુરતિયાનાં માતા-પિતાની સંમતિ નથી. તો આવા કેસમાં શું કરવું?'

ચોથા  અધિકારી વધુ મોટી સમસ્યા લઈને આવ્યા. 'સર, મારા  ટેબલ પર લવમેરેજને મંજૂરીની ૮૫ અરજીઓ આવી છે. એમાંથી ૧૨માં ધારાસભ્યની , આઠમાં સંસદસભ્યની ૨૦માં પાર્ટી કાર્યકરોની  અને  બે અરજીમાં તો સરકારના મંત્રીની પણ ભલામણ છે. તો આપણે લવ મેરેજમાં પણ વીવીઆઈપી ક્વોટા ચાલુ કરવાનો છે?'

પાંચમાં  અધિકારીનો પ્રોબ્લેમ જ અલગ હતો. 'સર, મારે ત્યાં અરજી લખવા ને સાથેના દસ્તાવેજો જોડવા ને બીજી બધી કાગળિયા કાર્યવાહી કરવા માટે બે કપલ કલાકો સુધી જોડે ને જોડે હતાં. તેમાં એ લોકોને ક્રોસ કનેક્શન થઈ ગયું. એમને થયું કે આપણાવાળા કરતાં તો સામેવાળું પાત્ર આપણા માટે વધારે અનુકૂળ છે. તો હવે  મૂળ અરજદાર છોકરાઆએે અરસપરસ છોકરી બદલાવવા ત્રીજી અરજી કરી છે, તો આપણે શું કરવું?'

મંત્રીશ્રીએ જવાબો આપવામાં એક અઠવાડિયાની મુદ્દત ટાળી ત્યાં તો રાજ્યમાં ઠેર  ઠેર પ્રેમ લગ્નની અરજીઓનો ભરાવો  થઈ ગયો. સમાચારો આવવા લાગ્યા કે, 'સરકારી ફાઈલોમાં ૨૦૨૬ પ્રેમ લગ્નો અટવાયાં', 'નિયમો ચાતરીને અડધી રાતે પ્રેમ લગ્નની ફાઈલ મંજૂર કરતાં હેડ કલાર્ક અને વચેટિયો લાંચ લેતાં ઝડપાયા,' 'પ્રેમલગ્નની અરજી કરનારાં ૭૦ કપલનો ડેટા સરકારી કચેરીમાંથી લીક','સરકારી તંત્રના છબરડાથી વર-કન્યાને બદલે વેવાઈ-વેવાણનાં લગ્નને   મંજૂૂરી અપાઈ ગઈ...'

છેવટે મંત્રીએ 'યહ ઈશ્ક નહીં આસાન...' એવી જાહેરાત કરીને ખુરશીને છૂટાછેડા આપી દીધા.