- અગડમ્ બગડમ્-બાબા આદમ
- મતદાર તરીકે માત્ર ઓળખ દસ્તાવેજો નહીં, રાજકીય જાગૃતિની સાબિતી પણ ફરજિયાત બને તો..
ફિલ્મ 'ખલનાયક'નાં ગીતોનાં શબ્દોને જરા ચેન્જ કરીએ તો 'લાયક નહીં...ગેરલાયક હૈ તૂ...'વાળું ગીત આજકાલ ચૂંટણીપંચ વાળાના મોબાઈલોમાં વાગી રહ્યું છે, કારણ કે તેઓ મતદારોને તેમની લાયકાત સાબિત કરવાનો પડકાર ફેંકી ભલભલાના સર ઉર્ફે માથાં પકાવી દે તેવી 'સર'ની કવાયત કરવા નીકળી પડયા છે.
ભલું થજો ચૂંટણી પંચનું કે હજુ સુધી તે ગેરલાયક મતદારો વિશે જ ચિંતા કરે છે, કારણ કે આપણી મહાન લોકશાહીમાં 'ગેરલાયક નેતાઓ' એવો કોઈ શબ્દ પ્રયોગ છે જ નહીં.
ખેર, પંચ હવે ધોળા દિવસે દીવો લઈને લાયક મતદારોની લાયકાત સાબિત કરવા નીકળી પડયું છ ેત્યારે વાસ્તવમાં તો ફક્ત ઓળખ દસ્તાવેજો જ નહીં, પરંતુ રાજકીય જાગૃતિની કસોટી કરીને મતદાર કેટલો લાયક કે કેટલો ગેરલાયક એ નક્કી થવું જોઈએ. મતદારોને પૂછવાના પ્રશ્નોનું ચૂંટણી પંચને રેડીમેડ ક્વેશ્ચન પેપર જોઈતું હોય તો આ રહ્યું:
-તમારા શહેરના મેયરનું નામ, અભ્યાસ, વ્યવયસાયિક કાર્યક્ષેત્ર જણાવો.
-શહેરના કોઈપણ પાંચ કોર્પોેરેટરનાં નામ તેમણે આપેલાં પાંચ ચૂંટણી વચનો સાથે જણાવો.
-રાજ્યનાં કોઈપણ પાંચ ખાતાં ધારી લો, દાખલા તરીકે પ્રાથમિક શિક્ષણ કે કામદાર કલ્યાણ વગેરે, અને તે સંભાળતા મંત્રીઓનાં નામ આપો.
-કેન્દ્ર સરકારના જેટલા યાદ આવે તેટલાં મંત્રીઓના નામ તેમણે છેલ્લાં એક વર્ષમાં લીધેલા ચાર સારા નિર્ણયોની વિગતો સાથે આપો.
-તમારા મતવિસ્તારના ધારાસભ્યે છેલ્લા એક વર્ષમાં વિધાનસભામાં પૂછેલા દસ પ્રશ્નોની યાદી આપો.
-સંસદ સભ્ય, ધારાસભ્ય અને કોર્પોરેટરની સત્તાઓ અને કામગીરીઓ વચ્ચેનો તફાવત પાંચ લીટીમાં જણાવો.
-નેતાઓની સોશિયલ મીડિયા પોસ્ટ કે પછી શહેરના જાહેર રસ્તાઓ પર લાગતા તેમના ચહેરાઓનાં હોર્ડિંગ જોઈને તમારા મનમાં જે લાગણી જન્મે છે તે સભ્ય ભાષામાં એક વાક્યમાં જણાવો.
-તમારા વિસ્તારમાં સૌથી વધુ ભ્રષ્ટાચાર થયો હોય તેવા ત્રણ પ્રોજેક્ટનોો ઉલ્લેખ કરો.
-તમે જેને મત આપ્યો હોય એ નેતા ચૂંટણી પછી પાટલી બદલી નાખે તો પણ તમે તેને પછીની ચૂંટણીમાં મત આપ્યો હતો? જો હા તો શા માટે, અને જો ના તો શા માટે? નિખાલસ થઈને જણાવો.
-રાજ્યપાલના પદની ઉપયોગિતા વિશે ટૂંક નોંધ લખો.
-તમારા મતે એક નેતાનું આદર્શ ભાષણ કેટલું લાંબું હોવું જોઈએ? યાદ રહે, અહીં આદર્શ નેતા કે આદર્શ ભાષણની વાત નથી, પરંતુ આદર્શ સમયગાળાની વાત છે.
...અને સૌથી છેલ્લે - આ તમામ પ્રશ્નોના સાચા અને સારા જવાબ આપનાર નાગરિકને મતદાર તરીકે ગેરલાયક ઠેરવવામાં આવશે, કારણ કે આટલા બધા જાગૃત મતદારો હોય એ દેશના ૯૯.૯૯ ટકા નેતાઓનાં હિતો માટે ખતરારુપ છે. નેતાઓ અમર રહે !
આદમનું અડપલું
જૂનું ભક્તિગીત : હું તો કાગળિયા લખી લખી થાકી, કાનુડા તારા મનમાં નથી
નવી ભક્ત પ્રજાનું નવું ભક્તિગીત: હું તો કાગળિયા આપી આપી થાકી, સરકાર તને ધરવ નથી.


