Get The App

કરકસરના આદેશોઃ ભાષણો ટૂંકાં કરાશે, હાથલારીઓમાં જ રોડ શો

Updated: May 15th, 2026

GS TEAM

Google News
Google News
કરકસરના આદેશોઃ ભાષણો ટૂંકાં કરાશે, હાથલારીઓમાં જ રોડ શો 1 - image

- અગડમ્ બગડમ્ - બાબા આદમ

- હોર્ડિંગની સાઈઝ ઘટાડવાની વાત આવતાં મારામારી 

પાર્ટીએ આદેશ કર્યો. 'ટોપ-ટુ -બોટમ લેવલના તમામ નેતાજીઓ ઓનલાઈન મીટિંગ માટે હાજર થઈ જજો. આપણે અગત્યની ચર્ચા કરવાની છે.'

આવી મીટિંગ શરુ થઈ એટલે કે એક નેતાએ પોતાનું આઈડી છૂપાવીને સવાલ કર્યો, 'તમે બધાને ભેગા થવા સૂચના આપી હતી એમાં  ટોપ અને બોટમ એટલે કયા અર્થમાં ટોપ અને બોટમ ગણવાનું છે? હોદ્દાની  રીતે? ભ્રષ્ટાચારના આરોપોની રીતે? નૈતિકતાની રીતે? કે  પછી ચૂંટણીમાં મળેલી સરસાઈની રીતે?'

બીજા નેતાજીએ પણ એવો જ સવાલ કર્યો, 'આપણી  પાર્ટીમાં કોઈ જાતનું લેવલ રહ્યું છે ખરું? બધા લેવાલ જ બેઠા છે.'

ત્રીજા નેતાએ કહ્યું, 'ભઈ, હમણાં તો પાર્ટીમાં જે લોકો જેટલા બોટમ લેવલ પર જાય તેને બધા ટોપના હોદ્દા તરત મળે એવું છે.'

પાર્ટીએ આ ટપાટપીથી કંટાળીને છેવટે નાછૂટકે ઓફલાઈન એટલે કે રુબરુ મીટિંગ જ બોલાવી લીધી. જોકે, સૂચના આપી કે કોઈ સરકારી ગાડી લઈને આવતા નહિ. કોન્ટ્રાક્ટરો કે બિઝનેસમેનોની ગાડીઓમાં આવવું હોય તો છૂટ છે. 

મીટિંગ સમયે નેતાજીઓ રુબરુ સદેહે  પ્રગટ થયા.હાઈકમાન્ડે કહ્યું, 'જુઓ ,આપણે બધાએ કરકસર કરવાની છે. બીજા બધા ખર્ચની સાથે સાથે આપણે  વાણી ખર્ચ પણ ઘટાડવાનો છે. આથી તમામ નેતાઓને આદેશ આપવામાં આવે છે કે ભાષણોમાં પણ કરકસર કરો. જ્યાં ૯૦ મિનિટના ભાષણથી પતતું  હોય ત્યાં બિનજરુરી ૯૫ મિનિટનું ભાષણ કરવું નહિ.'

 એક સિનિયર નેતાએ  વીલા મોઢે કહ્યું.  'આવો આકરો નિયમ ક્યાં લાવો છો? આપણા માટે તો ભાષણ એ જ શાસન છે. દિનરાત ભાષણો નહી ંકરીએ તો પ્રજાને ભરમાવીશું કેવી  રીતે? ભાષણ તો આપણા માટે મોટી ઢાલ છે અને ભાષણ જ આપણી તલવાર છે.'

હાઈ કમાન્ડ કહે, 'પહેલાં સૂચનાઓ સાંભળો પછી કોેમેન્ટ કરજો. જેમકે હવેથી ઉદ્ધઘાટનો કરવા કારના  કાફલા સાથે જવાને બદલે હાથમાં કાતર સાથે  ઉદ્ધઘાટન પદયાત્રા કાઢવાની રહેશે. રોડ શો પણ કાર કે મોટી ગાડીને બદલે હાથલારીમાં  કરવાનો રહેશે. આ બહાને પક્ષના દેવદુર્લભ કાર્યકરોને આપણને ધક્કા મારવાનો લ્હાવો પણ મળશે. આ ઉપરાંત જાહેર જગ્યા પર લગાડાતાં હોર્ડિંગની સંખ્યાઓ ઓછી કરવાની રહેશે અથવા તો હોર્ડિંગની સાઈઝ ઘટાડવાની રહેશે.'

આ સૂચના સાંભળી એક નેતાએ પૂછ્યું, 'અચ્છા? સાઈઝ ઘટાડવાની આવે તો અમારે  રાષ્ટ્રીય પ્રમુખથી માંડીને વોર્ડ પટાવાળા સુધીના તમામના જે ફોટા છાપવાના હોય છે તેમાંથી કોના ફોટા કાપવાના?'

ત્યાં એક બીજા નેતા ઉભા થઈને કહે, 'પાલિકાથી માંડીને પાર્લામેન્ટની ચૂંટણીઓમાં મને કાપ્યો છે. જો હવે હોર્ડિંગમાં પણ કાપ્યો તો હું નહિ સાંખી લઉં.'

બીજા નેતાએ જવાબ આપ્યો, 'તમારા ફોટા હોર્ડિંગમાં છાપીએ છીએ તો ઉલ્ટાના પાર્ટીના મત ઘટે છે.'   વાત વધી પડી અને નેતાઓ કોઈ કરકસર  કર્યા વિના છૂટા હાથની  મારામારી પર ઉતરી આવ્યા. 

પાર્ટીએ ચા-નાસ્તાનો ખર્ચ બચાવી મીટિંગ મુલતવી  કરી દીધી.

- આદમનું અડપલું

નેતાઓ ખર્ચવામાં કરકસર કદાચ કરશે, કમાવામાં તો જરીકેય નહીં કરે.