Get The App

સાંસદોની વસતી ભલે વધતી, એઆઈ તેમનું સ્થાન નહિ લઈ શકે

Updated: Apr 16th, 2026

GS TEAM

Google News
Google News
સાંસદોની વસતી ભલે વધતી, એઆઈ તેમનું સ્થાન નહિ લઈ શકે 1 - image

- અગડમ્ બગડમ્-બાબા આદમ

- દેશમાં ડોક્ટરો અને શિક્ષકોની સંખ્યા વધારવી હશે તો પહેલાં સાંસદોની સંખ્યા વધારવી પડશે

દેશમાં સંસદસભ્યોની સંખ્યા વધવાની છે એવા  સમાચાર આવતાં અખિલ ભારતીય ટિકિટ વાંચ્છુ મંડળની સ્થાનિક શાખાએ ફટાકડા ફોડયા, ઈન મિન ને તીન હોદ્દેદારોને ફૂલહાર કર્યા અને એક જ પેંડામાંથી એકબીજાને અડધોપડધો ટુકડો ખવડાવી મોઢું મીઠું કરાવ્યું.

ટિકિટવાંચ્છુ ૧ : અભિનંદન, અભિનંદન...આપણને સૌને અભિનંદન. હવે સંસદસભ્યોની  બેઠકો  વધવાની છે. તેના કારણે આપણી લોકસભાની ટિકિટ મેળવવાની કાયમની મનોકામના પૂર્ણ થવાની છે. 

ટિકિટવાંચ્છુ ૨: સાચી વાત. સાંસદોની સંખ્યા વધશે એટલે હાલના કેટલાય વિધાનસભ્યો તે બાજુ શિફ્ટ થશે, વિધાનસભ્યો વધશે એટલે કેટલાય કોર્પોરેટરો એ તરફ પ્રયાણ કરશે, કેટલાય કોર્પોરેટરોની જગ્યા ખાલી થશે તો બીજા કેટલાય નેતાઓ ગોઠવાશે. આ બધી ઉથલપાથલમાં આપણો નંબર લાગ્યો જ સમજો. ઝિંદાબાદ ઝિંદાબાદ... ટિકિટવાંચ્છુ એકતા ઝિંદાબાદ! 

ટિકિટવાંચ્છુ ૩ : દેશને આઝાદી મળ્યાનાં ૭૭  વર્ષમાં જેમ પૂરતી હોસ્પિટલો ન બની, પૂરતી સ્કૂલો ન બની, પૂરતા ડેમ અને રસ્તા  ન બન્યા તે જ રીતે પૂરતા સંસદસભ્યો પણ ન બન્યા. દેશના વિકાસમાં સંસદમાં ઓછી બેઠકો મોટામાં મોટી ઉણપ હતી તે હવે પૂર્ણ થવા જઈ રહી છે. આપણે સૌ સાથે મળીને પ્રાર્થના કરીએ કે દેશમાં સાંસદોની સંખ્યાની રીતે ઉત્તરોત્તર પ્રગતિ થતી રહે, આજે જેટલા સાંસદો  છે તેનાથી દસ ગણા આજથી  દસ વર્ષ પછી થાય, તેનાં દસ વર્ષ પછી બીજા  વીસ ગણા થાય. ટિકિટવાંચ્છુઓની ભાવિ પેઢીઓનું પણ કલ્યાણ થાય.

ટિકિટવાંચ્છુ ૨: અરે ભાઈ મારા. દેશમાં ડોક્ટરો અને શિક્ષકોની સંખ્યા વધારવા માટે પણ પહેલાં સંસદસભ્યોની બેઠકો વધારવી પડે. સંસદસભ્યો વધે તો  પ્રજાનું  એટલુું કલ્યાણ વધે. સાંસદો છે  તો દેશનો વિકાસ છે. માટે સાંસદોની સંખ્યા વધે  એ જ  સાચો વિકાસ છે. ધન ભાગ્ય ને ધન ઘડી , હવે  દેશનો વિકાસ વધતાં કોઈ નહીં રોકી શકે. પેલો ટ્રમ્પ પણ નહીં. 

ટિકિટવાંચ્છુ ૧: આ ઓલુું નવીનવાઈનું એઆઈ આવ્યું છે તેનાથી તો કહે છે કે ડોક્ટરો, શિક્ષકો અને વકીલોની જોબને પણ ખતરો છે, પરંતુ એવાં ભલભલાં સુપરડુપર હાઈફાઈ એઆઈ આવે તો પણ સંસદસભ્યોની જોબને કોઈ ખતરો આવવાનો નથી. બૂમાબૂમ કરવાની, ધમાલ મચાવવાની, કાગળિયા ફેંકવા ને મોટાભાગે તો હાએ હા કરવી અને તાળીઓ પાડવી  કે પાટલીઓ થપથપાવતા રહેવાની જોબ તો સાત જન્મારે કોઈ એઆઈ નથી કરી શકવાના. આ બધું કોઈ બુદ્ધિવાળાનું કે સુુપર ઈન્ટેલિજન્ટનું કામ જ નથી.

આ ઉલ્લાસની છોળો વચ્ચે તો ચોથો ટિકિટવાંચ્છુ જરા વીલાં મોઢે ત્યાં દાખલ થયો. પેલા ત્રણ તેને ઘેરી વળી હાર પહેરાવી મીઠાઈ ખવડાવવા  પ્રયાસ કરે તે પહેલાં તો પેલો બોલ્યો. 'અત્યારથી ઠેકડા ન મારો. આ હમણાં સીટો વધવાની છે એ તો કહે છે કે બહેનો માટે વધવાની છે. આપણો ચાન્સ કદાચ હજુય ન લાગે....'

તરત જ ઓલ ઈન્ડિયા ટિકિટવાંચ્છુ મંડળની સ્થાનિક સામાન્ય સભા બરખાસ્ત થઈ ગઈ. 

આદમનું અડપલું

જાહેર ચેતવણી : સાંસદોની સંખ્યા વધારવાની વાત છે, ગુણવત્તા નહીં!