- અગડમ્ બગડમ્ - બાબા આદમ
- હાલના કપરા સંજોગોમાં દેશને દલીલો કરતા અભ્યાસુઓ નહીં, પણ મૂંગા મોઢે અમલ કરતા અનુયાયીઓની વધારે જરુર છે
'સમગ્ર દેશે કરકસર કરવા કમર કસી લીધી છે ત્યારે આપણે યુનિવર્સિટી તરીકે શું પ્રદાન આપી શકીએ?' સિન્ડિકેટ બેઠકમાં એક સભ્યએ યુદ્ધ મોરચા પર ઊભા હોય તેવા બુલંદ અવાજે પૂછ્યું.
આ સાંભળી બીજા એક સભ્ય આવેશમાં આવી ગયા. 'ઓલ્યા માસ્તરો...આઈ મીન પ્રોફેસરોના પગાર કાપી નાખો... રિસર્ચ ગ્રાન્ટ પર કાપ મૂકી દો... સાયન્સની લેબોરેટરીઓ અને આર્ટ્સની લાયબ્રેરીઓનાં બજેટ અડધાં કરી નાખો...'
આ સભ્યશ્રીને સમગ્ર સિન્ડિકેટે પાટલીઓ થપથપાવી તેમને વધાવી લીધા. એક-બે સભ્ય તો તેમને ભેટવા દોડી જતાં કહે, 'બ્રેવો... બસ,ખરેખર આ જ કામ છે યુનિવર્સિટી સિન્ડિકેટનું...'
અન્ય એક સભ્ય ભાવુક થઈને કહે, 'દેશનું ભાવિ વર્ગખંડોમાં ઘડાય છે, પરંતુ વર્ગખંડોનું ભાવિ સિન્ડિકેટના મીટિંગ રુમમાં ઘડાય છે એ વાત આપણે સાકાર કરીએ.'
જોકે એક યુવા સભ્ય હજુ ઘુુવડગંભીર વદને બેઠા હતા. તમામ સભ્યોનું ધ્યાન તેમની આ બિનઅપેક્ષિત ગંભીરતા તરફ દોરાતાં આ સિનિયર સભ્ય સભાન થઈ ગયા અને બોલી પડયા. 'વેસ્ટ... નર્યો વેસ્ટ.'
સભ્યો આ શબ્દો કોેને લાગુ પડે છે તે તપાસવા એકબીજાના ચહેરા નિરખવા લાગ્યા. ત્યાં પેલા યુવા સભ્યએ લલકાર્યું, 'ઉહું... ચહેરા ક્યા દેખતે હો...બિલમેં ઉતરકર દેખો ના...'
એક મહિલા સભ્ય કન્ફ્યૂઝ થઈને કહે સર, 'મૂળ ગીતમાં તો 'દિલ મેં ઉતરકર દેખો ના..' છે.
યુવા સભ્ય કહે, 'મેડમ... હું બિલની વાત કરું છું. એ બિલ જ વેસ્ટ એટલે કે વેડફાટને લગતું છે. હજુ સુધી કોઈને એ વિચાર કેમ નથી આવ્યો કે દેશને સોનું નહીં ખરીદવા જણાવાયું છે અને આપણે તો તેજસ્વી વિદ્યાર્થીઓને ઢગલા મોઢે ગોલ્ડ મેડલ આપીએ છીએ?શું આ નર્યો વેસ્ટ નથી? ગોલ્ડ મેડલોનું બિલ ચેક કરો! કેટલું સોનું વપરાય છે? શું આવો વેડફાટ પોસાય...'
'નહીંહીંહીઈઈઈઈ...' બધા સભ્યોએ સામૂહિક આતર્નાદ કર્યો.
પેલા સભ્ય ફરી જોશમાં પ્રવચન આપવા લાગ્યા. 'વાત સો ટચના સોના જેવી સાચી છે. આ તેજસ્વી વિદ્યાર્થીઓ કાં તો વિદેશ પહોંચી જાય છે અને અહીં દેશમાં ટકી જાય છે એ બુદ્ધિજીવી બની સોશિયલ મીડિયા પર દલીલો કરતા થઈ જાય છે. આવા કપરા સંજોગોમાં દેશને દલીલો કરતા અધ્યનશીલ અભ્યાસુઓની નહીં, પરંતુ મૂંગા મોઢે બધું ચૂપચાપ સ્વીકારી લે તેવા સજ્જડ અનુયાયીઓની વધારે જરુર છે. હું તો કહું છું કે ટોપર્સને ગોલ્ડ મેડલ આપવાની કુપ્રથા આ વર્ષે જ નહીં કાયમ માટે બંધ કરી દો.'
ફરી બધા સભ્યોએ પાટલીઓ થપથપાવી. એક વૃદ્ધ સભ્ય સિસકારીના વોલ્યુમથી પૂછ્યું. 'પણ મેડલો માટે દાન આપનારા દાતાઓને શું જવાબ આપશું?'
પેલા યુવા સભ્યએ લલકાર્યુું, 'ઈતની ભક્તિ હમેં દેના દાતા, મન કા વિશ્વાસ કમજોર હો ના...'
સૌએ ભક્ત સભ્યોએ આ ભજન ઝીલી લીધું.
આદમનું અડપલું
દેશને એજ્યુકેશનમાં ટોપ કરે તેવા વિદ્યાર્થીઓની નહિ, એડમિશન માટે ડોનેશનમાં ટોપ કરે તેવા વાલીઓની તાતી જરુર છે.


