હવે ભાઈઓને નવા જમાનાનાં જોખમો સામે બચાવો
- અગડમ્ બગડમ્-બાબા આદમ
- ભારત દેશમાં રક્ષાબંધનનો તહેવાર તો યુગોથી ઉજવાય છે પણ જમાના પ્રમાણે કેટલાંક જોખમો અપડેટ થયાં છે
યુગો પહેલાં બહેનો મોટાભાગે યુદ્ધ લડવા જતા ભાઈઓ માટે રક્ષાની ઈચ્છા સાથે રાખડી બાંધતી હતી. જોકે, હવે બહેનોએ લક્ષમાં લેવા જેવું છે કે આધુનિક જમાના પ્રમાણે જોખમો પણ અપડેટ થઈ ગયાં છે. આથી, બહેનો ઈચ્છે તો આ નવાં પ્રકારનાં જોખમો સામે રક્ષાની માગણી કરી શકે છે.
ભાઈ નાનો હોય અને સ્કૂલે જતો હોય તો પ્રાર્થના કરો કે તેને શાળામાં ખરેખર ભણતર માટે પૂરતો સમય મળે અને તેની શાળા નાહકની ઈવેન્ટોમાં દિવસો ન બગાડે.
યુવાન કોલેજિયન ભાઈ માટે પ્રાર્થના કરજો કે તેે પોતે જે સાદી બીએ કે બીકોમની તો ઠીક પણ હવે તો એન્જિનિયરિંગની કે એમબીએની ડિગ્રીનો પણ જે અભ્યાસ કરી રહ્યો છે તેના આધારે કોઈ સારી નોકરી મળી જશે એવા વહેમના જોખમથી બચે.
જો ભાઈ કોઈ સ્પર્ધાત્મક પરીક્ષા માટે તૈયારી કરી રહ્યો હોય તો ઈશ્વર તેને છાશવારે ફૂટતાં પેપરોથી બચાવી લે તેવી રક્ષા માંગજો.
ભાઈ બાઈક કે ફોર વ્હીલર લઈને ફરતો હોય તો પ્રાર્થના કરજો કે મ્યુનિસિપાલિટીના સૌજન્યથી ઠેર ઠેર પડેલા ખાડાથી તે સલામત રહે. તેમાં પણ ભાઈને ખાસ કહેજો કે આજકાલના કોઈપણ નવા જૂના બ્રિજ પરથી પસાર થતી વખતે ખાસ સાચવે. પચ્ચીસ વર્ષ કે પચ્ચીસ મહિના જૂના બ્રિજનો પણ હવે કોઈ ભરોસો રહ્યો નથી.
સઘળા ભાઈઓ સોશિયલ મીડિયા પર તો સક્રિય હશે જ તેવું ધારી લઈએ. અહીં તો બહેનોએ ફક્ત એક જ દિવસ નહિ પરંતુ વર્ષના ૩૬૫ દિવસ પ્રાર્થનાઓ કરવી પડે તેમ છે કે ભાઈઓનો નકલી પ્રોફાઈલથી આવતી મીઠી મીઠી ફ્રેન્ડશિપ રિક્વેસ્ટોથી બચાવ થાય, ભાઈઓથી ક્યાંય આડીઅવળી લિંક પર ક્લિક ન થઈ જાય અને એ લિંકના ભરોસે તો કોઇ રિલેશન ન બાંધી બેસે કે ઈન્વેસ્ટમેન્ટ ન કરી બેસે. બહેનો ખાસ પ્રાર્થના કરે કે ભાઈ પાસે લાખ રૂપિયાવાળો ફોન હોય કે પછી દસ હજાર રૂપિયાવાળો પણ તેની બેન્ક ડિટેલ્સ તેમાંથી સરકીને ક્યાંય કોઈ ભેજાબાજના હાથમાં ન જઈ ચડે.
ભાઈ જો સરકારી શાળામાં શિક્ષક હોય તો પ્રાર્થના કરો કે એને બિચારાને ખરેખર શાળામાં થોડા દિવસો ભણાવવા મળે અને વસતી ગણતરી કે મતદાર યાદી કે એવાં જાતભાતના કામ ન આવે. ભાઈ બીજી કોઈ સરકારી નોકરીમાં હોય તો તેને નેતાઓની ઈવેન્ટસમાં ભીડ એકઠી કરવાની જવાબદારી ન આવે.
ભાઈ જો વયોવૃદ્ધ હોય તો પ્રાર્થના કરજો કે હોસ્પિટલોની ઓપરેશનની નહિ પરંતુ ખિસ્સાં પરની મોટી મોટી કાતરોથી ભાઈ બચી જાય.
જો ભાઈ વેપારી હોય તો એને જીએસટીવાળા બહુ હેરાન ન કરી જાય તેની પ્રાર્થના કરજો..પણ જવા દો...વેપારી હોય કે ગ્રાહક. જીએસટીથી તો કોઈ ભાઈની રક્ષા ક્યારેય શક્ય જ નથી.
આદમનું અડપલું
ચૂંટણીમાં ગરબડો અંગે જે પ્રકારે આક્ષેપો ચાલે છે તે જોતાં દરેક ચૂંટણીએ દરેક ઈવીએમને પણ એક રાખડી બાંધવાનો રિવાજ લાવવો પડશે.