સીઝફાયર પછીની ખીજ-ફાયર, દિલ જાણે કે ડીપ ફ્રાયર
- અગડમ્ બગડમ્-બાબા આદમ
યુદ્ધનો માહોલ પૂરો થયો એટલે અને એટલે જ કેટલાક કવિઓનો વીરરસ જાગી ઉઠયો. તરત જ સોશિયલ મીડિયા પર હાકોટા પડકારા થયા, ડાકલા વાગ્યા અને ભૂંગળો ફૂંકાણી, 'એ હાલો કવિ સંમેલન કરીઅ!ે' હજુ તો સીતેર પૂરા થવામાં સીતેર કલાક બાકી હતા એવા એક નવોદિત કવિ કાનમાંથી પૂમડાં કાંઢી સૌને પાનો ચઢાવતાં કહે, 'હવે યુદ્ધનો ઓછાયો દૂર થયો હોવાથી આપણે 'શૌર્ય પ્રદર્શન કવિ સંમેલન'માં શબ્દશૌર્યનો એટેક કરી જ નાખીએ.'
યુવાની અને પ્રૌઢત્વની લાઈન ઓફ કન્ટ્રોલ પર ઊભેલા એક કવિએ તો તલવારનું ઈમોજી મોકલતાં જવાબ આપ્યો, 'થઈ જાય ત્યારે શૂરા કવિ સંમેલન, અહીં શબ્દો તલવારની જેમ વિંઝાશે, લય તો લાવાની જેમ લબકારા મારશે, એક એક પ્રાસ આકાશમાંથી વરસતાં હજાર હજાર ડ્રોન જેમ ત્રાસ વર્તાવશે.'
મિલ્ક ચોકલેટનો ઘૂંટડો ભરતી એક તરુણી કવયિત્રીએ તકલાદી ચાઈનીઝ તોપગોળા જેવા બોદા અવાજે લલકાર્યું, 'ખમ્મા,મારા શબ્દ દેશના શૂરાઓને ખમ્મા, જે લલકારે વીરરસના ગાન, રાખ્યા વગર કોઈ સાયરનની તમા...'
વરિષ્ઠ નવોદિત કવિ કહે, 'વાહ, વાહ... આ તો કોઈ સ્ટેજ, ફૂલહાર, ઓડિયન્સની ગોઠવણ વગર ઓનલાઈન રૌદ્ર રસ કવિસંમેલન આપોઆપ શરુ થઈ ગયું.'
એક ઉંછાછળો યુવા કવિ વળી બોલી પડયો, ' આપણે આમેય કવિસંમેલનોમાં ઓડિયન્સની બાબતે આત્મનિર્ભર જ હોઈએ છીએને.'
યુવા કવિની આ ચબરાકીથી ઓનલાઈન સંમેલનમાં સાયરન પહેલાંની શાંતિ છવાઈ ગઈ. થોડી ક્ષણો પછી રાબેતા મુજબ યુવા-કમ-પ્રૌઢ કવિએ જ મૌન તોડીને કવિતા શરુ કરી: 'કરો મનના અંધકારને બ્લેક આઉટ... બ્લેક આઉટ... બ્લેક આઉટ... કે દિલ મારું કહે અશાંતિને ગેટ આઉટ... ગેટ આઉટ... ગેટ આઉટ...'
તરુણી કવયિત્રીએ દિલડાંના ઈમોજીની આખી પલટણ ઠાલવી દીધી. પેલા સીત્તેરે પહોંચવા આવેલા નવોદિત કવિ સત્તરના જોશે પહોંચી ગયા: 'સીઝફાયર અને પ્રેમ બંને હોય જો ઉભયપક્ષે તો અનેરી મજા છે, બાકી તો એેકલા એકલા સંતાપની સજા છે.'
આ વખતે તરુણી કવયિત્રીએ ફક્ત હાથ જોડયા એટલે વયોવૃદ્ધ નવોદિત કવિને લાગી આવ્યું. તેઓ તરત જ ઉકળી ઉઠયા: 'સીઝફાયર થયું મિસફાયર, હવે ભડકી છે ખીજ-ફાયર, દિલ જાણે કે મારું ડીપ ફ્રાયર.'
વયોવૃદ્ધ સાથે ઉછાંછળાશ્રીને પણ લાગી આવ્યું,'ફૂટી ગઈ છે તોપ, ગુમાવી છે મેં હોપ, પ્રેમના પરમાણુ ફાડી નાખશે ભોમ, જ્યારે ફૂૂટશે મારાં અરમાનોનો ન્યુક્લિયર બોમ્બ...'
ત્યાં તો આ બધાની સ્ક્રીન પર એક મેસેજ ઝળક્યો. 'હું છું અમેરિકી હેકર, ટેવ મુજબ હું આવ્યો છું બનીને યુદ્ધ-પેકર, તમારા પદનાં પોટલાં લઈને ચાલો અમારી સાથે ઓ પ્રાસ-વાદીઓ, અમારે તમારી કવિતાઓથી જ કરી નાખવા છે અધમૂૂવા પેલા ત્રાસવાદીઓ...'
જાણે રેડિયેશન લીક થયું હોય તેવાં રડતાં ઈમોજી સાથે જ તમામ કવિઓ પોતપોતાનાં ગોદડાંનાં બન્કરમાં લપાઈ ગયા.
આદમનું અડપલું
યુદ્ધ જીતવું હોય તો શૂરવીર થવું પડે/ ચૂંટણીનું યુદ્ધ જીતવું હોય તો ઊંચા અવાજે બોલનારા સૂર-વીર થવું પડે.