Get The App

કૂ કૂતરાનો ક, ખ ખસીકરણનો ખ, ડ ડાઘિયાનો ડ

Updated: Feb 19th, 2026

GS TEAM

Google News
Google News
કૂ કૂતરાનો ક, ખ ખસીકરણનો ખ, ડ ડાઘિયાનો ડ 1 - image

- અગડમ્ બગડમ્-બાબા આદમ

- સરકારી સ્કૂલોના સાહેબોને કૂતરાં ગણવાનું નવું લેસન 

સરકારમાંથી આદેશ આવ્યો કે સરકારી સ્કૂલોના સાહેબોને કૂતરાં ગણવા મોકલવાના છે. આદેશ જારી થયા બાદ  સરકારી શિક્ષકોની ક્ષમતા વિશે હંમેશા શંકામાં રહેતા એક શિક્ષણ અધિકારીને સવાલ થયોે, 'આપણા શિક્ષકો કૂતરાં બરાબર ગણશે તો ખરા ને? કૂતરાં ભેગાં બિલાડાં કે બકરાં પણ ક્યાંક ગણી ન નાખે'. 

જોકે બીજા અધિકારી કહે, 'એમ તો આપણા શિક્ષકો મેલેરિયાના કેસો ગણવામાં, વસતી ગણતરીમાં, ચૂંટણીમાં મતદારોના ફોર્મ ભરાવવામાં, પાકને નુકસાનીનો સર્વે કરવામાં, સરકારી સમારંભોમાં બાળકોને લઈ જઈને કલાકોના કલાકો સુધી ભૂખ્યાં તરસ્યાં  શાંત બેસાડી રાખવામાં એમ બધાં કામોમાં પણ હોંશિયાર છે, બાકી ભણાવવા-બણાવવામાં પણ ઠીક જ હશે એમ આપણે ધારી લઈએ. તો કૂતરાં ગણવામાં પણ ખાસ વાંધો નહિ આવે.'

તો પણ પેલા અધિકારીને બહુ સંતોષ ન થયો એટલે તેમણે જાહેર કર્યું કે સરકારી શિક્ષકો માટે જેમ જાતભાતની ટ્રેનિંગ યોજાય છે તેમ કૂતરાં ગણવાની પણ ટ્રેનિંગ આપવામાં આવશે. 

અધિકારીશ્રીના આદેશથી તાબડતોડ શિક્ષકો માટે ટ્રેનિંગ કેમ્પ યોજાયો. 

ભૂતકાળમાં સરકારના આદેશોથી  વિદ્યાર્થીઓ સિવાયની જાત ભાતની ગણતરીઓ કરીને એક્સપર્ટ થઈ ગયેલા એક અનુભવી  રિસોર્સ પર્સને ટ્રેનિંગ શરુ કરી . 

'જુઓ, આપણે બારાખડી સિસ્ટમથી કૂતરાં ગણતાં શીખશું. આ નવી બારાખડીમાં ક કૂતરાં  નો ક, ખ ખસીકરણનો ખ, ગલુડિયાંનો ગ રહેશે.' 

એક શિક્ષક હેબતાઈ ગયા. 'હેં?  કથી જ્ઞા સુધીની આખી બારાખડી કૂતરાંઓને સમર્પિત કરવાની છે?'

રિસોર્સ પર્સન કહે, 'તમે બારાખડીની ક્યાં ચિંતા કરો છો? અત્યારે તો આખેઆખું શિક્ષણ કૂતરાંઓને સમર્પિત થઈ ગયું છે. ચાલો, સૌ પોતપોતાની રીતે નવી બારાખડી રચવા માંડો. ધ્યાન રાખજો. અત્યારે આપણા શિક્ષણના કેન્દ્રમાં કૂતરો છે, તો પછી આ ફક્ત નવી બારાખડીના કેન્દ્રમાં પણ કૂતરો હોય તેમાં કોઈનેય આઘાત લાગવો જોઈએ નહિ. આ વાત જાણ્યા પછી ખુદ કૂતરાઓને પણ નહિ.'

'ડ ડાઘિયાનો ઘ , મ મોતીનો મ, ટ ટોમીનો ટ, લ લાલિયાનો લ, ભ ભૂરીનો ભ...' એક ઉત્સાહી શિક્ષકે પોકાર્યું. 

પણ બીજા શિક્ષકે  વાંધો પાડયો.  'ભ ભસવાનો ભ રાખો. બ બટકાંનો બ રાખો, પ  પૂંછડીનો પ પણ રાખી શકાય.  બાકી તો આખી બારાખડી કૂતરાંઓના લાડકાં હુલામણાં નામ પર જ પતી જશે. દરેક શેરી અને દરેક સોસાયટી પોતપોતાની રીતે કૂતરાંના નામો પરથી જ આખી બારાખડી રચી શકે તેમ  છે.'

એક શિક્ષક જરા ડરતાં ડરતાં કહે , 'ર રસીનો ર અને  હ હડકવાનો હ પણ રાખો. આ તો મારું  વિનમ્ર સૂચન છે.'

પેલા રિસોર્સ પર્સન તાળી પાડતાં પાડતાં કહે, 'વાહ... બહુ સરસ...ટ્રેનિંગ જામી આપણી તો... આગળ વધો... હજુ સૂચવો.બોલો, વ વફાદારીનો વ કેવું રહેશે?'

'વફાદારી? બાપરે..મને તો આ વફાદારી શબ્દની જ બહુ બીક લાગે છે એમ કહી ડૂસકું નાખતાં એક શિક્ષક ઉભા થઈ ટ્રેનિંગ વર્ગમાંથી નાઠા. બીજા શિક્ષકોએ પણ તેમની પાછળ પાછળ ક્લાસ બન્ક કર્યો. 

આદમનું અડપલું

શિક્ષકોને બિનશૈક્ષણિક કામો સોંપવાની બાબતમાં તંત્રની પૂંછડી વાંકી ને વાંકી.