- અગડમ્ બગડમ્-બાબા આદમ
- ટૂંક સમયમાં 50 ટકાથી ઓછા મેળવનારાને સંરક્ષિત પ્રજાતિમાં મૂકવા પડશે
શિક્ષણ ખાતામાં અધિકારીઓ એકબીજાને તાળીઓ આપી રહ્યા હતા એમાં બોસ એમની કેબિનમાંથી બહાર દોડતા આવ્યા. 'શેની ઉજવણી ચાલે છે આ બધી? ઈરાન યુદ્ધ વધુ એક વખત પૂરું થયું એની?'
એક અધિકારી બોલ્યા, 'સર, આ તો રિઝલ્ટ આવ્યું એની ઉજવણી છે.'
સર કહે, 'ઓહો, બંગાળ-આસામમાં સમસ્ત દેશનાં સરકારી તંત્રને ગમે તેવું રિઝલ્ટ આવ્યું છે એ વાત સાચી, પણ એની ઉજવણી આપણે કેટલી ચલાવીશું? હજુ પાંચ વર્ષ સુધી?'
બીજા અધિકારી કહે, 'ઓહો, સર. આ તો રિઝલ્ટ એટલે ધોરણ ૧૦-૧૨ અને બીજાં શાળા પરિણામોનાં રિઝલ્ટની ઉજવણી છે.'
સર ખુશ થઈને કહે, 'એમ? આપણા કોઈ સાથી અધિકારીના ચાઈલ્ડ સ્કૂલમાં ટોપર આવ્યા કે શું?'
બીજા અધિકારીએ કહ્યું, 'અરે સર... આ તો સમગ્ર રાજ્યમાં ટોપર્સ ટોપલે ટોપલા ભરાય એટલા વધી રહ્યા છે એની ઉજવણી છે. અમે બધા સોશિયલ મીડિયા જોતા હતા તેમાં ખ્યાલ આવ્યો કે લગભગ સૌનાં સંતાનોને ૯૦ ટકાથી વધારે જ આવ્યા છે. ૯૦ ટકાથી ઓછાવાળું તો કોઈ છે જ નહીં.'
સર હજુ કાંઈ બોલવા જાય તે પહેલાં એક ચોથા અળવતીરા અધિકારી કહે, 'એમાં તો એવું પણ હોય ને કે ૯૦ ટકાથી ઓછા આવ્યા હોય એની કોઈ સોશિયલ મીડિયા પર પોસ્ટ જ ન કરે. સોશિયલ મીડિયાથી દોરવાઈ ન જવું.'
ત્યાં બીજા અધિકારી કહે, 'અરે ના, ના... આપણે તે થોડા મતદારો છીએ કે નેતાઓની સોશિયલ મીડિયા પોસ્ટસથી દોરવાઈ જઈએ? પણ, વાત સાચી છે. ફેમિલી અને સોસાયટીના વ્હોટસએપ ગુ્રપમાં, મોર્નિંગ વોકર્સથી માંડીને ભજનમંડળીઓમાં અને લગ્ન સમારોહોમાં પણ સર્વત્ર ચર્ચાતી વાત એ જ છે કે આજકાલ ધોરણ ૧થી ૧૨માં લગભગ બધાના ૯૦ ટકાથી વધારે જ આવી રહ્યા છે. આપણને લોકોને તો પરીક્ષામાં ૬૦ ટકા લાવતાં પણ નાકે દમ આવી જતો હતો, પણ અત્યારે તો આમને આમ ચાલ્યું તો હવેની પરીક્ષાઓમાં ૫૦ ટકાથી ઓછા મેળવનારાને તો સંરક્ષિત પ્રજાતિમાં મૂકવા પડશે.'
સર આ અધિકારીનો ખભો થાબડતાં કહે, 'ચારે બાજુ વિકાસ વિકાસ થઈ રહ્યો છે. બધાને ૯૦ ટકાથી ઉપર આવે એ પણ શિક્ષણનો વિકાસ જ છે. આ અદ્ભુત સિદ્ધિ બદલ હું આપણા સૌ વતી આપણને સૌને અભિનંદન પાઠવું છું.'
ત્યાં પેલા અળવિતરા અધિકારી કહે, 'સર, ટકાવારીની બાબતમાં આટલો બધો વિકાસ કરવો પણ સારો નહીં. વિચારો કે આટલા બધા ટોપર્સ હશે તો ભવિષ્યમાં સરકારે ફલાયઓવરો, હાઈવે, બસ ડેપો, પર્યટન મથકો વિકસાવવાને બદલે આઈઆઈટી, આઈઆઈએમ જેવી ઉચ્ચ શિક્ષણની સંસ્થાઓ વિકસાવવી પડશે, કેટકેટલીય યુનિવર્સિટીઓ સ્થાપવી પડશે અને આટલા બધા તેજસ્વી વિદ્યાર્થીઓ માટે ભવિષ્યમાં એવી જ ઉચ્ચ રોજગારીની તકો પણ સર્જવી પડશે.'
સર કાંઈ જવાબ આપ્યા વિના પાછા કેબિનમાં જતા રહ્યા.
આદમનું અડપલું
ચૂંટણી અને શાળાઓની પરીક્ષા બંનેમાં કેટલાંકનાં રિઝલ્ટ ખરેખર ચોંકાવનારાં આવે છે.


