- અગડમ્ બગડમ્-બાબા આદમ
- બાબાને નેતાએ કહ્યું, અમારો સત્સંગ કરો તો વધુ સારું વશીકરણ શીખવા મળશે
એક બાબાએ નેતાજીને ફોન કર્યો, 'મારા કાર્યક્રમમાં બહુ બધા લોકો ધૂણે છે, હું અજબ વશીકરણ કરું છું. હું મારા વશીકરણથી લોકોને તમને મત આપતા કરાવી શકું તેમ છું. ટૂંકમાં, હું તમારા માટે બહુ કામનો માણસ છું.'
નેતાજી હસતાં હસતાં કહે, 'એમ? તમને તમારા પરચા પર બહુ અભિમાન હોય તો અમારા દરબારમાં આવી જાઓ. તમને ખબર પડશે કે પરચા શું કહેવાય.'
બાબાજી દંગ રહી ગયા. 'બોસ, દરબાર તો અમે ભરીએ છીએ, તમે અમારું કામ છીનવી લીધું? '
નેતાજી ફરી હસતાં હસતાં કહે, 'અસલના વખતમાં રાજાઓ દરબાર ભરતા હતા. હવે લોકશાહી છે અને અમે નવા રાજાઓ છીએ એટલે અમે દરબાર ભરીએ છીએ. જોકે, અમારો દરબાર દિવાને આમ નહી, પણ દિવાને ખાસ જ હોય છે.'
બાબાજી ગૂંચવાયા. 'એટલે? આવું અઘરું અઘરું બોલો એમાં મને ખબર ન પડે.'
નેતાજી કહે, 'અરે ભલા માણસ, દિવાને ખાસ એટલે વીઆઈપીઓ, વીવીઆઈપીઓ. લોકશાહીમાં અમારા દરબાર ફક્ત વીવીઆઈપી માટે જ હોય છે.'
બાબાને ખ્યાલ આવ્યો કે નેતા પોતાને વીવીઆઈપી તરીકે સન્માન આપી રહ્યા છે. આથી તેઓ તમામ પ્રકારના સત્સંગ રદ કરી નેતાઓનો સંગ કરવા પહોંચ્યાં. ત્યાં જઈને જોયું તો તેમના જેવા અડધો ડઝન બાબા પહેલેથી મોજૂદ હતા. બાબાજી દંગ રહી ગયા. નેતાજી તેમને આવકારતાં કહે, 'બિરાજો. તમારા જેમ આ બધા બાબા પણ ભક્તોને ભરમાવવા તથા વશીકરણની ટ્રેનિંગ લેવા અમારી પાસે આવ્યા છે.'
બાબાનું મગજ બહેર મારી ગયું. 'ભક્તો? અમારા ભક્તોને તમે ભરમાવશો.'
નેતાજી તેમને ધબ્બો મારતાં કહે, 'અરે બાબાજી, તમે બહુ ભોળા છો. ભકતો ધરાવવાની બાબતમાં અમે આત્મનિર્ભર છીએ. અમને તમારા ભક્તોની જરુર નથી. હવેના આધુનિક જમાનામાં ં તમારા જેવા બાબાઓ કરતાં અમારા જેવા નેતાઓના ભક્તો અનેકગણી સંખ્યામાં છે. અમે તેમને વર્ષોથી દર ચૂંટણીએ ભરમાવીએ છીએ. એવું ગજબનું વશીકરણ કરીએ છીએ કે અમારી ભૂલો પણ તેમને સિદ્ધિઓ સમાન ભાસે છે. લોકશાહીમાં મતદારો સિંહ હોય છે, પરંતુ અમે વશીકરણ કરી તેને ઘેટાં સમાન બનાવી દીધા છે. અમારો કાન પકડનારા તેમને દેશદ્રોહીઓ લાગે છે. ફલાયઓવરો તૂટે, દૂષિત પાણીથી માણસો મરે, જાહેર પરીક્ષાઓનાં પેપર ફૂટે તો પણ ભક્ત પ્રજાને અમારો કોઈ દોષ દેખાતો નથી. એક જમાનામાં લોકો મોંઘવારીની વિરુદ્ધમાં ધૂણતા હતા. પરંતુ, અમારા વશીકરણનો ચમત્કાર જુઓ કે હવે આટલી મોંઘવારી વધી રહી છે તો લોકો મોંઘવારીની તરફેણમાં પણ ધૂણી રહ્યા છે.'
આ સાંભળી ખુદ બાબા જ નેતાજીના દરબારમાં ધૂણવા લાગ્યા.
આદમનું અડપલું
બાબાઓના ભક્તોને હોય અંધશ્રદ્ધા, નેતાઓના ભક્તોને હોય મગજબંધશ્રદ્ધા!


