Get The App

અમારી ગેરંટી, વર-કન્યા સમયસર સ્ટેજ પર પધારશે...

Updated: Feb 12th, 2026

GS TEAM

Google News
Google News
અમારી ગેરંટી, વર-કન્યા સમયસર સ્ટેજ પર પધારશે... 1 - image

- અગડમ્ બગડમ્-બાબા આદમ

- લગ્ન સમારોહમાં હાજરી આપતાં કેટલાંક નવાં આકર્ષણોની જાહેરાતો 

અક્કરમીનો પડિયો કાણો હોય તેમ કેટલાક લોકોને ભરચક મેરેજ સીઝનમાં પણ એકેય કંકોતરી મળતી નથી. બીજી તરફ કેટલાક લોકોને ઈશ્વર આપે ત્યારે છાપરું ફાડીને આપે એમ એક જ સીઝનમાં જેટલાં મુહૂર્ત હોય તેના કરતાં વધારે કંકોતરીઓ મળતી હોય છે. આ સંજોગોમાં મહેમાનોને કયાં લગ્નમાં હાજરી આપવી અને ક્યાં નહિ તેની મીઠી મૂંઝવણ થઈ શકે છે. જોકે, યજમાન માટે પણ અમુક સંખ્યામાં અને અમુક સ્તરના મહેમાનો ની પધરામણી સ્ટેટસ સિમ્બોલ હોય છે. આ સંજોગોમાં મહત્તમ મહેમાનોને આકર્ષવા માટે કંકોતરીમાં કેટલીક લગ્નમાં હાજરી વિષયક નવી જાહેરાતો નો ટ્રેન્ડ શરુ થાય તો નવાઈ નહિ. જેમકે - 

-અમારે  ત્યાં મેનુમાં પનીરની કોઈ સબ્જી નહિ હોય. અને હા, જમણવાર શરૂ થતાં પહેલાં જાતભાતનાં સ્ટાર્ટર ચખાડી તમારું પેટ નહીં ભરી દેવામાં આવે. 

-અમારે ત્યાં લગ્નમાં જમ્યા પછી મુખવાસ કાઉન્ટર પરથી પાચન નિષ્ણાત વૈધ કે ઈએનટી નિષ્ણાતનું ફ્રી કન્સલ્ટેશનનું કૂપન લઈ જવાનું ભૂલતા નહિ. 

-અમારે ત્યાં પ્રસંગમાં ફક્ત વર-કન્યા અને એમના સંબંધીઓ જ નહિ, પરંતુ દરેક દસ મહેમાનો દીઠ એક સ્પેશિયલ ફોટોગ્રાફર ફાળવવામાં આવશે. તમે જે તમે કહેશો એ ડેકોરેશન પાસે અને એ એંગલના ફોટા પાડી દેશે. આ ઉપરાંત અમે ખાસ એઆઈ ફોટો એડિટીંગની વ્યવસ્થા પણ રાખી છે. એઆઈની મદદથી વર-કન્યા તમને પગે લાગતાં હોય, વરના કાકા કે માસી તમને લાઈવ મોહનથાળ કે સ્ટ્રોબેરી કેકનો ટુકડો ખવડાવી આગ્રહ કરતા હોય , સ્ટેજ પર ફક્ત તમે અને વર કન્યા તથા વર કન્યાના માં-બાપ સિવાય કોઈ ભીડ ન દેખાતી હોય તેવા ફોટો પણ એરેન્જ કરી આપવામાં આવશે. 

-અમારે ત્યાં લગ્નમાં ચાંલ્લો કે ભેટ પ્રથા બિલકુલ ચાલુ છે, પરંતુ સોશિયલ મીડિયા પર લાઈક અનિવાર્ય નથી. તમે  વર-કન્યાના પ્રિ-વેડિંગ ફોટોશૂટને સોશિયલ મીડિયા પર લાઈક કરો તેવી કોઈ ઉઘરાણી નહિ કરાય.

-રિસેપ્શનમાં ૭ વાગ્યે લખ્યું હશે તો વર-કન્યા ૧૦ વાગ્યે સ્ટેજ પર આવે એવું નહિ બને.  અમારે ત્યાં વર-કન્યા સમયસર સ્ટેજ પર આવી જશે તેની પાકી ગેરન્ટી!

-અમારે ત્યાં રિસેપ્શનમાં બે સ્ટેજ હશે. એક વર કન્યા માટે અને એક મહેમાનો માટે. વર-કન્યાનાં સ્ટેજ જેવું જ બેકડ્રોપનું ડેકોરેશન અને એવી જ ખુરશીઓ તમે ત્યાં તમારા ફોટા પાડી શકો એ માટે ગોઠવી આપવામાં આવશે.

-પાર્ટી પ્લોટ પરથી જ ત્રણ કલાક માટે ડિઝાઈનર સાડી, રંગીન શર્ટ તથા બ્લેઝર ભાડે મળશે, જે પહેરી તમે અમારે ત્યાં રિસેપ્શનમાં મ્હાલી શકો. બહેનો માટે ખાસ મેક અપ ટચ અપ કાઉન્ટર્સની પણ વ્યવસ્થા હશે. 

-અમારે ત્યાં ચાંલ્લામાં લકી ડ્રો છે. તેમાં તમારો નંબર લાગે તો તમે લખાવેલી રકમમાં સવા રૂપિયો ઉમેરી તમને રિટર્ન ગિફ્ટ તરીકે આપી દેશું. 

-અને છેલ્લે, તમે ઓનલાઈન ચાંલ્લો કરી આપવાના હો તો લગ્નના જમણવારનાં પાર્સલની હોમ ડિલિવરીની પણ સગવડ છે.

આદમનું અડપલું

રેસ્ટોરાં કે પિકનિક સ્પોટની જેમ હવે લગ્નો પણ ઈન્સ્ટાગ્રામેબલ જોઈએ!