Get The App

ઉત્તરાયણ એટલે ધાબાં પર રીલ બનાવવાનો તહેવાર

Updated: Jan 10th, 2026

GS TEAM

Google News
Google News
ઉત્તરાયણ એટલે ધાબાં પર રીલ બનાવવાનો તહેવાર 1 - image

- અગડમ્ બગડમ્-બાબા આદમ

- ઉત્તરાયણ વિશે નવી પેઢીનો નિબંધ: વેજ પિત્ઝામાં હજુ સુધી ઊંધિયાની વેરાયટી કેમ નથી આવી?

ઉત્તરાયણ એ પતંગ ચગાવવાનો તહેવાર છે અને આ દિવસે લોકો તલસાંકળી ખાય છે એ ટાઈપના નિબંધો લખી ચુકેલી પેઢી હવે એટલી બુઢ્ઢી થઈ ગઈ છે કે તેમનામાં કપાયેલી પતંગ લૂંટવા ઝંડો મારવાનું જોર રહ્યું નથી. હવે  જે રીતે ઉત્તરાયણ ઉજવાય છે તે જોતાં નવી પેઢીને ઉત્તરાયણ વિશે નિબંધ લખવામાં આવે તો એ કેવી રીતે લખે? જુઓ-  

'દર વર્ષે જાન્યુઆરીમાં સરકાર પતંગોત્સવ ગોઠવે છે તેની આગળપાછળ જ આ ઉત્તરાયણ નામનો તહેવાર આવે છે. પેલા પતંગોત્સવમાં તો દેશવિદેશના લોકો પોતપોતાની રીતે જાતભાતની ડિઝાઈન અને  આકારના પતંગ ચગાવ્યા કરતા હોય છે, બીજી કોઈ ખાસ એક્ટિવિટી નથી હોતી, પણ આ ઉત્તરાયણમાં તો મોટા ભાગે અગાશી પર જઈ હાહાહીહી, ચીસાચીસ, ડાન્સ, પાર્ટી અને ફૂડ એન્જોય કરવાની રીલ જ બનાવવાની હોય છે. એમાં પતંગ તો પ્રોપ તરીકે જ ધાબે લઈ જવાના હોય છે.  અને હા,  પેલા પતંગોત્સવ  અને આ ઉત્તરાયણના પતંગોત્સવમાં સૌથી ખાસ તફાવત એ કે આ ઉત્તરાયણમાં લગભગ બધા જ પતંગ એકસરખી ડિઝાઈન અને કદના હોય છે. 

અંકલ લોકો કહે છે કે એમના જમાનામાં ધાબાં પર પતંગ  ચગાવવા જતી વખતે પ્રેમ થઈ જતા હતા અને પછી આખી જિંદગી અંકલ-આન્ટીઓ એકબીજા  સાથે પેચ લડાવ્યા કરતા હતા. હાઉ સેડ!  બિચારાઓએ અગાશી પરથી જ બૂમો પાડીને કે ઈશારા કરીને  પ્રેમના મેસેજ આપવા પડતા હતા. એમના જમાનામાં વ્હોટસએપ હતું નહિ તે બિચારા શું કરે? પહેલાં તો મકાનો એ રીતે બંધાતાં હતાં કે એેક ધાબાં પરથી બીજાં ધાબાં પર આસાનીથી ઈશારા થાય. હવે હાઈરાઈઝમાં એવું બધું બહુ પોસિબલ નથી.

ઉત્તરાયણના બધી પબ્લિક ઊંધિયું બહુ ખાય છે. હજુ સુધી એ સમજાયું નથી કે ઉંધિયામાં ઊંધું શું છે ને ચત્તું શું છે? પબ્લિક કહે છે કે ઊંધિયામાં બહુ બધાં વેજીટેબલ હોય છે. વેજીટેબલ્સ તો વેજ પિત્ઝામાં પણ હોય છે તો પણ હજુ સુધી બજારમાં  ઉંધિયા ફલેવરનો પિત્ઝા કેમ નથી મળતો?  

અમુક કહે છે  કે એકચ્યુલી ઉત્તરાયણના દિવસે તો વોર્મ અપ  કરવાનું હોય ને પછી બધી ચીસાચીસ ને કૂદાકૂદ બધાની મજા વાસી ઉત્તરાયણે જ માણવાની હોય. આ પણ ખરું છું, ફૂડ કોઈનેય વાસી ચાલતું નથી પણ એન્જોય તો વાસી ઉત્તરાયણે જ કરવાનું. 

બાકી ઉત્તરાયણના દિવસે  ધાબા પર ગોગલ્સ પહેરીને જવાનું ને રાતે ત્યાં જ ગરબા ગાઈ નાખવાના, પણ પતંગ ચગાવવાના રવાડે  ખાસ કોઈ ચઢતું નથી. અમે લોકો ત ોનહિ જ.  પતંગ ચગાવવા જતાં આંગળીમાં કાપા પડી જાય તો પછી ભાઈસાહેબ,  કેટલાય દિવસો સુધી  મોબાઈલ ચલાવી શકાય નહિ. બોલો, એ કેમ પોસાય?'

આદમનું અડપલું

પબ્લિક ઢીલ આપે છે ને નેતાઓ ચગ્યા કરે છે.