- અગડમ્ બગડમ્-બાબા આદમ
- હવે ઝડપી ડિલિવરી બંધ થશે એટલે ખર્ચાની સ્પીડ પણ એટલી ઘટશે
નવરાલાલે વધામણી આપી, 'દસ મિનિટમાં ડિલિવરી બંધ થઈ ગઈ.'
ફાલતુચંદે સામો સવાલ કર્યો, 'તો હવે કેટલી મિનિટમાં ડિલિવરી થવાની છે?
૧૫ કે ૨૦?'
ફાલતુચંદની ગૂગલીથી નવરાલાલ બોલ્ડ થઈ ગયા. 'યાર, એ વાત તો સાચી. સરકારે ૧૦ મિનિટમાં ડિલિવરી બંધ કરવાનું કીધું છે પણ પછી કેટલી મિનિટમાં ડિલિવરી કરવાની છે એ તો કીધું જ નથી. અડધા કલાક, કલાક કે ચાર કલાક એવો કોઈ ફોડ પાડયો જ નથી.'
ફાલતુચંદ મૂછમાં જ હસવા માંડયા. 'લ્યા ભોળાભાઈ, આ જ તો સરકારની ચાલાકી છે. જો આપણા દેશમાં કશુંક ફટાફટ ડિલિવર થઈ જાય એ આપણા સરકારી કલ્ચરની વિરુદ્ધ છે. દેશમાં જ્યાં સરકારી ફાઈલો એક ટેબલથી બીજાં ટેબલ જવામાં વર્ષોનો પ્રવાસ ખેડતી હોય, જે દેશમાં રસ્તા પરના ખાડા પૂરાતાં છ મહિના લાગી જતા હોય, જે દેશમાં તમામ ઘરના નળમાં પીવાનું ચોખ્ખું પાણી આવતાં ૭૫થી વધુ વર્ષ લાગી જવાનાં હોય એ દેશમાં લોકોને દસ મિનિટમાં ડિલિવરીની ટેવ પાડવી જ ખોટી.'
નવરાલાલ નારાજ થઈ ગયા. 'તમે યાર, દરેક વાતમાં સરકારને જ વચ્ચમાં લાવી દો છો. આપણા મહાન લોકશાહી દેશમાં તો સરકાર બિલકુલ એ જ રીતે વર્તે છે જે રીતે પ્રજા વર્તે છે. તમે સમજો. પ્રજા એન્જિન છે અને સરકાર તો ડબ્બાની જેમ પાછળ જોતરાયેલી છે. જે સ્પીડે એન્જિન દોડે એ જ સ્પીડે ડબ્બો દોડે. ક્યારેય જોયું કે એન્જિન કલાકના ૧૮ કિમીની સ્પીડે ચાલતું હોય અને ડબ્બો કલાકના ૧૯ કિમીની સ્પીડે? આપણા દેશમાં લોકો પાનના ગલ્લે એક કલાક તો અમથા અમથા કાઢી નાખે છે, બહેનો બે કલાકના પ્રસંગ માટે કઈ સાડી પહેરવી તે નક્કી કરવામાં ત્રણ કલાક લગાડી દે છે, આપણી પબ્લિક મોલમાંથી પાંચ રૂપિયાની વસ્તુ પણ ન લાવવી હોય તો પણ ત્યાં એસીની ઠંડક ખાવામાં ત્રણ કલાક લગાડી દે છે. રિસેપ્શનના સ્ટેજ પર આવતાં પહેલાં વર-કન્યા તૈયાર થવા અને ફોટો સેશનમાં ચાર કલાક લગાડી દે છે ,પબ્લિક ઘરે બેઠાં ટીવી જોઈને ફટાફટ મગજનું દહીં કરવાને બદલેએ નેક કામ કરવા માટે થિયેટરમાં જઈને ચાર કલાક બગાડી દે છે, ને કેટલાય કલાકારો એકાદ સીનમાં પણ એક્ટિંગમાં ભલીવાર લાવવામાં આખી કરીઅર લગાડી દે છે એ દેશમાં દસ મિનિટમાં ડિલિવરી જોઈતી હતી પણ કોને? હું તો કહું છું કે આ ૧૦ મિનિટમાં ડિલિવરીની સિસ્ટમ બિલકુલ ભારતીય સંસ્કૃતિની વિરુદ્ધ હતી. આ સિસ્ટમ બંધ થઈ એટલે સમજો કે આપણી સંસ્કૃતિ બચી ગઈ.'ે
ફાલતુચંદ એકદમ નિરાંતે બગાસું ખાઈને કહે, 'મને તો આ ૧૦ મિનિટમાં ડિલિવરીની સિસ્ટમ બંધ થઈ એમાં એક જ મોટો ફાયદો દેખાય છે. હવે ઝડપી ડિલિવરી નહિ થાય તેનો મતલબ એ કે પૈસા ખર્ચાવાની સ્પીડ પણ એટલી ઘટી જશે ને?'
નવરાલાલ માથું ધુણાવતાં કહે, 'ભાઈ ભૂલી જજો. મધ્યમવર્ગના માણસની આવકની સ્પીડ ક્યારેય વધવાની નથી, પરંતુ ખર્ચાની સ્પીડ તો કોઈને કોઈ રીતે વધતી જ રહેવાની છે. એમાંથી કોઈ બચી શકવાનું નથી. મધ્યમવર્ગની આ દશા પણ એકદમ ભારતીય સંસ્કૃતિને અનુરૂપ જ છે.'
ફાલતુચંદે એકદમ ફાસ્ટમફાસ્ટ નિસાસો નાખ્યો.
આદમનું અડપલું
સરકારી ઓફિસોની ઘડિયાળમાં મિનિટ કાંટો હોતો જ નથી, સીધો કલાકનો કાંટો જ હોય છે.


