નોટબંધી પાર્ટ-ટુ: ફક્ત એક રૂપિયાની નોટ રાખો

- અગડમ્ બગડમ્-બાબા આદમ
- કેશ ટ્રાન્ઝેક્શનથી માંડી છૂટા પૈસાની મગજમારી બધું બંધ થઈ જશે
ફિલ્મ નિર્માતાએ પોતાની લેખક મંડળીને આદેશ કર્યો: બધા ભેગા થાઓ. નવો પ્રોજેક્ટ છે. કાંઈક નવું કરવું છે.
એક લેખકે કહ્યું, 'તમિલ-તેલુગુ ફિલ્મોની બહુ ચોરી કરી. હવે ઉડિયા કે આસામીઝમાંથી કશુંક ચોરીએ.'
બીજો લેખક કહે, 'હું તો ઈન્ટરનેશનલ લેવલની ચોરી કરવામાં માનું છું. પબ્લિક કોરિયન ફિલ્મો તો જોઈ નાખે છે. મારો વિચાર છે કે જર્મન અથવા તો પછી શ્રીલંકન ફિલ્મમાંથી ઉઠાવીએ.'
નિર્માતા કહે, 'દોઢડાહ્યાઓ, આપણે કોઈ ફ્રેશ આઇડિયા નથી ઉઠાવવાનો. આજકાલ ફિલ્મો ને ઓટીટીમાં પાર્ટ-ટુનો વાયરો ચાલે છે એમ આપણે પાર્ટ-ટુ બનાવવાનો છે.'
ત્રીજો લેખક કહે, 'બેસ્ટ આઇડિયા. બસ ટાઈટલમાં પાર્ટ-ટુ કે સીઝન-ટુ એવો શબ્દ ઘૂસાડી દો. પછી ગમે તેવા તુક્કા મારીએ. ચાલી જ જાય.'
પ્રોડયુસર કહે, 'બરાબર છે. પ્રોજેક્ટ જ એવો છે કે નર્યા તુક્કા મારવાના છે. આપણે 'નોટબંધી-ટુ' નામની ફિલ્મ બનાવવાના છીએ.'
બીજા લેખકે વાજબી સવાલ કર્યો, 'ફિલ્મ કોમેડી રાખવી છે કે ટ્રેજેડી કે હોરર કે પછી એક્શન ડ્રામા ?'
પ્રોડયુસર હસતાં હસતાં કહે, 'એ તો જેવી જેને અસર. ઘણા માટે કોમેડી પુરવાર થશે અને ઘણા માટે ટ્રેજેડી. હવે ટાઈમ બગાડયા વગર આઇડિયા આપો.'
એક લેખક બોલવા લાગ્યો:'એવું રાખીએ કે આ વખતે નોટબંધીમાં એક રુપિયાની નોટ સિવાય બધી જ નોટો અને ચલણી સિક્કા પણ બંધ કરી દેવામાં આવે છે.
રુપિયા-રુપિયાની થપ્પીઓની હેરફેર ને સંગ્રહ તો બહુ અઘરો પડે એટલે કાળું નાણું એક ઝાટકે ગાયબ થઈ જાય છે.
એક રુપિયાથી વધારે મોટી કે નાની કોઈ બીજી નોટ જ ન હોય એટલે ૩૭૯ રૂપિયા બિલ થાય કે ૧૪૭૭, છુટા પૈસાની કોઈ મગજમારી જ રહેતી નથી. સામાન્ય શાક લેવા જવું હોય તો પણ ખોખું ભરીને રુપિયાની નોટોનાં બંડલો લઈ જવા પડે, તેથી લોકો આપોઆપ સોએ સો ટકા ડિજિટલ પેમેન્ટ તરફ વળે એટલે બજારમાંથી કેશ ઝીરો પોઈન્ટ ઝીરો ઝીરો થઈ જાય છે. ઠગો તો રુપિયા-રુપિયાની નકલી નોટો છાપી છાપીને કેેટલી નોટો છાપશે? જેટલાં કાગળ ને શાહી વપરાય એટલું તો મળતર પણ ટકાવારીમાં નહીં છૂટે.'
પ્રોડયુસર લેખકને વળગી પડયા. 'સુપરહિટ... બ્લોકબસ્ટર હિટ... ઓલટાઈમ હિટ! બકા, ફિલ્મમાં ફાઈનાન્સ મિનિસ્ટરનો પણ એક રોલ છે, એ તું જ કરજે. લે, આ એડવાન્સ પેમેન્ટ..' એમ કહી પ્રોડયુસરે ક્યાંકથી સંતાડી રાખેલી બે-બે હજારની ગુલાબી નોટોની થપ્પી કાઢી...
આ નોટો જોઈ લેખક કોઈ દિવંગત સ્વજનની યાદ આવી હોય તેમ ધુ્રસ્કે ધુ્રસ્કે રડી પડયો.
આદમનું અડપલું
મૃત્યુ વખતે સેંકડો અંજલિ આપે. પહેલી પુણ્યતિથિએ કેટલાક. ત્રીજી પુણ્યતિથિએ તો કુટુંબવાળા જ યાદ કરે ને થોડાં વર્ષો પછી તો પુણ્યતિથિ જ ભુલાવા માંડે. બસ, આવું જ ૫૦૦-૧૦૦૦ની જૂની નોટો સાથે થયું છે.

