Get The App

લિમિટ કરતાં વધારે ઠંડી માણનારા ઝડપાયા

Updated: Jun 14th, 2025

GS TEAM


Google News
Google News
લિમિટ કરતાં વધારે ઠંડી માણનારા ઝડપાયા 1 - image


- અગડમ્ બગડમ્-બાબા આદમ

- થોડા સમયમાં સમાચારો આવશે, પત્નીએ એસી ઓછું કરવાનો ઈનકાર કરતાં પતિ પોલીસમાં 

સરકારે જાહેર કર્યું છે કે હવેથી તમામ એસીમાં ઓછામાં ઓછું ૨૦ ડિગ્રીનું ટેમ્પરેચર સેટ કરી દેવામાં આવશે. મતલબ કે  આ લિમિટ કરતાં વધારે ઠંડી કોઈએ માણવાની જ નથી. આ સમાચાર પછી કેવી સ્થિતિ સર્જાશે તેની કલ્પના કરવા જેવી છે. 

એસી મિકેનિક મુરતિયાઓની માર્કેટ ગરમ 

નવી લગ્ન વિષયક જાહેરાતો આવશે. મુરતિયો એસી મિકેનીક છે. સરકાર તરફથી ઘરો અને ઓફિસોનાં ટેમ્પરેચર સેટ કરવાનું મોટું કામ  મળે તેમ છે. ઉંમરલાયક કન્યાઓના પિતા તત્કાળ સંપર્ક કરે. કન્યા પણ એસીનું કામ શીખવા તૈયાર હોય તો ચટ્ટ મંગની પટ્ટ બ્યાહ  માટે અમારી તૈયારી છે. 

આફતમાં અવસર

કેબ કંપનીઓવાળા જાહેરાતો કરશે. સરકારે ઘરો અને ઓફિસોમાં ટેમ્પરેચર  સેટ રાખવાની જાહેરાત કરી છે, કારોમાં નહીં. ૧૬ ડિગ્રી એસી સિવાય જેમને ઊંઘ ન આવતી હોય તેમના માટે  કાયદાકીય ગૂંચમાંથી બચવાની બેસ્ટ છટકબારી રુપે અમારી કૂલ કેબ સર્વિસ હાજર છે. રાત પડે તમારાં ઘરની બહાર કેબ આવી જશે.  ઊંઘજો   તમતમારે લ્હેરથી. 

ગેરકાયદે હોટલોનો રાફડો

બસ સ્ટેશનો, રેલવે સ્ટેશનો કે ટૂરિસ્ટ સ્પોટ પર હોટલોના દલાલો ફરતા હશે. બોસ, બે હજાર રુપિયા નાઈટમાં રુમ છે, બધી  સગવડો છે. પછી એકદમ નજીકમાં આવીને કહેશે,'કોઈને કહેતા નહીં, પણ આપણે બે-ચાર ખાનગી  રુમ પણ રાખ્યા છે, ૧૫ ડિગ્રી એસીવાળા.થોડાક એકસ્ટ્રા આપવા  પડશે પણ મસ્ત ઠંડક રહેશે. આવી જાઓ. 

નવી નવી ફરિયાદો 

લોકો પોલીસ કન્ટ્રોલ રુમને જાતજાતના ફોન કરતા હોય છે. હવે  એવા  ફોનનો પણ મારો ચાલશે. 'હેલ્લો પોલીસ, મેં ઘરનું એસી સરકારી લિમિટની મર્યાદામાં ૨૩ ડિગ્રી રાખ્યું છે પણ અત્યારે ગરમી બહુ છે તો પણ મારી પત્ની ટેમ્પરેચર ઘટાડીને ૨૧ ડિગ્રી કરવાની ના પાડે છે. એ કહે છે એસી ઓલરેડી વધારે પડતું કૂલ થઈને ૧૫  ડિગ્રી જેટલી ઈફેક્ટ આપી રહ્યું છે. તો પ્લીઝ તમે કોઈને  મારી પત્નીને સમજાવવા મોકલશો?

ઠંડી માણતાં ચાર ઝડપાયા

જોકે પોલીસનું કામ વધી જશે. કોઈ બાતમી આપશે કે શહેરના છેવાડાના વિસ્તારમાં નવી બનેલી બિલ્ડિંગમાં એક ફલેટમાં ૧૭ ડિગ્રી ટેમ્પરેચર પર એસી રાખીને  બપોરની નિંદર માણી રહ્યા છે. તરત જ પોલીસનાં ધાડેધાડાં આ બિલ્ડિંગમાં પહોંચી જશે અને બીજા દિવસે સમાચારો આવશે. કાયદેસરની લિમિટ કરતાં વધારે ઠંડી  માણતા ચાર ઝડપાયા. 

ઠંડક માટે હથેળી ગરમ 

આ આદેશો લાગુ પડયા પછી નવાં એસી તો જાણે કે એવાં જ બનશે કે જેમાં ટેમ્પરેચર ૨૦થી નીચે જાય જ નહીં, પણ અત્યારે ઓલરેડી લાગી ચૂકેલાં જૂનાં એસીનું શું ? કદાચ સરકાર એનું રિપ્રોગ્રામિંગ કરવાની ફરજ પાડશે. જોકે, આવું રિપ્રોગ્રામિંગ  થયું છે કે નહીં તે ચેક કરવા ઘરે ઘરે સ્ટાફ મોકલશે. પછી પબ્લિકે વધુ ઠંડક માણવા માટે એ સરકારી કે કોન્ટ્રાક્ટ પરના સ્ટાફની હથેળી ગરમ કરવી  પડશે, બીજું શું!

આદમનું અડપલું

ચૂંટણી પહેલાં પબ્લિકનું મગજ ગરમ કરી મતો મેળવે, ચૂંટાયા પછી પ્રજાનું દિમાગ કૂલ જ રહે તેવા કિમિયા કર્યા કરે એ સફળ નેતા ગણાય.

Tags :