- અગડમ્ બગડમ્-બાબા આદમ
- આપણી પરિવારલક્ષી સંસ્કૃતિમાં લગ્નો પણ બે વ્યક્તિ નહિ પણ પરિવાર વચ્ચે થાય છે, તો ચૂંટણી કેમ નહિ?
વેરાવળમાં ચૂંટણી સભામાં ઉમેદવાર પત્નીઓને બદલે તેમના પતિદેવો જ મંચસ્થ થઈ ગયા એ વાસ્તવમાં નારીવાદીઓએ હરખાવા જેવા સમાચાર છે. પતિ પત્ની વતી ચૂંટણી સભામાં હાજરી આપે કે સરકારી અધિકારીઓને તતડાવી નાખે - આવો કાર્યબોજ એ જાતે વેંઢારી લે એ તો સાયુજ્યની મધુર નિશાની છે.
આ રાબડીદેવી મોડલને હવે વધુ વિસ્તારવા જેવુું છે. દેશમાં ચૂંટણી વ્યવસ્થામાં સુધારો કરી સંસદસભ્ય, વિધાનસભ્ય કે કોર્પોરેટર તરીકે ફક્ત એક વ્યક્તિ જ નહિ, પરંતુ તેના સમગ્ર પરિવારને પણ ચૂંટાયેલો જાહેર કરી દેવો જોઈએ. આમાં પરિવારની વ્યાખ્યા ફક્ત પતિ-પત્ની અને પુત્ર-પુત્રી એવી વીમા કંપની જેવી સંકુચિત રાખવાને બદલે ભાઈ-ભત્રીજા, ભાણેજ-જમાઈ ,સાઢુભાઈ-સાળી એમ વિસ્તારિત રાખવામાં આવશે તો આપણા દેશની પરિવારવાદી સંસ્કૃતિનો જયજયકાર થશે.
આપણે ત્યાં લગ્ન એ બે વ્યક્તિ નહિ, પરંતુ બે પરિવાર વચ્ચેનું જોડાણ ગણાય છે. તો પછી ચૂંટણીઓને પણ જનતા અને એક વ્યક્તિને બદલે જનતા અને તેના પરિવાર વચ્ચેનું જોડાણ બનાવી દેવામાં શું વાંધો છે? આ નિર્ણયનો ફાયદો એ થશે કે નેતાઓ તેમની પત્ની, પુત્રો, બહેનો, પુત્રવધૂઓ, દીકરીઓ, જમાઈઓ માટે ટિકિટ માગતા બંધ થઈ જશે , કારણ કે એક જ બેઠક પર નેતા જ નહિ, પરંતુ તેમનો સમગ્ર પરિવાર જ સંસદસભ્ય, ધારાસભ્ય કે કોર્પોરેટર ગણાશે. નેતાઓ અને પાર્ટીઓ બંનેને મોટી નિરાંત થઈ જશે. કેટકેટલાય નેતાઓના પરિવારો વિભાજીત થતા બચી જશે અને સંયુક્ત કુટુંબની સિસ્ટમનો ફરી મહિમા થશે. બોલો, આ સંસ્કૃતિ રક્ષાનું કેવુું મોટું કામ થશે.
આ સિસ્ટમના અનેક ફાયદા થશે. પતિ-પત્ની, ભાણેજ-જમાઈ સૌ અલગ અલગ ઉદ્ધઘાટનોમાં પહોંચી શકશે. સાળી સંસદમાં હોય અને બનેવી એ જ સમયે મતવિસ્તારમાં મીટિંગમાં હોય તેવું શક્ય બનશે. કોઈ દુર્ઘટના વખતે નેતાજીને બદલે સાઢુભાઈ જનતાના આંસુ લૂછવા દોડી જઈ શકશે. આમ જનપ્રતિનિધિઓ ચૂંટાયા પછી મળતા જ નથી એવી ફરિયાદો નાબુદ થઈ જશે.
ચૂંટણી પ્રચારમાં એક જ બેઠક માટે દેરાણી-જેઠાણી જુદી જુદી સભાઓ યોજી મત માગી શકશે. લોકોને પણ મત આપતી વખતે ચોઈસ મળશે કે આ નેતાજીમાં કાંઈ ખાસ દમ નથી, પરંતુ તેમના માસીજી આપણા મતવિસ્તારનો સો ટકા વિકાસ કરશે એમાં ના નહિ.
સૌથી મોટો ફાયદો એ કે જે-તે સાંસદ કે ધારાસભ્યશ્રી પ્રજા સમક્ષ રડતે ચહેરે એવું કહી શકશે કે પેલા પુલના કામમાં મેં નહિ, પણ મારી જ બેઠકના ધારાસભ્ય તરીકે મારા ફુવાજીએ ભ્રષ્ટાચાર કર્યો છે કે પછી તેઓ એવો ખોંખારો ખાઈ શકશે કે સાંસદની મારી બેઠક પરિવારના કુલ ૨૯ સભ્યો સંભાળે છે તેમાંથી અધધધ ૧૪ લોકો તો ખરેખર એક્ટિવ છે.
બસ,એક જ પ્રાર્થના છે. આ સિસ્ટમ લાગુ પડયા પછી કોઈ નેતા ભૂલેચૂકે પણ એવુું માની કે ઉચ્ચારી ન બેસે કે મારા માટે તો આખો દેશ મારો પરિવાર છે. જો તેઓે આવુું માની બેસશે તો દેશમાં ખરેખર સતયુગ આવી જશે.
આદમનું અડપલું
જૂની કહેવત : સગાં સૌ સ્વાર્થનાં
નવી કહેવાતઃ સગાં સૌ સીટનાં


