- અગડમ્ બગડમ્-બાબા આદમ
- 'મૈં તેરી તૂ મેરા, તૂ મેરા મૈં તેરી' એટલે સંચાર સાથી એપ થકી સરકારે મોકલેલો મેસેજ
હમણાં હમણાં રિલીઝ થયેલી અને આજકાલમાં રિલીઝ થનારી કેટલીક ફિલ્મોનાં ટાઈટલો વિશે જરા વિગતે વિચારો તો ખ્યાલ આવે કે કેટલાંક ટાઈટલો તો જાણે હાલની પરિસ્થિતિને આબાદ લાગુ પડે છે. જેમ કે-
તેરે ઈશ્ક મેં: આ સ્ટોરી વાસ્તવમાં આપણા જગતતાત શ્રી ડોનાલ્ડ ટ્રમ્પ માટેની એકતરફી પ્રેમની છે. જુઓ, ટ્રમ્પ અંકલ આપણા પર ટેરિફ લાદ્યા કરે અને તેના કારણે આપણો રુપિયો નબળો પડયા કરે, આપણા દુશ્મનોેને પંપાળ્યા કરે, આપણા માણસોને અમેરિકામાં રહેવાનું મોંઘું અને મુશ્કેલ બનાવતા જાય તો પણ આપણે તેમના માટે એક હરફ પણ ઉચ્ચારતા નથી. આને જ કહેવાય, 'તેરે ઈશ્ક મેં'.
મસ્તી-ફોર : ઈન્ડિગો, ડીજીસીએ, સરકાર અને બીજી એરલાઈનો આ બધાએ સાથે મળીને જે આદર્યું તેને જ કહેવાય 'મસ્તી-ફોર'. ઈન્ડિગોને લાંબા સમય પહેલાં તાકીદ છતાં તેણે પાયલોટોની ભરતી કરી જ નહી. મજાની વાત એ છે કે આટલા મહિનાથીઓ ઈન્ડિગોએ પાયલોટોની ભરતી કેમ કરી નથી તે ડીજીસીએએ તેને પૂછ્યુું જ નહીં, ઈન્ડિગોની આટલી મોટી ક્રાઈસિસ થઈ તો તેની સામે પગલાં લેવાને બદલે સરકારે કાયદાનો અમલ જ મુલત્વી રાખી દીધો અને આ પરિસ્થિતિનો લાભ લઈ બીજી એરલાઈનોએ બેફામ ભાડાં પડાવ્યાં. આ જ છે અસલી 'મસ્તી-ફોર'.
૧૨૦ બહાદુર : કોઈેને કહેતા નહીં, પરંતુ હવે રુપિયાનો આ જ ટાર્ગેટ છે. એક ડોલરના ૧૦૦ રુપિયા ભાવ તો આજકાલમાં થઈ જશે. તે પછી ૧૨૦ આવતાં વાર નહીં લાગે. તેમ છતાં પણ સરકારને સવાલ પણ નહીં પૂછી શકે તેમને કહેવાશે '૧૨૦ બહાદુર'.
ટોક્સિક : દેશનાં હવા, પાણી, ખોરાક એ બધું નર્યું ટોક્સિક જ છે. છતાં પણ કમાલ છે કે આ વાતની કોઈ નોંધ લેતું નથી, કારણ કે આપણું પબ્લિક નેરેટિવ અને સોશિયલ મીડિયા પણ થઈ ગયાં છે 'ટોક્સિક'...
મૈં તેરી તૂ મેરા...: સંચાર સાથી એપ દ્વારા સરકાર નાગરિકોને આ જ તો મેસેજ આપવા માગતી હતી કે 'મૈં તેરી તૂ મેરા, તૂ મેરા મૈં તેરી'... મતલબ કે તમારા એકએક મેસેજ અને ગતિવિધિ પર અમારી નજર રહેશે.
ધુરંધર : ટ્રમ્પ જેવા ટ્રમ્પ સામે પણ કેટલાક દેશો શિંગડાં ભરાવે છે. પુતિનને ઝેલેન્સકી લલકારે છે, ઈઝરાયેલ સામે ઈરાન ટકરાય છે, પરંતુ દુનિયામાં ચીન એકમાત્ર એવો દેશ છે જેનું કોઈ નામ લેતું નથી. આર્થિક તાકાત, ટેકનોલોજી, મિલિટરી એમ બધી રીતે ચીન બધાને હંફાવે છે. ટ્રમ્પ પણ તેના પર ટેરિફ નાખવાને બદલે દોસ્તીનો હાથ લંબાવે છે. આપણે તો હવે ચીન સાથે નવેસરથી દોસ્તીનો અધ્યાય લખી રહ્યા છીએ. આને જ કહેવાય અસલી 'ધુરંધર'...
આદમનું અડપલું
જે ટાઈટલ ફિલ્મમાં વપરાયું પણ વાસ્તવમાં વ્યવહાર જગતમાં નાગરિકો માટે એ શબ્દ અસ્તિત્વમાં જ નથી..આ શબ્દ એટલે..હક્ક !


