Get The App

હોર્મુઝની ખાડીનું ટૂર પેકેજઃ પહેલાં 50 બુકિંગ પર ગેસ બોટલ ફ્રી

Updated: Apr 11th, 2026

GS TEAM

Google News
Google News
હોર્મુઝની ખાડીનું ટૂર પેકેજઃ પહેલાં 50 બુકિંગ પર ગેસ બોટલ ફ્રી 1 - image

- અગડમ્ બગડમ્-બાબા આદમ

- ગેસ ટેન્કર પર ક્રુઝ રાઈડઃ ઈરાનમાં ઈડલી અને ઈઝરાયેલમાં ઈદડાંનો નાસ્તો, લંચમાં લેબેનોનમાં લાપસી

એક ગેસ એજન્સીની બાજુમાં જ 'આનન ફાનન' ઈન્ટરનેશનલ ટૂર એન્ડ  ટ્રાવેલ એજન્સી શરુ થઈ.  ત્યાં બોર્ડ લાગ્યુંઃ 'હોર્મુઝની ખાડીનાં  નવાં ટૂર પેકેજ માટે તત્કાળ બુકિંગ ચાલુ છે.'

એજન્સી  બહાર  ગેસ બોટલની લાઈનમાં ઊભા રહેલા કેટલાક પૂછપરછ માટે અંદર પહોંચ્યાં. ડેસ્ક પર મિસ્ટર ફરતારામ અને મિસ ઘુમતીની જોડી હાજર હતી. 

'આ હોર્મુઝની ખાડીનું નવું પેકેજ?' એક જણે સવાલ કર્યો. 

'અફકોર્સ...' મિ. ફરતારામે ડ્રોન એટેક પહેલાં ચેતવણી આપતી સાયરન જેવી  સિસોટીનો અવાજ કાઢ્યા બાદ કહ્યું, 'જુઓ, હવે યુદ્ધવિરામ થઈ ગયો છે, પણ આ યુદ્ધમાં  હોર્મુઝની ખાડી હિટ થઈ ગઈ છે. વિચારો કે  તમે  આ ઉનાળુ વેકેશનમા હોર્મુઝની ખાડીની ટૂર કરતા હો એવા  ફોટા સોશિયલ મિડીયા પર પોસ્ટ કરશો તો તમારો કેવો  વટ પડશે.'

કોઈ બીજું કશું પૂછે તે પહેલાં   મિસ ઘુમતીએ આગળ ચલાવ્યું. 'જુઓ,  હોર્મુઝ ખાડીના ટૂર પેકેજમાં સૌથી પહેલાં તો ગેસ ટેન્કર પર જ ક્રુઝ રાઈડ સામેલ છે. ટેન્કર પર જ  ઈઝરાયેલ, અમેરિકા અને ઈરાનની મિલિટરીના ડ્રેસમાં ફોટો સેશન માટે ખાસ બૂથ હશે. ફોટા સાથે પ્રોપ  તરીકે મશીનગન, મિસાઈલ અને ડ્રોન લોન્ચર પણ આપીશું. ટૂરના ભાગ રુપે ઈઝરાયેલમાં ઈદડાં અને ઈરાનમાં ઈડલીનો નાસ્તો કરાવીશું. જમણમાં  લંચમાં લેબેનોનમાં લાપસી અને  ડિનરમાં પેલેસ્ટાઈનમાં પાપડી ચાટ હશે. આ સિવાય  ઈરાનમાં એક અલગથી વોર હેવોક ટૂર રાખીશું. તમને યુદ્ધમાં ખંડેર બની ગયેલી ઈમારતો પાસે લઈ જવાશે.  ટૂરમાં એક નાઈટ ઈઝરાયેલનાં યુદ્ધ બંકરોમાં પણ ઉતારો આપીશું.   ટૂરમાં ખાસ ઈનામી ડ્રો પણ છે, તેમાં પહેલું ઈનામ અમેરિકાની ટૂર , બીજું ઈનામ યુક્રેનની ટૂર અને ત્રીજું ઈનામ નોર્થ કોરિયાની ટૂર રાખ્યું છે. અત્યારે હોર્મુઝની આ  આખી ટૂર માથાદીઠ ફક્ત  એક લાખ   રુપિયામાં છે પણ અત્યારે બૂકિંગના ફક્ત પાંચ હજાર આપવાના છે. બાકી, અમુક ફોર્માલિટી માટે તમને એક લિંક મળે તે ડાઉનલોડ કરી તેના પર વિગતો ભરી દેજો.બુકિંગ કન્ફર્મેશન માટે ઓટીપી આવે  તે પણ આ ચોક્કસ નંબર પર આપી દેજો.'

લોકો અંદરોઅંદર ચર્ચા કરવા  લાગ્યા.  ત્યાં અચાનક  મિસ ઘુમતીએ મોટેથી જાહેરાત કરી, 'એટેન્શન પ્લીઝ....ખાસ ઓફર...આ ટૂરનાં પહેલાં ૫૦ બુકિંગ પર એક-એક ગેસ બોટલ ફ્રી છે...'

આ જાહેરાત થતાં જ  બુકિંગ માટે પડાપડી થઈ ગઈ. બધાને  તરત જ મોબાઈલ પર એક લિંક મળી. તેના પર સૌએ વિગતો પણ ભરી દીધી.

જોકે, બીજા દિવસે કોઈના ઘરે સિલિન્ડર  પહોંચ્યું જ નહીં. તેને બદલે ઓટીપીના મેસેજ આવ્યા. લોકોએ એ ઓટીપી આપેલા નંબર પર સેન્ડ કરી દીધા તો ફટાફટ બધાનાં બેન્ક ખાતાંમાંથી મોટી રકમ ઉપડી ગઈ. થોડીવારે બધાને મેસેજ મળ્યો. 'ડોન્ટ વરી,  યુદ્ધવિરામના નામે છેતરાઈ ગયેલામાં તમે એકલા નથી, તમારી જેમ ઈરાન અને અમેરિકા પણ પાકિસ્તાનના ભરોસે ઠગાઈ ગયા છે.'

આદમનું અડપલું

આને કહેવાય વિકાસઃ  હોર્મુઝની ખાડી પહેલાં ભૂગોળની ટૂંક નોંધ હતી, હવે અર્થશાસ્ત્રનો નિબંધ થઈ ગઈ.