Get The App

ગેસનો કકળાટ કાઢવા નવી સ્કિમ: વન નેશન, વન કિચન

Updated: Mar 19th, 2026

GS TEAM

Google News
Google News
ગેસનો કકળાટ કાઢવા નવી સ્કિમ: વન નેશન, વન કિચન 1 - image

- અગડમ્ બગડમ્-બાબા આદમ

- 'હર હર છાણાં, ઘર ઘર છાણાં'નું જોખમ લેવાય તેમ નથી, પબ્લિક કાર્યકરોના માથે જ છાણાં થાપશે

પાર્ટીએ કાર્યકરોની મીટિંગ બોલાવી. 'ગેસની આમ તો કોઈ બબાલ જ નથી, પરંતુ તેમ છતાં વિપક્ષો ગેસની તંગી બાબતે ખોટું ચિત્ર ઊભું કરી પ્રજાને ભડકાવવા  પ્રયાસો કરી રહ્યા છે, તેની સામે વળતા પ્રહારના આઇડિયા આપો.'

કાર્યકર ૧ :  'હર  હર છાણાં, ઘર ઘર છાણાં' ટાઇપનું કેમ્પેઈન શરુ  કરીએ? પાર્ટી  કાર્યકરો ઘરે ઘરે છાણાં આપવા  જશે. 

કાર્યકર ૨ : રહેવા દે. આપણી પબ્લિક તો ગાંડી છે. બીજા પાંચ પ્રશ્નો યાદ કરાવીને આપણા માથે જ છાણાં થાપશે. 

કાર્યકર ૩ : ટેકનિકલ મુદ્દો એ છે કે આપણે ગોચરની  બધી જગ્યાઓ તો બિલ્ડરોને અને બીજા પ્રોજેક્ટ્સ માટે આપી દીધી છે. એટલે હવે ગાયો શોધી મળે  તેમ નથી. તો છાણાં લેવાં ક્યાં જવું? 

કાર્યકર ૪:  એલા,  તમને લોકોને આપણી મ્યુનિસિપાલિટીઓ પર ભરોસો નથી? શહેરના દરેક રસ્તા પર ગાયો મોજુદ રાખવામાં આપણી મ્યુનિસિપાલિટીઓની માસ્ટરી છે. 

કાર્યકર ૫ : છાણાંનું પડતું મૂકો. એના  કરતાં પબ્લિકને કોલસા આપીએ. 

કાર્યકર ૬: કોને કોલસાની દલાલીમાં  હાથ કાળા કરવા  છે? 

કાર્યકર ૭: ગેસ કે છાણ કે કોલસાનો કકળાટ કાઢવા મારી  પાસે એક જોરદાર આઇડિયા છે. વિશ્વની ત્રીજા નંબરની ઈકોનોમી બનવાના આરે ઊભેલા દેશમાં અત્યારે ૮૦ કરોડ લોકોને ફ્રી અનાજ અપાય જ છે, તો આપણે એક  સ્ટેપ આગળ વધીએ. લોકોને ફ્રી અનાજ આપવાને બદલે ફ્રી ભોજન જ પૂરું પાડવાની યોજના લાવીએ. નામ આપીશું, 'વન નેશન, વન કિચન' યોજના. આખા ગામ વચ્ચે એક જ રસોડું. પછી કોઈને ઘરે રાંધવાની જરુર જ નહિ રહે. કાર્યકરો ઘરે ઘરે ફૂડ પાર્સલ વહેંચવા જઈ શકશે. રોજેરોજ આ કિચનમાં શું રાંધવું તેનો આપણે સોશિયલ મીડિયા પર પોલ કરાવશું. પબ્લિક નવરી બેઠી યુદ્ધના સમાચારો જોયા કરે તેને બદલે આજે ખીચડી રાખો અને કાલે થેપલાં શાક, બુધવારે મગ-ભાત રાખજો અને શનિવારે પકોડાં એવા આઇડિયા આપ્યા કરશે. 

કાર્યકર ૮:  બેસ્ટ આઇડિયા! તો અત્યારે અહીં જ નક્કી કરી નાખો. વિરાટ રસોડું  બાંધવાનો કોન્ટ્રાક્ટ  મારે રાખવો છે. 

કાર્યકર ૯: :  શાકમાં દૂધી, બટેટાનો સપ્લાય મને સોંપજો. ભીંડા -ડુંગળીનો કોન્ટ્રાક્ટ કોઈ બીજાને આપો.  

કાર્યકર ૧૦: બીજું બધું તો ઠીક છે પણ રસોઈનાં વાસણો ઘસવાનો પાવડર તો હુું જ સપ્લાય કરીશ.

પછી તો  શાક, દરેક મસાલા, દરેક  જાતના અનાજના  કોન્ટ્રાક્ટ મમાટે અંદરોઅંદર બોલાચાલી શરુ થઈ ગઈ. ત્યાં એક કાર્યકરે બૂમ પાડી, 'બીજું બધું તો બરાબર, પણ આ એક જ વિશાળ કિચન માટે એટલો બધો  ગેસકે છાણાં કે લાકડાંની વ્યવસ્થા કોણ કરશે?' 

મીટિંગમાં કમર્શિઅલ ગેસ સિલિન્ડરનાં ગોડાઉન જેવો સોંપો પડી ગયો

આદમનું અડપલું

જૂની કહેવત: સંઘર્યો સાપ પણ કામનો

નવી  કહેવત: સંઘર્યો કેરોસીન સ્ટવ પણ કામનો