Get The App

કડક તપાસના આદેશોની લીક થઈ ગયેલી ગાઈડલાઈન

Updated: Jul 12th, 2025

GS TEAM

Google News
Google News
કડક તપાસના આદેશોની લીક થઈ ગયેલી ગાઈડલાઈન 1 - image


- અગડમ્ બગડમ્-બાબા આદમ

- અંતે તો ઠંડુ પાણી જ રેડવાનું છે એ યાદ રહે તે માટે તપાસ દરમિયાન ગરમ પાણી જ પીતા રહેવું

અવારનવાર કડક તપાસના આદેશો અપાય છે. પરંતુ કડક તપાસ એટલે શું ?  ભરતી પરીક્ષાઓનાં પેપરની જેમ આવી કડક તપાસની એક ગાઈડલાઈન પણ લીક થઈ ગઈ છે. જુઓ-

૧. અધિકારીઓને એ સૂચિત કરવામાં આવે છે કે  એકદમ કડક તપાસ કરવાની હોવાથી  નીચે આપેલી સૂચનાઓ સોફ્ટકોપીમાં નહીં, પરંતુ હાર્ડ કોપીમાં પ્રિન્ટ કાઢીને લોખંડની ફ્રેમમાં જડીને તમારાં ટેબલ પર મૂકવાની રહેશે, જેથી તમને યાદ રહે કે તમારે આ ફ્રેમની જેમ એક મર્યાદામાં જ રહીને નાના પાયે તપાસ કરવાની છે, હદ બહાર બહુ લાંબું તાણવાનું નથી.

૨. તપાસ માટેની દરેક મીટિંગમાં એકદમ ઈસ્ત્રી ટાઈટ કપડાં પહેરીને આવવાનું રહેશે.   તપાસમાં  ભલે સળ રહી જાય, પણ તપાસ કમિટીનાં કપડાંમાં  ગરબડ ન રહેવી જોઈએ. કપડાં  એકદમ ફિટોફિટ  જ પહેરવાનાં રહેશે. તમારી જે સાઈઝ હોય તેના કરતાં એક નાની સાઈઝનાં કપડાં પહેરશો તો   તપાસ દરમિયાન જાણમાં આવેે તેવાં ગમે તેટલાં  મોટાં  બ્લન્ડરને   નાની સાઈઝમાં ફિટ કરી શકાશે.   જરૂર હોય તેમણે બેલ્ટમાં ચાર હોલ એકસ્ટ્રા કરાવીને પણ એકદમ ટાઇટમ્ટાઈટ પેન્ટ પહેરવાનું  રહેશે.  તપાસ કમિટીની મુદ્દત ભલે  વારંવાર લંબાવવી પડે, પણ મીટિંગમાં વારંવાર પેન્ટ ઉપર ચઢાવવું પડે તે ચલાવી લેવાશે નહીં.  વધુમાં એકસ્ટ્રા હોલ આપણને બચાવનાં એકસ્ટ્રા કારણોની પ્રેરણા પૂરી પાડશે. 

૩. જે અધિકારીને ચશ્માં નાકની દાંડી પર સરકી જવાનો સિવિયર પ્રોબ્લેમ હોય તેમણે નવાં ફિટિંગનાં ચશ્માં કરાવી લેવાનાં રહેશે. તપાસમાં ગમે તેટલું ઢીલું છૂટે, પણ તમારા નાક પરથી ચશ્માં ઢીલાં છૂટવાં જોઈએ નહીં.  એકદમ પારદર્શક તપાસ થઈ રહી છે તે પુરવાર કરવા પ્લેઈન ગ્લાસનાં જ ચશ્માં પહેરવાનાં રહેશે, ગોગલ્સ  બિલકુલ ચાલશે નહીં. 

૪. કડક તપાસની દરેક મીટિંગમાં ચા કે કોફી સાથે  ગ્લુકોઝનાં બિસ્કિટ નહીં, પણ એકદમ કડક ટોસ્ટ જ રાખવાનું ફરજિયાત રહેશે. સમયાંતરે આપણી તપાસ ભલે ઢીલીપોચી પડે, પણ બિસ્કિટ ચામાં બોળાઈને ઢીલું પડી જાય તે નહીં ચલાવી લેવાય.   જે અધિકારીઓના દાંત મજબૂત ન હોય તેમણે  અગાઉથી જ  કટર કે હથોડી મગાવી લેવી. ક્યારેક તપાસમાં એવી વાતો તમારી સામે આવશે કે માથે હથોડી મારવાનું મન થશે  એટલે કામ આવશે. 

૫. તપાસના અંતે આપણે ઠંડું પાણી જ રેડવાનું છે એ બરાબર યાદ રહે તે માટે તપાસ દરમિયાન  ફક્ત અને ફક્ત ગરમી પાણી જ પીવું. 

૬. મીટિંગમાં મોઢું એકદમ ઘુવડગંભીર રાખવું. તપાસમાં હળવાશ ચાલશે, પણ ચહેરા પર નહીં. 

૭.કડક તપાસની મીટિંગમાં એકદમ ટટ્ટાર થઈેને બેસવું ફરજિયાત રહેશે.  લાંબા સમયથી  સરકારમાં હોવાથી ટટ્ટાર રહેવાની આદત છૂટી  ગઈ છે એવું બહાનું ચાલશે  નહીં.  જેમને ટટ્ટાર બેસવાની પ્રેક્ટિસ ન હોય તેમણે મીટિંગમાં રિવોલ્વિંગ ચેરને બદલે બહાર બેસતા પટ્ટાવાળાઓનાં સાદાં સ્ટૂલ મગાવી લેવાં. સરકારી તંત્રમાં સૌથી ટટ્ટાર બેસવાની ટેવ  ફક્ત પટાવાળાઓને જ હોય છે.

આદમનું અડપલું

તપાસ કમિટીઓ પાછળ ગમે તેટલા ખર્ચા થાય, પરંતુ કેલેન્ડરનો ખર્ચો ક્યારે થતો નથી. કોઈપણ તપાસમાં કેલેન્ડરની જરૂર હોતી જ નથી.

Tags :