Get The App

નકલી મ્યુનિસિપાલિટી... ખ્યાલ અચ્છા હૈ .

Updated: Jun 13th, 2026

GS TEAM

Google News
Google News
નકલી મ્યુનિસિપાલિટી... ખ્યાલ અચ્છા  હૈ                   . 1 - image

- અગડમ્ બગડમ્-બાબા આદમ

- આપણે ત્યાં નકલી મ્યુનિસિપાલિટીઓ પણ ઊભી થઈ  ગઈ, મતલબ પાયાના સ્તરે પણ નકલીનો વિકાસ!

'સર, બહુ મસ્ત આઇડિયા  મળ્યો છે. આપણે ત્યાં શહેરોના વહીવટનો બેડો પાર થઈ જાય તેમ છે,'  સેક્રેટરીએ મંત્રીશ્રીને ખુશખબર આપ્યા. 

'વાહ... ક્યાંથી મળ્યો આઇડિયા? કોઈ ફિલ્મમાંથી કે સોશિયલ મિડીયા પરથી? કે પછી વિશ્વના બીજા કોઈ દેશમાંથી?' મંત્રીશ્રીએ  ઉત્સુકતાથી પૂછ્યું. 

'સર, આપણે હવે આઇડિયાની બાબતમાં પણ આત્મનિર્ભર છીએ. ઉલ્ટાનું દુનિયાના દેશોએ આપણી પાસે આઇડિયા લેવા  આવવું પડે તેમ છે. બિલકુલ સ્વદેશી  ઘટના પરથી આઇડિયા આવ્યો છે, સર.'

મંત્રીશ્રી ખુશ થયા. 'બરાબર છે. આપણે એમ ઓછા કાંઈ વિશ્વગુરુ છીએ!'

સેક્રેટરીએ આગળ ધપાવ્યું. 'સર, સુરતમાં હમણાં એવું થયું કે એક જગ્યાએ ડિમોલિશન થયું. પછી પૂછપરછ થઈ તો મ્યુનિસિપાલિટીએ એવુું કહ્યું કે અમે ડિમોલિશન કર્યું જ નથી. મતલબ કે કોઈ નકલી મ્યુનિસિપાલિટીવાળા આવીને ડિમોલીશન કરી ગયા.'

'હેં?' મંત્રીશ્રીની આંખો પહોળી થઈ ગઈ. 'આપણે ત્યાં હવે નકલી મ્યુનિસિપાલિટીઓ પણ ઊભી થઈ ગઈ? નકલીનો આટલો બધો પાયાના સ્તરે વિકાસ? આમાંથી તમે કયો આઇડિયા વિકસાવ્યો?'

સેક્રેટરી જરા  સંકોચ સાથે કહે, 'સર, આપ તો જાણો છો કે નગરપાલિકાઓમાં પાણી, કચરો, રસ્તાના ખાડા, દબાણો એવા બધા  પ્રશ્નો બહુ હોય.'

મંત્રીશ્રીએ આ વખતે આંખો કરડી કરી. 'વ્હોટ? તમે કોઈ વિપક્ષી નેતા ભેગી ચા પી આવ્યા લાગો છો...'

સેક્રેટરી  જરા મંત્રીશ્રીને મસ્કો મારતાં કહે, 'સર, તમારા રાજમાં તો વિપક્ષના પાણી માગવાના પણ હોશ રહ્યા નથી, એ કોઈને શું ચા પીવડાવતા  હતા?'

'હા, બરાબર...' મંત્રીશ્રી  જરા પોરસાયા. ફરી પૂછ્યું, 'હવે એ કહો કે પેલો આઇડિયા શું છે?'

'હા તો સર, હું એમ કહેતો હતો કે હવે પછીથી  શહેરોમાં કોઈપણ નાની  મોટી સમસ્યા થાય તો આપણે એવું કહી દેવાનું કે આ તો બધી કોઈ નકલી મ્યુનિસિપાલિટીનો પ્રતાપ છે. નવા નક્કોર રસ્તા પર ખાડા પડી જાય તો કહીશું  કે એ તો કોઈ નકલી પાલિકાવાળા ખાડા પાડી ગયા. દબાણો હશે તો કહીશું  કે આ તો નકલી મ્યુનિસિપાલિટીવાળા દબાણો કરી ગયા છે. ક્યાંય પાણી નહિ આવતું હોય કે દૂષિત પાણી આવતું હશે તો કહીશું કે આ તો નકલી મ્યુનિસિપાલિટીની હરકત છે. ટૂંકમાં, કંઈ પણ ખોટું કે અધૂરું થાય તો આ નકલી મ્યુનિસિપાલિટી પર ઢોળી દેવાનું.'

મંત્રીશ્રી  ખુશીના માર્યા તેમની જગ્યા પરથી ઊભા થતાં થતાં અચાનક કંઈક વિચાર  સાથેં બેસી પડયા, 'તમારો આઇડિયા તો સારો છે, પણ પછી પબ્લિક આપણને એવું નહિ પૂછે કે નકલી મ્યુનિસિપાલિટીનો આટલો ઉત્પાત છે તો તમે એમની સામે પગલાં કેમ નથી લેતાં?'

સેક્રેટરી મંત્રીશ્રીની નજીક જઈને કહે, 'તમે ચિંતા ન કરો. આજકાલ પ્રજા તો અસલી સવાલો પૂછતાં જ ભૂલી ગઈ છે. સમસ્ત પ્રજા પણ નકલી મુદ્દાઓમાં જ રાચે છે.'

મંત્રીશ્રી અને તેમની સાથે   સેક્રેટરી પણ એકદમ અસલી હસી પડયા.

આદમનું અડપલું

નવા મેયર બનેલાઓને અત્યાર સુધીમાં ખબર  પડી ગઈ હશે  કે તેમની પાસે નકલી જ સત્તા છે, અસલી નહીં