પડોશીને સુધારવા માટે કોઈ મંત્રજાપ હોય તો બતાવો
- અગડમ્ બગડમ્-બાબા આદમ
- પડોશીઓથી પરેશાની હોય તેનો મતલબ કે દુનિયાના 99 ટકાથી વધુ લોકોમાં તમે સામેલ છો
મૂઢમતિ શિષ્યઃ હે ગરબડ ગુરુ, હું જિંદગીમાં ડગલેને પગલે દરેક પ્રકારના પડોશીઓથી પરેશાન છું. કોઈ ઉપાય બતાવો.
ગરબડ ગુરુઃ વત્સ, આ દુનિયામાં પડોશીથી પરેશાન ન હોય તેવો માણસ મળવો દુર્લભ છે. એના માટે પાછલાં સાત જન્મોમાં ગણીને ૭૭૭ પુણ્ય કરેલાં હોવાં જોઈએ. બાકી તો પડયું પાનું નિભાવી લીધા સિવાય છૂટકો નથી. મહાન સદ્પુરુષો કહી જ ગયા છે કે તમારા પડોશીને પ્રેમ કરો.
મૂઢમતિઃ ગુરુજી, ટીનેજર હતો ત્યારે એ પણ અખતરો કરી જોયો હતો, પણ મારી પડોશણના પપ્પાએ કે મારા ઘરવાળાઓએ પણ મહાન પુરુષોની એ વાત સાંભળી જ ન હતી. એટલે બંનેએ મને વારાફરતી ફટકાર્યો.
ગરબડ ગુરુઃ બરોબર છે વત્સ, પડોશીઆથી પરેશાની હોય તો તો મતલબ કે તું દુનિયાના ૯૯.૯૯૯૯૯ ટકા લોકોમાંનો એક છો. તારે કાંઈ ખાસ ચિંતા કરવા જેવું નથી.
મૂઢમતિઃ ગુરુજી, પણ એકાદ કેસમાં તો સારો પડોશી મળે એવું હોય કે નહીં. મારે તો ક્યારેય બસમાં બાજુની સીટમાં કે ટ્રેનના કમ્પાર્ટમેન્ટમાં પણ પ્રેમમાં પડી જવાય એવા સારા પડોશી આવતા જ નથી. ટ્રાફિક સિગ્નલ પર ઊભો હોઉં તો બાજુમાં એવા પડોશી નથી આવતા કે જે પોતે બ્રેક મારીને મને આગળ જવા દે, ઉલ્ટાનું એવા પડોશી મળે છે કે મને હડસેલો મારતા જાય અને પાછા પિચકારી પણ મારતા જાય. સ્કૂલમાં પરીક્ષા આપવા બેેઠો તો એકાદ જવાબ કોપી કરવા દે તેવા પડોશી મળવાને બદલે એવા પડોશી મળ્યા કે જે પોતે કાપલી લઈેને આવ્યા હતા અને સુપરવાઈઝરે પકડયા તો મારું નામ આપી દીધું કે આણે જ કાપલી આ બાજુ ફેંકી છે. હમણાં હું હોસ્પિટલમાં દાખલ થયો હતો તો જનરલ વોર્ડમાં મારા બેડની બાજુના બેડના પડોશી દર્દી એના સગાંઓએ મારા બેડ પર અતિક્રમણ કર્યું ને મને એક ખૂણે હડસેલી પોતે બધા મારા બેડ પર બેસી મારાં ફ્રૂટ ખાઈ જતા હતા. ઓફિસમાં મારી બાજુમાં જે પડોશી કલીગ બેસે છે તે મારો સાથી કર્મચારી ઓછો અને બોસનો જાસૂસ વધારે છે.
ગરબડ ગુરુઃ તું સ્વાર્થી ન બન. એ વિચાર કે દેશને પણ પડોશીઓથી કેટલા બધા પ્રોબ્લેમ છે.
મૂઢમતિઃ ગુરુ, દેશની તો ભૂગોળ બદલી શકાય એમ નથી, પણ મને એમ લાગે છે કે મને આવા ને આવા પડોશીઓ મળતા રહેશે તો મારા શરીરની ભૂગોળ, મારું અર્થશાસ્ત્ર, મારા મગજનું મનોવિજ્ઞાાન બધું બદલાઈ જશે. ગુરુ, પડોશીઓ સારા મળે કે પડોશીઓને સારા કરી શકાય એવી કોઈ વિધિ કે મંત્રજાપ હોય તો બતાવો.
ગરબડ ગુરુઃ ડિઅર, તું થોડો મોડો પડયો છો. હમણાં જ તારા એક પડોશી મારી પાસે આવીને તને સુધારવા માટેના મંત્રજાપ લઈ ગયા છે. ઈન ફેક્ટ, એમણે એ જાપ શરુ કરી દીધા હશે એટલે જ તો તું મારી પાસે આવ્યો છો.
ઓહ...કરીને મૂઢમતિ માથે હાથ દઈને બેસી પડયો.
આદમનું અડપલું
દીવાલોને પણ કાન હોય છે એ કહેવત પંચાતિયા પડોશીઓ માટે બનેલી હશે.