Get The App

વિઝનરી વચન: 150 વર્ષ પછીની ઘટના માટે સત્ર યોજાશે

Updated: Dec 11th, 2025

GS TEAM

Google News
Google News
વિઝનરી વચન: 150 વર્ષ પછીની ઘટના માટે સત્ર યોજાશે 1 - image

- અગડમ્ બગડમ્-બાબા આદમ

- બહુ પાછા જવામાં જોખમ છે, લોકોને ચન્દ્રગુપ્ત વખતનો સુવર્ણકાળ યાદ આવી જશે 

સંસદમાં 'વંદેમાતરમ' વિશે ખાસ સત્ર નેતાઓએ એકબીજાને અભિનંદન આપ્યા. 

નેતા ૧ : આજે આપણે  પુરવાર કર્યું છે કે ૧૫૦ દિવસ પહેલાંની તો ઠીક, પણ ૧૫૦ વર્ષ જૂની બાબત વિશે  પણ આપણે  સંસદ ગજવી શકીએ છીએ.

નેતા ૨ : હા, બાકી ૧૫૦ દિવસ કે ૧૫૦ મહિના પાછળ વિચારવામાં બહુ જોખમ છે.  ક્યાંક એ દિવસે મોંઘવારી કે કોઈ મોટી હોનારત કે ભ્રષ્ટાચાર બહાર આવ્યાનું  જોખમ રહે.

નેતા ૩ : અરે ભાઈ, ૧૫૦ કલાક પહેલાં રુપિયો ડોલર સામે કયાં લેવલે હતો એ બધી ચર્ચા ટાળવી છે એટલે તો ૧૫૦ વર્ષ પાછળ જઈએ છીએ. 

નેતા ૪ : હા, ૭૫-૧૫૦-૨૦૦ વર્ષ જૂના ભૂતકાળ વિશે ચર્ચાઓ કરવી સારી. એકદમ સેફ. ઇતિહાસ તો બધો  વ્હોટસએપ પર ઉપલબ્ધ જ છે. 

નેતા ૫ : જો જો હો પાછા, ૫૦૦ વર્ષ કે એક હજાર વર્ષ પાછળ ન જતા રહેતા. લોકોને અસલના  પ્રજાવત્સલ રાજાઓનું રાજ કે  ચન્દ્રગુપ્ત વખતનો સુવર્ણકાળ યાદ આવી જાય તો એમાં આપણા માટે જ જોખમ છે. 

નેતા ૬ : મને એક વિચાર આવ્યો. હવે આપણે પાછળ જવાને બદલે આગળ જઈએ તો...

નેતા ૧ : અરરર...તમારી ટિકિટ કપાઈ જશે હો! આગળ વધવાની વાતો પક્ષદ્રોહ અને દેશદ્રોહ ગણાશે...

નેતા ૬ : અરે બોસ, મારી વાત તો સાંભળો. હું તો કહું છું કે આપણે હવે  ચૂંટણીના પ્રચારમાં વિઝન ડોક્યુમેન્ટ રજૂ કરીએ. તેમાં આપણે વચન આપીશું કે અમે આજથી ૧૫૦ વર્ષ પછીની સંભવિત ઘટનાઓ અંગે પણ સંસદનું ખાસ સત્ર અત્યારથી  બોલાવીશું. જનતાને પણ ખ્યાલ આવશે કે આપણા નેતાઓ કેવા વિઝનરી છે કે ૧૫૦ વર્ષ પછીની બાબતોની અત્યારે ચર્ચા કરે છે. 

નેતા ૨: ૧૫૦ વર્ષ પછીની ઘટનાઓ? આ તો ઈઝી છે. ભાષણથી માંડીને શાસનમાં તુક્કાઓ દોડાવવાનો આપણને અનુભવ છે. આમાં પણ તુક્કાબાજી જ કરવાની છેને. 

નેતા ૩:  મને લાગે છે કે આપણે અત્યારના નહીં તો ૧૫૦ વર્ષ પછીના એક્યુઆઈની ચર્ચા તો કરી જ શકીએને? 

નેતા ૪:  માય ડિયર, આપણે એક્યુઆઈની ચર્ચા કરશું પણ મંગળ ગ્રહ પરના એક્યુઆઈની. આગામી ૧૫૦ વર્ષમાં તો આપણી  પબ્લિકે ત્યાં વસી જઈને ત્યાંનો પણ એક્યુઆઈ બગાડી નાખ્યો હશે. 

નેતા ૫ : એવું કરીએ. ૧૫૦ વર્ષ પછી એલિયનોના પ્રભાવને કારણે આપણી સ્વદેશી સંસ્કૃતિ કેવી ખતરામાં આવી જશે તેના પર ચર્ચા કરવા સત્ર બોલાવીએ. 

નેતા ૩ : આ બેસ્ટ. પબ્લિકને કોઈપણ જાતનો ખતરો બતાવીએ એટલે આપણે સેફ.

નેતા ૧ : જવા દો, યાર. એલિયન પરથી પબ્લિકને અવકાશયાન યાદ આવશે. તેના પરથી વિમાનો યાદ આવશે. તેના પરથી પાછી હમણાની ફલાઈટ ક્રાઇસિસ યાદ આવશે...

નેતા ૨ : લ્યા જવા દો... ભૂતકાળ તરફ પાછા વળો. બીજું કાંઈક ૫૦-૭૫ વર્ષ પહેલાંનું શોધી કાઢો. 

આદમનું અડપલું

જૂનું સૂત્ર : વિના સહકાર નહીં ઉદ્ધાર.

નેતાઓનું નવું સૂત્ર : વિના ભૂતકાળ, નહીં ઉદ્ધાર.