Get The App

સાબરમતીની સફાઈમાં શોધતાં પણ નહીં મળેલી ચીજો

Updated: Jun 12th, 2025

GS TEAM


Google News
Google News
સાબરમતીની સફાઈમાં શોધતાં પણ નહીં મળેલી ચીજો 1 - image


- અગડમ્ બગડમ્-બાબા આદમ

- ભાજપવાળાએ જૂની સાદગી, કોંગ્રેસે અસલી દમામ શોધ્યો, યુનિવર્સિટીવાળા ડિગ્રીની વેલ્યુ શોધવા  બેઠા 

અઘરો અમદાવાદી મધરાત પછી નહેરુ બ્રિજ પરથી પસાર થતો હતો ત્યાં એને કોઈ સ્ત્રી જેવો અવાજ સંભળાયો, 'એલા,  ઉભો રહે.'

જોકે, અવાજ સાથે કોઈ નહીં  દેખાતાં  અઘરો ડરી ગયો. તે મુઠ્ઠીઓ વાળીને આશ્રમ રોડ તરફ ભાગ્યો. તો હવે તેની સામેની દિશામાંથી ઓળા જેવું દેખાયું. 'લ્યા, મોટાભાગના અસલી અમદાવાદીઓની જેમ તું પણ પશ્ચિમ બાજુ ભાગ્યો? પૂર્વ તરફ પણ દોટ મૂકાય ક્યારેક?'

અઘરો ધ્રૂજી ગયો.'કોણ?'

પેલા અવાજે ખડખડાટ હાસ્ય વેર્યું, 'લ્યા, મને ન ઓળખી, હું સાબરમતી નદી.'

'ભૂત... ભૂત...' અઘરાએ ચીસ પાડી.

'હા, વાસણા બેરેજ પછી કે ઈન્દિરા બ્રિજ પછીનું મારું સ્વરુપ જોઈને તને એમ જ લાગશે કે હું નદી નહીં, પરંતુ નદીનું ભૂત છું. અહીં  રિવર ફ્રન્ટ પર દેખાય  છે એ તો મારું મોહિની સ્વરુપ છે.'

'તમારે શું જોઈએ છે?' અઘરાએ થથરતાં થથરતાં પૂૂછ્યું. 

'નદી તરીકે આમ તો મારે અમદાવાદીઓ પાસેથી ઘણું જોઈતું હતું,' આ વખતે પેલા અવાજમાં ઉદાસીનો રંગ ભળ્યો પણ પછી ફરી અચાનક રણકો આવ્યો, 'ચલ જવા દે. હું તો ખુશ છું કે ઘણા સમય પછી મારી થોડીકેય સાફ સફાઈ થઈ. દાયકાઓ પહેલાં લોકો મારા ખોળે સ્નાન કરતા હતા, પણ આ વખતે તો તમે લોકોએ મને જ થોડીઘણી સ્વચ્છ કરી. હા, જોકે, મને અફસોસ છે કે કેટલાક લોકો ખાનગી રીતે અમુક ચીજો  શોધવા આવ્યા હતા એ તેમને નથી મળી.'

'હેં? શું?' અઘરાને બીક લાગવાને બદલે રસ  પડયો.

'હા, મને ખબર છે કે મારા પટના ઊંડાણમાંથી ભાજપના કેટલાક જૂના કાર્યકરો તેમની જનસંઘ વખતની સાદગી ગોતવા તો  કોંગ્રેસના જૂના કાર્યકરો તેમનો  દમામ શોધવા આવ્યા હતા, પણ  તેમને હાથ કશું ન લાગ્યું. ગુજરાત યુનિવર્સિટીના એક જૂના પ્રોફેસર ડિગ્રીની અસલ વેલ્યુ શોધવા, કેટલાક નાટકવાળા એમની અસ્સલ રંગત ગોતવા આવ્યા હતા, પણ  નિરાશ થઈ પાછા ગયા.'

ફરી પેલા અવાજમાં ઉદાસીનો રંગ ભળ્યો અને તેણે આગળ ચલાવ્યું. 'એમ તો અમદુપુરા, અસારવા બાજુના કેટલાક મિલ કામદારો જૂની જાહોજલાલીની તપાસ કરવા, એએમટીએસના એક નિવૃત્ત કન્ડકટર લાલ બસોનો ઓરિજિનલ વટ ગોતવા, આ બાજુ શેલા અને પેલી બાજુ વલાદનાં ગામોના કેટલાક લોકો તેમની જૂની ગ્રામ્ય સંસ્કૃતિના અવશેષો શોધવા, પશ્ચિમમાં શિફ્ટ થઈ ગયેલા કેટલાક વયોવૃદ્ધો, 'લાવો અમારો ખાડિયા' સ્ટાઈલનો જુસ્સો પાછો શોધીએ તેમ કહીને આવ્યા હતા, પણ તેઓ પણ એમ જ પાછા જતા  રહ્યા.'

આ સાંભળીને તો અઘરા અમદાવાદીએ પણ નિસાસો નાખ્યો. પેલો અવાજ કહે, 'તું આમ સાવ દુઃખી ન થા. એક મજાની વાત પણ છે. અમુક સાહિત્યકારો તો પરિષદ અને  અકાદમી વચ્ચેની એકતાના અવશેષો શોધવા પણ આવ્યા હતા. બોલ, ખરેખર પાગલ કહેવાય કે નહીં?'

આ સાંભળી અઘરો પણ ખડખડાટ હસી પડયો. અટ્ટહાસ્ય સાથે પેલો અવાજ પણ ગાયબ થઈ ગયો. 

આદમનું અડપલું

દરિયા નીચે નગર દટાય એ ઇતિહાસ, પણ નગરો નીચે નદીઓ દટાઈ જાય તે આધુનિકતા!

Tags :